
Dharma: કળિયુગમાં મનુષ્યના કલ્યાણ માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય દાન છે, એ કાલે આપણે સમજ્યા. શાસ્ત્રોમાં દાન કોને, ક્યારે અને ક્યાં આપવું, એનું માહાત્મ્ય પણ સમજાવ્યું છે. એ પ્રમાણે શુભ સ્થળે, શુભ મુહૂર્તમાં અને યોગ્ય પાત્રને અપાયેલું દાન જ સાત્ત્વિક દાન ગણાય છે. અંગરાજ અને પાંડવોના જ્યેષ્ઠ ભ્રાતા કર્ણ સમસ્ત બ્રહ્માંડમાં દાનવીર કહેવાય છે. કર્ણ કેવી રીતે દાનવીર કહેવાયા, એની પણ એક કથા છે.
અંગરાજ કર્ણ દાનવીર કેવી રીતે કહેવાયા?
મહાભારત કાળમાં ઋષિ ઉદ્દાલકના પિતાનો દેહાંત થયો. ઋષિને ચંદન કાષ્ઠની ચિતા પર પિતાની અંત્યેષ્ઠી કરવાની ઇચ્છા થઈ પણ એમની પાસે ચંદન કાષ્ઠ નહોતા એટલે ઋષિ ઉદ્દાલક ધર્મરાજ યુધિષ્ઠિર પાસે ગયા અને ચંદન કાષ્ટ માગ્યા પણ ત્યારે ધોધમાર વરસાદ પડ્યો હતો એટલે યુધિષ્ઠિર પાસે કાષ્ટ હતા એ બધા જ પલળી ગયા હતા. એટલે ઋષિ રાજા કર્ણક પાસે પહોંચ્યા. પણ રાજા પાસે હતા એ કાષ્ટ પણ વરસાદમાં પલળી ગયા હતા. લીલાં કાષ્ટથી અંતિમ સંસ્કાર શક્ય ન હોય એટલે ઋષિ નિરાશ થયા અને કર્ણ પાસે ગયા. કર્ણ પાસે પણ પલળેલા કાષ્ટ હતા. મુનિની નિરાશાનો પાર ન રહ્યો. પણ અંગરાજનું સિંહાસન ચંદન કાષ્ટનું હતું એટલે એમણે તરત જ સિંહાસન તોડીને એનાં કાષ્ટ મુનિને અર્પણ કર્યા અને ઋષિએ ચંદન કાષ્ટથી પિતાના અંતિમ સંસ્કાર કર્યા. આ પ્રસંગથી કર્ણ દાનવીર કહેવાયા.
દાન માટે સ્થળ, કાળ અને પાત્રનો વિચાર
શાસ્ત્રોમાં દાન માટે સ્થળ, કાળ અને પાત્રનો વિસ્તૃત વિચાર કરવામાં આવ્યો છે.
ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે,
दातव्यमिति यद्दानं दीयतेडनुपकारिणे ।
देशे काले च पात्रे च तद्दानं सात्त्विकं स्मृतम् ।। (ગીતા 17 । 20)
સ્થળ : દાન કોઈ શુભ સ્થળ પર અર્થાત્ કાશી, કુરુક્ષેત્ર, અયોધ્યા, મથુરા, દ્વારકા, જગન્નાથ પુરી, બદ્રીનારાયણ, ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ, હરિદ્વાર, પ્રયાગ, પુષ્કર વગેરે તીર્થોમાં; ગંગાગર્ભ, ગંગાતટ, મંદિર, ગૌશાળા, પાઠશાળા, એકાંત સ્થળ અથવા સુવિધા અનુસાર ઘર વગેરે સ્થળે દાન કરવું જોઈએ.
કાળ : શુભ કાર્યમાં અર્થાત્ શુભ મુહૂર્તમાં દાન આપવું જોઈએ. આમ તો મનમાં ઉત્સાહ હોય ત્યારે તત્કાળ દાન કરવું જોઈએ. કારણ કે જીવનનો ક્યારે અંત આવે એનો કોઈ ભરોસો નથી હોતો પણ પુણ્યની દૃષ્ટિએ શાસ્ત્રોમાં કેટલાક વિશેષ કાળ પણ નિર્ધારિત કર્યા છે. શાસ્ત્રોના કહેવા પ્રમાણે અમાસમાં દાનનું ફળ સો ગણું વધુ, એનાથી સો ગણું વધુ તિથિ ક્ષય હોય ત્યારે, એનાથી સો ગણું વધુ મેષ વગેરે સંક્રાંતિઓમાં, એનાથી સો ગણું વધુ વિષુવ (એકસમાન દિવસ-રાતની તુલા-મેષની સંક્રાંતિઓ)માં, એનાથી સો ગણું વધુ યુગાદિ તિથિઓમાં (કાર્તિક શુક્લ પક્ષની અક્ષય તૃતિયામાં, ત્રેતા, માઘની મૌની અમાસે દ્વાર અને ભાદરવાના કૃષ્ણ પક્ષની તેરસે કળિયુગનો આંભ થયો હયો – આ તિથિઓને યુગાદિ તિથિ કહેવાય છે. આ તિથિઓમાં દાનનું અક્ષય ફળ મળે છે.), એનાથી સો ગણું વધુ સૂર્યના દક્ષિણાયણ અને ઉત્તરાયણ ટાણે એટલે કે અયન તિથિઓમાં, એનાથી સો ગણું ચન્દ્રગ્રહણ અને સૂર્ય ગ્રહણ કાળમાં અને એનાથી સો ગણું વ્યતિપાત યોગમાં દાન કરવાનું ફળ વધુ મળે છે.
પાત્ર : સુપાત્રને અપાયેલું દાન જ સફળ અને સાત્ત્વિક દાન છે. મહર્ષિ યાજ્ઞવલ્ક્યનો મત છે કે દાન માટે અન્ય વર્ણો કરતાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. તેમાં પણ કર્મનિષ્ઠ બ્રાહ્મણ શ્રેષ્ઠેતર છે. એ કર્મનિષ્ઠોમાં પણ વિદ્યા અને તપસ્યાથી યુક્ત બ્રહ્મતત્ત્વવેત્તા અતિ શ્રેષ્ઠ છે. જે બ્રાહ્મણ વિદ્વાન, ધર્મનિષ્ઠ, તપસ્વી, સત્યવાદી, સંયમી, ધ્યાની અને જિતેન્દ્રીય હોય એ જ દાન માટે સુપાત્ર ગણાય છે. સાથેસાથે ઉત્તરોત્તર સદ્ગુણોથી યુક્ત, સચ્ચરિત્ર, અભાવગ્રસ્ત હોય એ બ્રાહ્મણોને પણ સુપાત્ર ગણીને દાન કરવું જોઈએ.
આ પણ વાંચો:
