
વર્ષ 2022માં ખેડા જીલ્લાની મહુધા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસી પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમાર હારી ગયા હતા. ત્યાર બાદ તેઓ ગાંધીનગરની એક સભમાં ભાજપમાં જોડાઈ ગયા હતા. જો કે ભાજપની એક-બે સભામાં દેખાયા બાદ તેઓ ક્યાય જોવા મળતા ન હતા.
ત્યારે ગઈકાલે પાછા કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે. ઈન્દ્રજીતસિંહ પરમાર ગુજરાત મધ્ય ઝોન પ્રભારી અને કોંગ્રેસ નેતાઓની હાજરીમાં પાછા કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.
‘ધમકી આપી એટલે ભાજપમાં જોડાઈ ગયો’
મહુધા-ડાકોર રોડ પર મિર્ઝાપુરમાં કોંગ્રેસનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સહપ્રભારી રામકિશન ઓઝા ઉપરાંત વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાએ ઈન્દ્રજીતસિંહ પરમારને ખેસ પહેરાવી કોંગ્રેસમાં જોડ્યા હતા. ઈન્દ્રજીતસિંહ પરમારે કહ્યું હતુ કે ભાજપ દ્વારા ધમકી આપવામાં આવી હતી, જેના કારણે તે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. ‘ભાજપમાં અમે મૂંઝવણ અનુભવી રહ્યા હતાં. એક વર્ષના સમયગાળા દરમિયાન હું ભાજપ કે સરકાર કાર્યક્રમમાં ગયો નથી.’
ભાજપને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફટકો પડશે?
આગામી સમયમાં હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. તો બીજી બાજુ ભાજપમાં થયેલું ભંગાણ ભાજપ માટે એક ઝટકા સમાન છે. ભાજપને સ્થાનિક ચૂંટણીમાં મોટો ફટકો પડી શકે છે. બીજી તરફ અન્ય લોકો પણ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાઈ તેવી શક્યાતાઓ છે.
એક સમયે મહુધા વિધાનસભા કોંગ્રેસનો ગઢ હતી
મહુધા વિધાનસભા એક સમયે કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી હતી. ઈન્દ્રજીતસિંહન પિતા આ બેઠક પરથી 4થી વધુ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. જ્યારે પુત્ર ઈન્દ્રજીતસિંહ પરમાર પણ ઘણી ટર્મથી જીતતાં આવતાં હતા. જો કે 2022માં ભાજપના ઉમેદવાર સંજયસિંહ મહિડા સામે હારી ગયા હતા. ત્યારથી મહુધામાં કોંગ્રેસનો સૂરજ આધમી ગયા જેવા હાલ છે.