
- જમ્મુ કાશ્મીરના કઠુઆમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ
જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં રવિવારે (23 માર્ચ, 2025) આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ શરૂ થઈ છે. કઠુઆ જિલ્લાના હીરાનગરમાં સેનાને આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. જ્યારબાદ અહીં મોટા સ્તરે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન સેનાએ ત્રણથી ચાર આતંકવાદીઓને દેખ્યા બાદ અથડામણ શરૂ હોવાની માહિતી મળી રહી છે.
ભારત-પાકિસ્તાન ઈન્ટરનેશનલ બોર્ડર નજીક શંકાસ્પદો જોવા મળતા સેનાએ ઓપરેશન હાથ ધર્યું છે. સેનાને શંકા છે કે આ વિસ્તારમાં આતંકવાદી છુપાયા હોઈ શકે છે. ગુપ્ત માહિતીના આધાર પર જમ્મુ કાશ્મીર પોલીસની સ્પેશિયલ ટીમ, સેના અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ની ટીમોએ કઠુઆ જિલ્લાના હીરાનગરમાં ઈન્ટરનેશનલ બોર્ડર નજીક વન વિસ્તારમાં મોટાપાયે શોધખોળ શરૂ કરી હતી.
સેનાએ ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓના એક ગ્રુપને રોક્યું અને પછી અથડામણ શરૂ થઈ ગઈ. જે જગ્યાએ એન્કાઉન્ટર થઈ રહ્યું છે તે વિસ્તાર ગાઢ જંગલ વાળો છે. તેવામાં આ ઓપરેશન લાંબો સમય ચાલી શકે છે.
જમ્મુમાં છેલ્લા કેટલાક દિવસોથી આતંકવાદીઓની અથડામણની ઘટનાઓ સતત વધી રહી છે. 17 માર્ચ 2025એ કુપવાડા જિલ્લામાં આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક પાકિસ્તાની આતંકવાદી ઠાર મરાયો હતો. હાલમાં જ કઠુઆ જિલ્લામાં આતંકવાદીઓએ ત્રણ નિર્દોષ નાગરિકોની હત્યા કરી હતી. જેમાંથી એક 14 વર્ષનો યુવક પણ હતો.
આ પણ વાંચો- શહીદો પ્રત્યે આરએસએસની શું વિચારસરણી છે? સત્યને નજર અંદાજ ન કરાય જાણી લેવાય