
Dahod: વિકસિત અને ગરવી ગુજરાતના દાવાઓ વચ્ચે ટ્રાઇબલ બેલ્ટ ગણાતા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આંગણવાડી કેન્દ્રોની દુર્દશા ચિંતાનો વિષય બની રહી છે. ગરબાડા નગરના નવાગામ ફળિયામાં આવેલી એક આંગણવાડીની જર્જરીત હાલતથી 47 બાળકોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નાર્થ ઉભો થયો છે.
આંગણવાડીમાં પોપડા ખર્યા
આ આંગણવાડી કેન્દ્રના સ્લેબના પોપડા ખરવાની ઘટના સામે આવી છે, જો કે રજાના દિવસે આ ઘટના બની હોવાથી મોટી જાનહાની ટળી હતી. જો આ ઘટના રજાના દિવસે ના બની હોત તો આંગણવાડીમાં રોજના 47 બાળકોના જીવને જોખમ ઊભું થયું હોત. આ ઘટનાએ સ્થાનિક વહીવટી તંત્રની બેદરકારી અને આંગણવાડી કેન્દ્રોની જાળવણીના અભાવને ઉજાગર કર્યો છે.
સરકારના દાવાઓ પર ઉઠ્યા સવાલ
દાહોદ જિલ્લાને ટ્રાઇબલ વિસ્તારોમાં વિકાસની મુખ્ય ધારા પહોંચાડવા માટે મહત્વકાંક્ષી જિલ્લા તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, ગરબાડા જેવા આંતરિયાળ વિસ્તારોમાં આંગણવાડીઓની જર્જરીત હાલત આ દાવાઓ પર સવાલ ઉભા કરે છે. નવાગામની આ આંગણવાડીમાં હાલ 47 બાળકો નિયમિત રીતે ભણે છે અને પોષણ મેળવે છે, પરંતુ જર્જરીત ઇમારતમાં તેમનું જીવન જોખમમાં મૂકાઈ રહ્યું છે.
વાલીઓમાં ચિંતાનો માહોલ
સ્થાનિક લોકો અને બાળકોના વાલીઓએ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે અને તંત્રને વહેલી તકે આવી જર્જરીત આંગણવાડીઓ બંધ કરી, વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માગણી કરી છે. જો આવી સ્થિતિમાં આંગણવાડી ચાલુ રહેશે અને સ્લેબના પોપડા ખરવાની ઘટના ફરી બને તો મોટી હોનારત સર્જાઈ શકે છે.
જરૂરી સમારકામ કરવાની માંગ
આ ઘટના દાહોદ જિલ્લાના આંતરિયાળ વિસ્તારોમાં આંગણવાડીઓની દયનીય સ્થિતિને ઉજાગર કરે છે. રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રે આવા કેન્દ્રોનું તાત્કાલિક નિરીક્ષણ કરી, જરૂરી સમારકામ અથવા નવી ઇમારતોનું નિર્માણ કરવું જરૂરી છે, જેથી બાળકોની સુરક્ષા સુનિશ્ચિત થાય.
આ પણ વાંચો:
Morbi: AAP ની સભામાં લાફાવાળી, ઈસુદાન ગઢવીને સવાલ પૂછનાર યુવકને પડ્યો લાફો
Banaskantha: આદિવાસી સમાજના વિરોધમાં ધારાસભ્ય પણ જોડાયા, કાંતિ ખરાડી કલેક્ટર કચેરીના પગથીયે બેસી ગયા
‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court