
- દિલ્હી ચૂંટણી 2025: આપ-બીજેપીની હાર-જીતના શું છે કારણો? 1993 પછી 2025માં BJPને મળી સફળતા
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં આજે જાહેર થઇ રહ્યા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 27 વર્ષે બમ્પર બહુમતી સાથે ભાજપે ઐતિહાસિક વાપસી કરી છે. એવામાં જોઈએ દિલ્હીમાં ભાજપની જીતના મોટા કારણો અને આમ આદમી પાર્ટીને કેમ હારનો સામનો કરવો પડ્યો છે.
ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર, બાર વાગ્યા સુધીમાં ભારતીય જનતા પાર્ટી 46 સીટો પર લીડ કરી રહી છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી 24 સીટો પર આગળ ચાલી રહી હતી. ઉલ્લેખનિય છે કે, દિલ્હીમાં સરકાર બનાવવા માટે 36 સીટોનો જાદૂઈ આંકડો પાર કરવો જરૂરી છે. તેથી જેવી રીતના વલણ આવ્યા તે પ્રમાણે જ બીજેપીની સરકાર બનશે તેવું સ્પષ્ટ થઈ ગયેલું દેખાઈ રહ્યું છે.
1. ભાજપનું માઇક્રો પ્લાનિંગ
દિલ્હીમાં બીજેપીએ માઇક્રો મેનેજમેન્ટેથી કામ કર્યું છે. યુપી અને બિહારના મતદારોને રીઝવવાની ખાસ રણનીતિના ભાગરૂપે, પાર્ટીએ યુપી અને બિહારના 100 થી વધુ સાંસદો અને ધારાસભ્યોને 30 બેઠકોની જવાબદારી સોંપી હતી. અહીં પૂર્વાંચલીના દરેક મતદાતાની ઘરે ઘરે મુલાકાત લેવામાં આવી અને AAP સરકારની નિષ્ફળતા વિશે જણાવવામાં આવ્યું. બીજેપીના માઈક્રો મેનેજમેન્ટને કારણે જ પાર્ટીને 27 વર્ષ બાદ મોટી જીત મળી છે.
2. AAPના ટોચના નેતાઓ જેલમાં હોવાનો લાભ ભાજપને થયો ફાયદો
AAPના પાર્ટીના ટોચના નેતાઓ ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં હતા. આ ઉપરાંત મોટાભાગના ધારાસભ્યો સામે સામાન્ય જનતામાં રોષ જોવા મળ્યો હતો. ઘણા ધારાસભ્યો એવા હતા જેઓ પોતાના વિસ્તારના લોકોની વચ્ચે ગયા ન હતા. ગંદા પાણી, તૂટેલા રસ્તા જેવા જેવા ઘણા પ્રશ્નો હતા. એવામાં ભાજપે આ બાબતે ધ્યાન આપીને માઈક્રો મેનેજમેન્ટથી કામ કર્યું. ભાજપે મતદાતાઓની મુલાકાત લઈને તેમને AAP સરકારની નિષ્ફળતા વિશે જણાવ્યું.
3. દિલ્હી લિકર પોલિસીએ ભજવી મોટી ભૂમિકા
દિલ્હીમાં AAP સરકારની નવી લિકર પોલિસી પણ પાર્ટીની હારનું મુખ્ય કારણ બની. ભાજપે દિલ્હીની લિકર પોલિસીમાં કૌભાંડને મોટો મુદ્દો બનાવ્યો. ભાજપે પ્રશ્ન કર્યો કે જે પાર્ટી ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઉભી હતી તેનું નેતૃત્ત્વ કેવી રીતે જેલમાં ગયું? મનીષ સિસોદિયા, અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ જેવા મોટા નેતાઓ લિકર પોલિસીના કારણે જેલમાં રહ્યા. ભાજપે ચૂંટણી પ્રચાર દરમિયાન આનો વારંવાર ઉલ્લેખ કર્યો હતો.
