
વડાપ્રધાન મનમોહન સિંહનું અવસાન થતાં સમગ્ર ભારત દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે. છતાં વોર્ડ પ્રમુખોની નિણણૂક વખતે શોક ભૂલી અમદવાદના મણિનગરમાં ભાજપના ધારાસભ્ય અને નેતાઓ ઢોલ-નગરા સાથે ઘરબે ઘૂમ્યા અને નાચ્યાં હોવાના આક્ષેપ થયા છે. કોંગ્રેસે કાર્યવાહી કરવા માગ કરી છે. ગઈકાલે ઉજવણીનો એક વિડિયો કોંગ્રેસના પ્રવકત્તા ર્ડા.હેમાંગ રાવલે જાહેર કર્યો હતો. ત્યારે આજે તેમણે પ્રેસ કોન્ફર્ન્સ કરી ભાજપને આડે હાથ લીધી હતી.
હેમાંગ રાવલે ઉજવણીને લઈને પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે પૂર્વ પીએમ મનમોહન સિહનું 26 ડિસેમ્બરના રોજ નિધન થયું છે. જેથી 7 દિવસનો રાષ્ટ્પતિએ સમગ્ર દેશમાં શોક જાહેર કર્યો છે. જો કે તેમણે પ્રેસ કોન્ફર્ન્સમાં કહ્યું કે ગુજરાતમાં રાષ્ટ્રીય શોકની અસર દેખાતી નથી. મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટે અને ભાજપ કાર્યકરોએ ઢોલ-નગારા અને ફટાકડાં ફોડી ગરબે ઘૂમ્યા હતા. સાથે જ નાચ્યા હતા.
તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે મણીનગર વિધાનસભાના ધારાસભ્ય અમુલ ભટ્ટ અને મણીનગરના કોર્પોરેટરો સહિત કાર્યકર્તાઓએ રાષ્ટ્રીય શોકનો આદર ન કરી વોર્ડ પ્રમુખની જાહેરાત થયા બાદ ઉજવણીનો કાર્યક્રમ ઉજવ્યો હતો. ફટાકડા ફોડ્યા હતા અને ધારાસભ્ય સહિત કાર્યકર્તાઓ ગરબે ઘૂમીને ઉજવણી કરતા પણ જોવા મળ્યા હતા. આમ પોતાની જાતને રાષ્ટ્રવાદી ગણાવતા ભારતીય જનતા પક્ષે પૂર્વ વડાપ્રધાન ડૉ મનમોહનસિંહ મૃત્યુનો પણ મલાજો ન રાખીને દેશહિત વિરુદ્ધનું વરવું પ્રદશન કર્યું હતું.
આ પ્રોટોકોલ તોડવા બદલ ઉચ્ચ તપાસ કરવા માગ કરી છે. સાથે જ હેમાંગ રાવલે કહ્યું શોક હોવા છતાં ઉજવણી કરવા બદલ ધારાસભ્ય સહિત નેતાઓએ માફી માગવી જોઈએ. સાથે જ તેમણે ક્રેડાઈ મેરેથોન અને FM રેડિયોનાં મેરેથોનમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહી આપેલી લીલી ઝંડી મામલે માફી માગવા માગ કરી હતી.
જો કે હાલ ભાજપની ઉજવણીના ફોટા અને વિડિયો વાઈરલ થયા બાદ રાજકીય ઘમાસણ મચ્યું છે. એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે.