
Bhavnagar: વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 20 થી વધુ લોકોના મોત થયા બાદ રાજ્યમાં તંત્ર જાગ્યું છે. હાલમાં અનેક જર્જરિત બ્રિજને ભારે વાહનો માટે બંધ કરી દેવામા આવ્યા છે. તો ક્યાંક તાત્કાલિક બ્રિજા સમારકામની કામગીરી હાથ ધરવામા આવી છે ત્યારે ભાવનગરનું તંત્ર હજુ પણ દુર્ઘટનાની રાહ જોતુ હોય તેવું લાગી રહ્યું છે.
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પણ ન જાગ્યું તંત્ર
ભાવનગર શહેરના કુંભારવાડા અંડર બ્રિજની દયનીય સ્થિતિ સર્જાઈ છે. અહીં મોટા અકસ્માતનો ભય છે છતા તંત્રની ઉદાસીનતા જોવા મળી છે. વાહન ચાલકો ભયના ઓથાર હેઠળ બ્રિજમાંથી ચાલવા મજબુર બન્યા છે. ત્યારે રેલ્વે દ્વારા અંડર બ્રિજની જવાબદારી મહાનગરપાલિકાની હોવાનું અને મહાનગરપાલિકા દ્વારા રેલ્વે એમ એકબીજાને ખો આપી રહ્યા છે. તેવામાં બે વિભાગનો ભોગ કોઈ નિર્દોષ લોકો બને તે પહેલા યોગ્ય કાર્યવાહી કરાશે કે કેમ તે સવાલ છે.
અંડરબ્રિજની હાલત અત્યંત જર્જરિત
મળતી માહિતી મુજબ ભાવનગર શહેરમાં કુંભારવાડા વિસ્તારને શહેર સાથે જોડતા અંડરબ્રિજની હાલત અત્યંત જર્જરિત બની ગઈ છે, જેને કારણે હજારો વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. આ અંડરબ્રિજની છતમાં ઠેર-ઠેર ગાબડાં પડી ગયા છે અને તિરાડો પણ સ્પષ્ટ દેખાઈ રહી છે, જે તેની નબળી કામગીરીનો પુરાવો છે. દિવસ દરમિયાન આ બ્રિજ પરથી અનેક ટ્રેનો પસાર થતી હોય છે, ત્યારે તેની છત પરથી પાણી ટપકવાની સમસ્યા ચોમાસાની ઋતુમાં વધુ ગંભીર બની છે. વરસાદ રોકાયાને બે દિવસ વીતી ગયા હોવા છતાં, અંડર બ્રિજની છત પરથી અનેક જગ્યાએથી સતત પાણી ટપકી રહ્યું છે.
નાગરિકોના તંત્ર પર આક્ષેપ
આ સ્થિતિ રાજ્યમાં અગાઉ બનેલી અનેક પુલ તૂટવાની ઘટનાઓની યાદ અપાવે છે અને ભાવનગર તંત્ર જાણે કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કુંભારવાડા વિસ્તારના નાગરિકો દ્વારા તંત્ર પર ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે, તેઓ કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યા છે, કારણ કે અત્યાર સુધી આ બ્રિજના સમારકામ માટે કોઈ નક્કર પગલાં લેવાયા નથી.
બ્રિજની જવાબદારી અંગે રેલ્વે વિભાગ અને મહાનગરપાલિકા વચ્ચે ખેંચતાણ
શહેરનાં કુંભારવાડા અંડર બ્રિજની જવાબદારી માટે રાજકીય દાવપેચ રમતા હોય તેમ આ અંડર બ્રિજની જવાબદારી અંગે રેલ્વે વિભાગ અને મહાનગરપાલિકા વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. રેલ્વે ક્રોસિંગ પાસે આવેલો હોવાથી રેલ્વે વિભાગ આ બ્રિજની જવાબદારી મહાનગરપાલિકાની હોવાનું જણાવી રહ્યું છે, જ્યારે મહાનગરપાલિકાનાં કમિશ્નર દ્વારા આ જવાબદારી રેલ્વેની હોવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, કમિશ્નર દ્વારા અંડર બ્રિજની મુલાકાત લઈને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. આ સ્થિતિમાંઆ અંડર બ્રિજની નબળી કામગીરી અંગે ક્યારે પગલાં લેવામાં આવશે અને ભાવનગરના નાગરિકોને આ સંભવિત ખતરામાંથી ક્યારે મુક્તિ મળશે? તંત્રની આ ઉદાસીનતા ક્યાંક કોઈ મોટી જાનહાનિનું કારણ ન બને તે જોવું રહ્યું.
અહેવાલ: નીતિન ગોહેલ








