
Bharuch: ભરૂચ જિલ્લામાં આંગણવાડી કાર્યકર મહિલાઓને એક અજાણ્યા શખ્સ દ્વારા સરકારે આપેલા સીમકાર્ડ પર ન્યૂડ વીડિયો કોલ કરીને હેરાન કરવામાં આવી રહ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ શખસે એક જ નંબરથી 35થી વધુ મહિલાઓને સવાર, બપોરે અને મધરાતે અશ્લીલ વીડિયો કોલ કરીને ભયનો માહોલ ઊભો કર્યો છે. આજે પીડિત આંગણવાડી બહેનોએ ભરૂચના કાળી તલાવડી ખાતે આવેલા સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી, આરોપીને ઝડપી કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.
આંગણવાડી બહેનોની ન્યૂડ વીડિયો કોલથી હેરાનગતિ
મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લામાં લગભગ 1500 આંગણવાડી કાર્યકરો સેવા આપી રહી છે. ભરૂચ, ઝઘડીયા, નેત્રંગ અને વાલીયા તાલુકામાં કાર્યરત આ મહિલાઓને સરકારે આપેલા ICDS સીમકાર્ડ પર એક અજાણ્યો શખસ સતત ન્યૂડ વીડિયો કોલ કરી રહ્યો છે. આ કોલ સવારે, બપોરે કે મધરાતે આવે છે, જેમાં આરોપી અશ્લીલ હરકતો કરે છે. આનાથી મહિલાઓમાં ડરનો માહોલ ફેલાયો છે, અને કેટલીક બહેનોના ઘરે આ કોલને લીધે ઝઘડા પણ થયા છે.
પીડિત મહિલાઓએ સાયબર સેલમાં નોંધાવી ફરિયાદ
આજે ભરૂચ જિલ્લા આંગણવાડી સંગઠનના પ્રમુખ રાગિણી પરમારની આગેવાની હેઠળ પીડિત મહિલાઓએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી. તેમણે જણાવ્યું કે, “સરકારે આપેલા ICDS ફોન બંધ હોવાથી અમે આ સીમ અમારા વ્યક્તિગત મોબાઈલમાં ઉપયોગ કરીએ છીએ. આ નંબર પર ન્યૂડ વીડિયો કોલ આવે છે, જેનાથી બહેનો ગભરાઈ ગઈ છે. અમે અમારા ગ્રુપમાં જાણ કરી છે કે આ નંબરનો કોલ ન ઉઠાવવો, પરંતુ તેમ છતાં ઘણી બહેનો આનો ભોગ બની છે.” તેમણે આરોપીને તાત્કાલિક ઝડપી, કડક સજા કરવાની માગ કરી અને કહ્યું, “જો સજા ન થઈ શકે, તો આરોપીને અમને સોંપો, અમે તેનો ઈલાજ કરીશું.”
ઘરેલું કલેશ અને કામ પર અસર
આ ઘટનાએ આંગણવાડી બહેનોના કામકાજ અને વ્યક્તિગત જીવન પર ગંભીર અસર કરી છે. એક પીડિત મહિલાએ જણાવ્યું, “રાત્રે 1:35 વાગે મને વીડિયો કોલ આવ્યો. મને લાગ્યું કે કોઈ ઈમરજન્સી હશે, એટલે મેં કોલ ઉઠાવ્યો, પરંતુ તે અશ્લીલ હતો. મારા પતિ જાગી ગયા અને સવારે અમારી વચ્ચે ઝઘડો થયો. પછી મેં તેમને સમજાવ્યું કે આ ICDS નંબર પર આવેલો ફ્રોડ કોલ હતો.” તેમણે ઉમેર્યું કે, આવા કોલથી અન્ય બહેનો પણ પરેશાન છે, અને આવા વ્યક્તિ સામે કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ.
આરોપીની ઝડપી ધરપકડની માગ
આ ઘટનાએ ભરૂચ જિલ્લામાં ચકચાર મચાવી છે. આંગણવાડી બહેનોમાં આક્રોશ ફેલાયો છે, કારણ કે આવા કોલથી તેમની નોકરી અને ઘરેલું જીવન બંને પર અસર થઈ રહી છે. સાયબર સેલને આરોપીને ઝડપી, કાયદેસર કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે, જેથી આંગણવાડી બહેનો નિર્ભયપણે પોતાની ફરજ બજાવી શકે.
આ પણ વાંચો:
Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!
SURAT: સુરતના યુવા એન્જિનિયર્સે બનાવી AI સંચાલિત બાઇક, ખાસિયતો જાણી દંગ રહી જશો!
UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!
Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો