
- જર્દા સહિત 11ને ગોધરા કાંડ મામલે મોતની સજા થઈ હતી
- ગોધરા કાંડમાં દોષી સલીમ જર્દા પુણેમાં ચોરી કેસમાં ઝડપાયો
Godhra case convict Salim Jarda arrested: ગોધરા ટ્રેન કાંડ મામલે દોષિત સલીમ જર્દાની મહારાષ્ટ્રના પુણેનાં ચોરી કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, હાલ આજીવન કેદની સજા ભોગવી રહેલો સલીમ જર્દા જેલમાંથી પેરોલ પર બહાર આવ્યા બાદ ફરાર થઈ ગયો હતો.
ગત 7 જાન્યુઆરીના રોજ પુણેના જુન્નાર ગામમાં 2.49 લાખના ટાયર અને ટ્યૂબની ચોરી થઈ હતી. ચોરીના આ બનાવ અંગેની તપાસમાં પોલીસને જાણકારી મળી કે, નાસિકમાં પણ આ રીતે ચોરી થઈ હતી. તેમજ આ પ્રકારની ચોરીઓમાં ગુજરાતના ગોધરાની કોઈ ટોળકી સામેલ હોવાની બાતમી પોલીસને મળી હતી.
22 જાન્યુઆરીના રોજ નાસિક પોલીસે ચોરીના કેસમાં ગોધરાના સાહિલ પઠાણ, સૂફિયાન ચનાકી, અયૂબ સુનથિયા, ઇરફાન દરવેશ અને સલીમ જર્દાને ઝડપી પાડ્યા હતાં. તેઓની પાસેથી લગભગ 14 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો. નાસિક પોલીસે હાલ સલીમ જર્દાને જુન્નાર ચોરી કેસ મામલે તપાસ કરવા પુણે પોલીસને સુપરત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગોધરા કાંડમાં સલીમ જર્દા સહિત 11 દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી, અને 20 લોકોને આજીવન કેદ થઈ હતી. જોકે, તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા જર્દા સહિત 11 લોકોની ફાંસીની સજા ઘટાડીને આજીવન કેદ કરવામાં આવી હતી. સલીમ જર્દા અગાઉ પણ પેરોલ પર મુક્ત થયા બાદ 8 વખત ફરાર થઈ ગયો હતો. જર્દાએ ગોધરાની ચોર ગેંગ બનાવી છે જે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ચોરીઓ કરે છે.