
ખેડા જીલ્લાના વડા મથક નડિયાદમાંથી LPG ગેસ રિફિલિંગનુ રેકેટ ઝડપાયું છે. પોલીસે શહેરના વિસ્તારમાંથી આ કૌંભાંડને ખુલ્લુ પાડ્યું છે. હાલ આ મામલે પુરવઠા વિભાગે ઊંઘ ખંખેરી તપાસ હાથ ધરી છે.
નડિયાદ શહેરમાં માઈ મંદિર રોડ પર સાવલિયા પંપીંગ સ્ટેશન પાસેની નવરંગ સોસાયટીમાંથી આ કૌભાંડ પકડાયું છે. સોસાયટીના રહેણાંક મકાનમાં એક ઈસમ ગેસ સિલિન્ડરો લાવી વેચાણ કરતો હોવાનું બહાર આવ્યું છે. આજે પોલીસે આ કૌભાંડનો પર્દાશ કર્યો છે. મકાનમાંથી મોટી માત્રામાં કોમ અને ઘરેલું ગેસ સિલિન્ડરોની બોટલો મળી આવી છે. જે બાદ પોલીસે જિલ્લા પુરવઠા વિભાગને જાણ કરતા પુરવઠા વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યાં હતા.
70થી વધુ ગેસ સિલિન્ડરોની બોટલો મળી આવી છે. જિલ્લા પુરવઠા અધિકારી અક્ષયભાઈ કહ્યું છે કે તમામ LPG ગેસ સિલિન્ડર કોમર્શિયલ અને ઘરેલું છે. ઝડપાયેલા શખ્સે કોઈ આધાર પુરાવા રજૂ ન કરતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ તમામ જથ્થો જપ્ત કરી પોલીસે અને પુરવઠા વિભાગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.