
Bangladesh Violence: ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. બાંગ્લાદેશમાં બુધવારે રાત્રે હુમલાખોરોએ બંગબંધુ શેખ મુજીબુર રહેમાનના ઘર પર હુમલો કર્યો છે. મોટી સંખ્યામાં પહોંચેલા તોફાનીઓએ ઘરમાં તોડફોડ કરી અને પછી તેને આગ ચાપી દીધી હતી. આ ઘટના દરમિયાન સુરક્ષા દળોની ટીમ પણ આવી પહોંચી ન હતી. આ હુમલો વિદ્યાર્થી સંગઠનો દ્વારા કરાયો હતો.
અવામી લીગ પ્રદર્શન કરે તે પહેલા જ વિદ્યાર્થીઓએ હુમલો કર્યો
હુમલો બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ધનમોન્ડી વિસ્તારમાં થયો હતો, જ્યાં શેખ મુજીબુરહમાનનું ઘર આવેલું છે. 6 ફેબ્રુઆરીના રોજ, શેખ હસાનીની પાર્ટી આવામી લીગના કાર્યકરો પ્રદર્શન કરવાના હતા. જોકે તે પહેલા જ વિદ્યાર્થીઓ ઉશ્કેરાઈ ગયા અને ભારે હંગામો મચાવ્યો હતો. વિદ્યાર્થી સંગઠનોએ અવામી લીગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. હુમલાખોરો પોતાની સાથે બુલડોઝર પણ લાવ્યા હતા.
ઘરમાં આગ ચાપી દીધી
શેખ હસીનાના ઓનલાઈન સંબોધનના પ્રતિભાવમાં વિદ્યાર્થી સંગઠનોએ પ્રદર્શન કર્યું છે. મોડી રાત્રે હજારો વિરોધીઓ મુજીબુરહમાનના ઘરે પહોંચ્યા અને અંદર ઘૂસી ગયા. હુમલાખોરોએ લાકડીઓ વડે ઘર તોડફોડ કરી અને પછી તેને આગ ચાંપી દીધી. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ સૂત્રોચ્ચાર પણ કર્યા. આ ઘટનાને લઈને ઘણા વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં વિરોધીઓ જોવા મળી રહ્યા છે.
બાંગ્લાદેશમાં હિંસા કેમ ફાટી નીકળી?
મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર દ્વારા અવામી લીગના નેતાઓ અને કાર્યકરો વિરુદ્ધ થઇ રહેલી હિંસાના વિરોધમાં અવામી લીગે મોટું પ્રદર્શન કરવાનું આહ્વાન કર્યું હતું. અવામી લીગના દેખાવોથી ઠીક એક સાંજ પહેલા બાંગ્લાદેશમાં સ્થિતિ બગડી હતી.