
- મુંબઈમાં ગુંગળામણથી 4 મજૂરોના મોત; ભૂગર્ભ પાણીની ટાંકી સાફ કરતી વખતે દૂર્ઘટના
રવિવારે મુંબઈના નાગપાડામાં મિન્ટ રોડ પર ગુડ લક મોટર ટ્રેનિંગ સ્કૂલ પાસે એક નિર્માણાધીન ઇમારતની પાણીની ટાંકી સાફ કરતી વખતે ચાર મજૂરોના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના જણાવ્યા અનુસાર, આ ઘટના આજે બપોરે 12:29 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે કેટલાક કામદારો નાગપાડા સ્થિત બિસ્મિલ્લાહ સ્પેસ બિલ્ડિંગમાં પાણીની ટાંકી સાફ કરી રહ્યા હતા.
મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પાણીની ટાંકીમાંથી કામદારોને બચાવ્યા હતા. બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘આ ઘટના બિસ્મિલ્લાહ સ્પેસ બિલ્ડિંગમાં બની હતી, જે નાગપાડા વિસ્તારમાં દિમટીમકર રોડ પર ગુડ લક મોટર ટ્રેનિંગ સ્કૂલ પાસે આવેલી છે.’ મુંબઈ ફાયર બ્રિગેડ (MFB) દ્વારા કામદારોને સારવાર માટે JJ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમાંથી 4 ને મૃત જાહેર કર્યા.
આ ઘટના અંગે માહિતી આપતાં મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, ‘આજે સવારે 12 વાગ્યાની આસપાસ જેજે માર્ગ પોલીસ સ્ટેશન હેઠળ મસ્તાન તાલાબ નજીક દિમટીમકર રોડ પર બિસ્મિલ્લાહ સ્પેસ નામની એક નિર્માણાધીન ઇમારતમાં કોઈ કામ માટે ભૂગર્ભ પાણીની ટાંકીમાં ઘૂસેલા 4 કામદારો ગૂંગળામણને કારણે મૃત હાલતમાં મળી આવ્યા હતા.’ પાંચમો વ્યક્તિ ઠીક છે, તેને જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલુ છે.