આ પણ વાંચો- દિલ્હી ચૂંટણી પરિણામ: 6 રાઉન્ડની મતગણરી પછી અરવિંદ કેજરીવાલ પાછળ
4. ભાજપે કર્યો આક્રમક પ્રચાર
ભાજપ કોઈપણ ચૂંટણી તેની પૂરી તાકાતથી લડે છે. દિલ્હીની ચૂંટણી માટે ભાજપે તમામ 70 વિધાનસભા બેઠકોની જવાબદારી સાંસદો અને ધારાસભ્યોને સોંપી હતી. આ સિવાય યુપી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આસામ, ઉત્તરાખંડ, હરિયાણાના સીએમ પણ ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા હતા. કેન્દ્રીય નેતૃત્ત્વમાંથી પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથ સિંહે એક ડઝનથી વધુ બેઠકો કરી અને ભાજપની તરફેણમાં વાતાવરણ ઊભું કર્યું. જેનો ફાયદો આજે પાર્ટીને મળ્યો છે.
5. આપના નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપ અને કાયદાકીય સમસ્યા
પાર્ટીના ટોચના નેતાઓ, ખાસ કરીને અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન પર લાગેલાં ભ્રષ્ટાચારના આરોપ અને તેમની ધરપકડે પાર્ટીની છબીને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. આ કાયદાકીય વિવાદોએ આમ આદમી પાર્ટીની ભ્રષ્ટાચાર વિરોધી છબીને કમજોર કરી દીધી. આ સિવાય તેણે પોતાના વચનો પણ પૂરા ન કર્યાં. કેજરીવાલે યમુના નદીને સાફ કરવા, દિલ્હીના રસ્તાને પેરિસ જેવા બનાવવા અને શુદ્ધ પાણી પહોંચાડવા જેવા ત્રણ મુખ્ય વચન આપ્યા હતાં, જે પૂરા ન થયાં.
6. નેતૃત્વમાં અસ્થિરતા
કેજરીવાલની ધરપકડ અને બાદમાં રાજીનામાંના કારણે પાર્ટીના નેતૃત્વમાં અસ્થિરતા આવી ગઈ હતી. નવા મુખ્યમંત્રીના રૂપે આતિશીની નિયુક્તિ છતાં નેતૃત્વમાં આ બદલાવ પાર્ટી માટે ચેલેન્જ રહ્યો. સૌથી મોટી વાત એ રહી કે, અરવિંદ કેજરીવાલની વિશ્વસનીયતામાં ખૂબ જ ઘટાડો થયો.
7. કોંગ્રેસે વોટ કાપ્યાં
કોંગ્રેસ કદાચ એક બેઠક પણ માંડ જીતી શકત તેમ છતાં તેણે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના વોટ કાપવાનું કામ કર્યું છે. જેમ આમ આદમી પાર્ટીએ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે કર્યું હતું. 2013 બાદ કોંગ્રેસની વોટ બેન્ક આમ આદમી પાર્ટી પાસે જતી રહી, તેથી કોંગ્રેસની વાપસી આપને નુકસાન કરી રહ્યું છે. સાથે જ 2024 લોકસભા ચૂંટણીમાં દિલ્હીની સાતેય બેઠક પર હાર અને પંજાબમાં ફક્ત ત્રણ બેઠકો પર જીતે પાર્ટીના જનાધારમાં ઘટાડો બતાવ્યો, જેનાથી મતદારોનો વિશ્વાસ ઓછો થયો.
8. આંતરિક વિવાદ
પાર્ટીની અંદર આંતરિક વિખવાદ અને પ્રમુખ નેતાઓના રાજીનામાં જેમ કે, કૈલાશ ગહેલોત અને રાજ કુમાર આનંદનું પાર્ટી છોડીને જવું સંગઠનાત્મક કમજોરી ઉજાગર કરે છે.
9. વિપક્ષી પાર્ટીઓના આરોપોનો પ્રભાવ
વિપક્ષી પાર્ટીએ આમ આદમી પાર્ટી પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોનો ઉપયોગ કરીને તેમની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઊભા કર્યાં. જેનાથી પાર્ટીની છબીને નુકસાન પહોંચ્યું હોવાનો અંદાજો કાઢવામાં આવી રહ્યો છે. મહિલાઓ અને નવા મતદારો આમ આદમી પાર્ટીને તરફ ન વળ્યાં અને આપ સાઇડલાઈન થઈ ગઈ હોવાનું દેખાઈ રહ્યું છે.
આ પણ વાંચો- સુરત: દારૂના નશામાં ઓવરસ્પીડ પછી અકસ્માત; બે સગા ભાઈઓના મોત