
- દિલ્હી ચૂંટણી પરિણામ: મતગણતરી પહેલા કોંગ્રેસ, બીજેપી અને આપના નેતાઓ શું બોલ્યા?
દિલ્હી વિધાનસભા ચૂંટણીની મતગણતરી પહેલા કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ નિવેદનો આપ્યા છે. ત્રણેય પક્ષોએ જીતની આશા વ્યક્ત કરી છે.
“ચાલો રાહ જોઈએ. મને આશા છે કે આપણે સારું પ્રદર્શન કર્યું હશે,” નવી દિલ્હી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિતે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું.
આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા અનુરાગ ઢાંડાએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, “લોકોએ હંમેશા અરવિંદ કેજરીવાલને ટેકો આપ્યો છે. તેઓ હવે પણ તેમને ટેકો આપશે. અરવિંદ કેજરીવાલ લોકો માટે લડી રહ્યા હતા.”
“આ એક એવી ચૂંટણી હતી જેમાં અરવિંદ કેજરીવાલ આખી સિસ્ટમ સામે લડી રહ્યા હતા. તેઓ ભાજપ, કોંગ્રેસ, સીબીઆઈ, ઇડી, ચૂંટણી પંચ, ગુંડાઓ અને પૈસાની તાકાત સામે લડી રહ્યા હતા.”
અનુરાગ ઢાંડાએ વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે આમ આદમી પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે.
દિલ્હીના કરોલ બાગથી ભાજપના ઉમેદવાર દુષ્યંત ગૌતમે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું હતું કે, “આખા દેશમાં ડબલ એન્જિન સરકાર ચાલતી જોઈને દિલ્હીએ પણ પોતાનું મન બનાવી લીધું છે. દિલ્હીમાં પણ ડબલ એન્જિનવાળી સરકાર ચાલવી જોઈએ.”
દિલ્હીની જંગપુરા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનીષ સિસોદિયા અને દિલ્હી કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્ર યાદવે પોતપોતાના પક્ષની જીતની આશા વ્યક્ત કરી.
દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ સમાચાર એજન્સી ANI ને જણાવ્યું હતું કે, “અમને વિશ્વાસ છે કે અમારી સરકાર બનશે. દિલ્હી માટે હજુ ઘણું કામ કરવાનું બાકી છે. બાળકોના શિક્ષણ માટે હજુ વધુ કામ કરવાનું બાકી છે.”
જ્યારે દેવેન્દ્ર યાદવે કહ્યું, “અમે સખત મહેનત કરી છે અને જીતીશું. દિલ્હીના લોકો ઈચ્છે છે કે કોંગ્રેસ જીતે.”
“ઘણા એક્ઝિટ પોલ અમારા પક્ષમાં નથી આવ્યા, પરંતુ મને અમારી મહેનત પર વિશ્વાસ છે. મને વિશ્વાસ છે કે દિલ્હીના લોકો ફરી એકવાર કોંગ્રેસને તક આપશે.”
આ પણ વાંચો- આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીનું પરિણામ; AAP ચોથી વખત સત્તામાં આવશે કે પછી થશે સત્તા પરિવર્તન