
ભારતીય રેલવે સ્ટેશન પર મુસાફરોને વ્હીલચેરની સુવિધા સહિત વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જો કોઈ મુસાફર ચાલવામાં અસમર્થ હોય તો તેવી વ્યક્તિ વ્હીલચેરની સુવિધાનો ઉપયોગ કરી શકે છે. આ માટે મુસાફરે ચાર્જ ચૂકવવો પડે છે. દરેક સ્ટેશન પર ચાર્જ લિસ્ટ હોય છે. ત્યારે દિલ્હીના હઝરત નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન પર એક લાઇસન્સ ધરાવતા કુલીએ વ્હીલચેરના NRI પાસે 10,000 રૂપિયાની વસૂલતાં ઉહાપોહ મચી ગયો છે. આ અંગે રેલવેને ફરિયાદ કરવામાં આવતાં રેલ્વેએ કાર્યવાહી કરી લાઇસન્સ રદ કર્યું છે. કારણ કે કુલીઓ નક્કી કરાયેલા ચાર્જ કરતાં વધુ નાણા વસૂલ્યા હતા.
શું છે સમગ્ર મામલો?
હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પર એક NRI મુસાફરને વ્હીલચેરમાં પ્લેટફોર્મ પર લઈ જવા માટે રેલવેના લાઇસન્સ ધરાવતા કુલી દ્વારા રૂ. 10,000 લેવાના મામલા બાદ દિલ્હી ડિવિઝન રેલવે મેનેજરે તાત્કાલિક દોષિત કુલીની ધરપકડ કરી કાર્યવાહી કરી છે. કાયદાકીય પગલાં લઈને દિલ્હી ડિવિઝને લાઈસન્સ રદ કરી તેનો બેજ પાછો લઈ લીધો છે. આ સિવાય આ મામલે હસ્તક્ષેપ કરીને 90% રકમ પેસેન્જરને પરત કરી દેવામાં આવી છે.
રેલવે મેનેજર શું કહ્યું?
રેલવે પ્રશાસને કહ્યું મુસાફરોનું હિતને સર્વોપરી છે અને આવી ઘટનાઓને સહન કરશે નહીં. રેલવે પ્રશાસન આવી ઘટનાઓ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ જાળવી રાખે છે, દિલ્હી ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજરએ આ ઘટના પર ઊંડુ દુ:ખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે રેલવે મુસાફરોને સલામત અને સુવિધાજનક મુસાફરી પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.
આવી ઘટનાઓથી રેલવેની છબી ખરાબ થાય છે અને મુસાફરોનો વિશ્વાસ નબળો પડે છે. રેલવે મેનેજરે ખાતરી આપી હતી કે આવા મામલામાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રેલવે પ્રશાસન તમામ મુસાફરોને અપીલ કરે છે કે જો તેઓને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે તો તેઓ તાત્કાલિક રેલવે હેલ્પલાઈન નંબર 139 પર સંપર્ક કરે.