
- ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ચાર ભારતીય કંપનીઓ ઉપર મૂક્યો પ્રતિબંધ
ઈરાન સાથે ક્રૂડ ઓઈલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની ડીલ કરવા બદલ ભારતની ચાર કંપનીઓ પર અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો છે. આ કાર્યવાહી ડોનાલ્ડ ટ્રમ્પના વહિવટીતંત્રએ ઈરાન પર દબાણ વધારવાની નીતિ હેઠળ કરી છે. અમેરિકાના ફોરેન્સ એસેટ્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટે માત્ર ભારત જ નહીં ચીન, યુએઈ, હોંગકોંગના ઓઈલ બ્રોકરો અને ટેન્કર ઓપરેટરો સામે પણ કાર્યવાહી કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પછી ભારતમાં કાચા તેલના ભંડાર ઉપર અસર પડી શકે છે. જોકે, ભારત સરકાર તરફ હજું સુધી કોઈ નિવેદન આવ્યું નથી. અમેરિકા દ્વારા ભારતીય કંપનીઓ ઉપર લગાવવામાં આવેલા પ્રતિબંધને લઈને ભારત ઉપર શું નકારાત્મક અસર થશે તેના અંગે પણ સરકાર તરફથી કોઈ જ નિવેદન સામે આવ્યું નથી. પરંતુ એક વાત સમજી શકાય છે કે, જ્યારે ઈરાનથી ભારતમાં ક્રૂડ ઓઈલ સપ્લાઈ થઈ શકશે જ નહીં તો સ્વભાવિક બાબત છે કે, પેટ્રોલ-ડીઝલના ભંડાર ઉપર ચોક્કસ રીતે નકારાત્મક અસર થશે. તેથી આગામી સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઉપર અસર થાય તે બાબતને પણ નકારી શકાય નહીં.
અમેરિકી વિદેશ મંત્રાલયે ભારતની ચાર કંપનીઓ સહિત અનેક દેશોના 40 લોકો પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. મંત્રાલયની માહિતી મુજબ ભારતની જે ચાર કંપનીઓ સામે કાર્યવાહી કરાઈ છે, જેમાં નવી મુંબઈ સ્થિત ફ્લક્સ મેરીટાઈમ એલએલપી, દિલ્હી-એનસીઆરમાં આવેલી બીએસએમ મૈરીન અને ઓસ્ટિનશિપ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ તેમજ તંજાવુર સ્થિત કોસમોસ લાઈન્સનો સમાવેશ થાય છે. આમાંથી પ્રથમ ત્રણ કંપનીઓ ઈરાનના ઓઈલ ટેન્કરો લઈ જતા જહાજોનું સંચાલન કરતા હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે કોસમોસ ઈરાનના ઓઈલ ટ્રાન્સપોર્ટમાં સામેલ હોવાથી પ્રતિબંધ લગાવાયો છે.
અમેરિકાએ યુએઈ, હોંગકોંગના ઓઈલ બ્રોકર્સ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. આ ઉપરાંત ભારત અને ચીનના ટેન્કર ઓપરેટરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકન વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, ઈરાનને ઓઈલમાંથી થતી કમાણીનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિમાં કર્યો હોવાથી અમે કાર્યવાહી કરી છે. જે જહાજો અને તેની સાથે જોડાયેલી કંપનીઓ પર પ્રતિબંધ લગાવાયો છે, તેઓએ અનેક મિલિયન બેરલ ઈરાની ઓઈલ ટ્રાન્સપોર્ટ કર્યું હતું.
અમેરિકાએ અગાઉ પણ ભારતીય કંપનીઓ સામે કરી હતી કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ભારતીય કંપનીઓ વિરુદ્ધ અગાઉ પણ કાર્યવાહી કરી હતી. આ પહેલા અમેરિકાએ ઓક્ટોબર-2024માં ભારત સ્થિત ગબ્બારો શિપ સર્વિસિઝ કંપની પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ ઉપરાંત ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ ત્રણ કંપનીઓ પર પ્રતિબંધ લાદ્યો હતો. અમેરિકાનું માનવું છે કે, આ કંનપીઓએ રશિયાની LNG ટ્રાન્સપોર્ટ કર્યું છે.
આ પણ વાંચો- DWARKA: શિવરાત્રીના 1 દિવસ પહેલા મહાદેવ મંદિરમાંથી શિંવલિંગ ચોરાયું, ભક્તો ક્યાં કરશે પૂજા?