
Ahmedabad Crime News: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ખુદ પિતાએ જ 10 વર્ષિય પુત્રની હત્યા કરી નાખતાં ખળભળાટ મચી ગયો છે. હાલ આરોપી પિતાની પોલીસે ધરપકડ કરી લીધી છે. પિતાએ જ બાળકની સોડિયમ નાઈટ્રેટ પાણીમાં ભેળવીને પીવડાવી દેતા મોત થયું છે.
મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરના બાપુનગરમાં નર્મદા આવાસમાં રહેતા કલ્પેશ ગોહિલે પોતાના 10 વર્ષિય બાળકને મોતના મુખમાં ધકેલી દીધો છે. ઓમન નામના બાળકને 30 ગ્રામ જેટલું સોડિયમ નાઈટ્રેટ પાણીમાં ભેળવીને પીવડાવીને હત્યા કરી નાખી છે.
પ્રાથમિક તપાસમાં દાવો કરવામાં આવ્યો છે કે પતિ-પત્ની વચ્ચે ચાલતી તકરારને લઈને માસૂમની હત્યા કરી નાખવામાં આવી છે. આ મામલે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. પત્ની મહેસાણા ગઈ ત્યારે સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.
આરોપી પિતા પોલીસ મથકે હાજર થઈ ગયો
આ ઘટના અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ જણાવ્યું છે કે, મારા ભાઈએ મને જણાવ્યું હતું કે મારી પત્ની મહેસાણા ગઈ હતી. ઘરે હું માતા-પિતા અને પુત્ર-પુત્રી સાથે હાજર હતો. તે સમયે મને મારા બાળકો સાથે મરી જવાનો વિચાર આવતાં સવારના આશરે સાડા નવેક વાગ્યે મે પુત્ર અને પુત્રીને ઉલ્ટી ન થાય તેવી દવા પીવડાવી હતી.
પુત્રને ઉલટી થતાં પિતા ગભરાઈ ગયો
બાદમાં એક ગ્લાસમાં આશરે 30 ગ્રામ જેટલો સોડીયમ નાઈટ્રાઈટ નાંખી મારા દિકરાને પીવડાવ્યું હતું. થોડીવાર બાદ તેને પેટમાં દુખાવો થવા લાગ્યો હતો અને ઉલટી થવા લાગી હતી. જે જોઈ હું ગભરાઈ ગયો હતો અને ઘરેથી ભાગી ગયા બાદ પોલીસ સ્ટેશન આવ્યો હતો અને સમગ્ર હકીકત જણાવી હતી. હાલ આ ઘટના અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.