
Aniruddhasinh Jadeja: રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા હાલ કાનૂની ડબલ મુશ્કેલીમાં ફસાયા છે. ગુજરાત હાઈકોર્ટે 1988ના પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહને એક મહિનામાં સરેન્ડર કરવા આદેશ આપ્યો છે, જ્યારે અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં બંને પિતા-પુત્ર પોલીસની શોધમાં છે. આ બંને કેસે રીબડા ગામમાં ભારે ચર્ચા જગાવી છે.
પોપટ સોરઠિયા હત્યા કેસમાં સજા માફી રદ
1988માં ગોંડલની સંગ્રામ સિંહજી હાઈસ્કૂલમાં સ્વાતંત્ર્ય દિવસના ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ટાડા એક્ટ હેઠળ તેમને આજીવન કેદની સજા થઈ હતી. 2018માં, અનિરુદ્ધસિંહના પુત્રની અરજી પર જેલ આઈજી ટી.એસ. બિસ્તે 18 વર્ષની સજા ભોગવ્યા બાદ તેમને માફી આપી મુક્ત કર્યા હતા. જોકે, મૃતકના પૌત્ર હરેશ સોરઠિયાએ આ માફી રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી. ગુજરાત હાઈકોર્ટે આ માફીને રદ કરી, અનિરુદ્ધસિંહને ચાર અઠવાડિયામાં સરેન્ડર કરવા, દરરોજ હાજરી પુરાવવા અને પાસપોર્ટ જમા કરાવવા આદેશ આપ્યો છે.
અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં જામીન અરજી નામંજૂર
બીજી તરફ, રાજકોટના રીબડા ગામમાં 5 મે 2025ના રોજ અમિત ખૂંટ નામના 32 વર્ષીય યુવકે લોધીકા રોડ પર પોતાની વાડી નજીક ઝાડ પર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. અમિતના ખિસ્સામાંથી મળેલી ચાર પાનાની સુસાઈડ નોટમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ જાડેજા સહિત બે યુવતીઓ પર તેને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી, માનસિક ત્રાસ આપી આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો આરોપ લગાવ્યો હતો. ગોંડલ તાલુકા પોલીસે આ બંને સામે ગુનો નોંધ્યો છે, પરંતુ બંને ફરાર છે. ગોંડલ કોર્ટે 19 ઓગસ્ટે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહની આગોતરા જામીન અરજીઓ નામંજૂર કરી છે, જેનાથી તેમની મુશ્કેલીઓ વધી છે.
અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહને પકડવા માટે છ ટીમો બનાવી
અમિત ખૂંટના આત્મહત્યા કેસમાં બંને આરોપીઓની ધરપકડ ન થતાં પાટીદાર સમાજ અને અમિતના પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરિવારે આરોપીઓ પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ પોલીસની ખાતરી બાદ તેઓએ મૃતદેહ સ્વીકાર્યો. ગોંડલ પોલીસે બે યુવતીઓની પૂછપરછ શરૂ કરી છે અને અનિરુદ્ધસિંહ તેમજ રાજદીપસિંહને પકડવા માટે છ ટીમો બનાવી છે.
રીબડામાં વધતા વિવાદો
આ ઉપરાંત, રીબડામાં અનિરુદ્ધસિંહના ભત્રીજાના પેટ્રોલ પંપ પર થયેલા ફાયરિંગનો કેસ પણ ચર્ચામાં છે. આ ઘટનાની જવાબદારી હાર્દિકસિંહ જાડેજાએ સ્વીકારી હતી, જે ગુજરાત બહારથી વીડિયો વાયરલ કરી ગાયબ થયો છે. પોલીસે તેને ઝડપવા ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં ટીમો મોકલી છે. આ ઘટનાએ રીબડામાં રાજકીય અને સામાજિક તણાવ વધાર્યો છે.
આ બંને કેસે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહને કાનૂની અને સામાજિક રીતે ભારે મુશ્કેલીમાં મૂક્યા છે, જેના પરિણામે રીબડા ગામ હાલ વિવાદોનું કેન્દ્ર બન્યું છે.
આ પણ વાંચો:
Gujarat: દાહોદમાં ચોંકાવનારી ઘટના, પિતાએ પુત્રો સાથે જીવન ટૂંકાવ્યું