
ઊંઝા APMCની રોમાંચક ચૂંટણીમાં એક નવો જ ઈતિહાસ રચાયો છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પણ ફટકો પડ્યો છે. જણાવી દઈએ કે, ઊંઝામાં ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. કુલ 14 બેઠકો માટે સરેરાશ 98 ટકા મતદાન થયું હતું.
આજે આવેલા પરિણામો (17 ડિસેમ્બર)માં ખેડૂત વિભાગની મતગણતરીના અંતે ભાજપે મેન્ડેટ આપેલા 10માંથી 5 અને પાંચ અપક્ષ ઉમેદવારોની જીત થઈ છે. જોકે, વેપારી વિભાગની મતગણતરી ચાલી રહી છે.
ભાજપને ફટકો વાગવા બાબતે વાત જાણે તેમ છે કે, આ વખતે ખેડૂત વિભાગે ભાજપના મેન્ડેટવાળા પાંચ તેમજ જીતેલા પાંચ અપક્ષ ઉમેદવારોને APMCના પૂર્વ ચેરમેન દિનેશ પટેલનો ટેકો હતો. તેથી કહી શકાય કે, દિનેશ પટેલના દસે દસ ઉમેદવારોની ભવ્ય જીત થઈ છે. તો બીજી તરફ ભાજપના ધારાસભ્ય કિરીટ પટેલની પેનલના તમામ ઉમેદવારોની કારમી હાર થઈ છે.
ભાજપના પાંચ ઉમેદવારોની કારમી હાર
ઊંઝા એપીએમસી ચૂંટણીમાં આજે 10 રાઉન્ડમાં મત ગણતરી કરાઈ હતી. જોકે, ગણતરીની શરુઆતથી જ પૂર્વ ચેરમેન દિનેશ પટેલની પેનલ આગળ હતી. જોકે, ભાજપે મેન્ડેટ આપેલાં જે પાંચ ઉમેદવારોને દિનેશ પટેલનું સમર્થન નહતું તેમની કારમી હાર થઈ છે. આ પરિણામો પરથી સાબિત થાય છે કે, ખેડૂત વિભાગની પેનલમાં દિનેશ પટેલનો દબદબો કાયમ રહ્યો છે.
ખેડૂત વિભાગનું પરિણામ સામે આવ્યા બાદ દિનેશ પટેલની પેનલના ઉમેદવારો અને સમર્થકોએ ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરી હતી. એપીએમસીની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ જાણે દિવાળી જેવો માહોલ બની ગયો હતો.
ઉલ્લેખનિય છે કે, પાછલા કેટલાક સમયથી ઊંઝામાં નકલી જીરૂં અને વરિયાળીને કલર કરવાના કેસો સમાચાર પત્રોમાં ચમક્યા હતા. તેથી ઊંઝાના જીરા અને વરિયાળીની ક્વોલિટીને લઈને પ્રશ્ન ઉભા થયા હતા.
ઊંઝા APMCમાં ખેડૂત વિભાગના વિજેતા ઉમેદવારની યાદી
ભાજપના મેન્ડેડ ઉમેદવાર
- અંબાલાલ પટેલ
- કનુભાઈ પટેલ
- ધીરેન્દ્ર કુમાર પટેલ
- પ્રહ્લાદભાઈ પટેલ
- ભગવાનભાઈ પટેલ
જીતેલા અપક્ષ ઉમેદવાર
- બળદેવભાઈ પટેલ
- રાજેન્દ્રકુમાર પટેલ
- લીલાભાઈ પટેલ
- શૈલેષભાઈ પટેલ
- જયંતીભાઈ પટેલ