
- રાજ્ય સરકારના મંત્રીઓના મુસાફરી ભથ્થામાં સરકાર કરશે વધારો; કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ
એક તરફ રાજ્ય સરકાર સરકારી કર્મચારીઓના ભાડા ભથ્થુ રદ્દ કરી રહી છે તો બીજી તરફ પોતાના મંત્રીઓના ભથ્થામાં વધારો કરી રહી છે. રાજ્ય સરકારે પોતાના મંત્રીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે મંત્રીઓના પગાર અને ભથ્થા અધિનિયમમાં સુધારા કરીને ગુજરાત મંત્રી મુસાફરી ભથ્થા (સુધાર) નિયમો 2025 લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે નવા નિયમોને ગેઝેટમાં પ્રસિદ્ધિ આપી છે. આ નિર્ણય સામે ગુજરાત કોંગ્રેસે પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
રાજ્ય સરકારના મંત્રીઓના દૈનિક મુસાફરી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં મંત્રીઓને હોટલ અથવા લોજ સિવાય અન્ય જગ્યાઓરોકાણ અને ખાનપાન સહિતના ભથ્થામાં ત્રણ કેટેગરી વાઈઝ વધારો કરાયો છે. મંત્રીઓના મુસાફરીના ભથ્થામાં કરાયેલો વધારો ગુજરાત મંત્રી મુસાફરી ભથ્થા સુધારા નિયમો 2025 હેઠળ લાગુ પડશે.
સામાન્ય વહીવટી વિભાગ દ્વારા જાહેર કરાયેલા ગેઝેટ મુજબ, રાજ્યના મંત્રીઓના મુસાફરી ભથ્થામાં શહેરોની X, Y અને Z વર્ગની કેટેગરી જણાવામાં આવી છે. જેમાં X વર્ગમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત જેવા મહાનગરો, Y કેટેગરીમાં વડોદરા, રાજકોટ અને Z કેટેગરીમાં અન્ય શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મંત્રીઓના ભથ્થાની વાત કરીએ તો, કોઈ મંત્રી મુસાફરી દરમિયાન હોટલ અથવા લોજ સિવાયની અન્ય જગ્યાએ રોકાણ કરે તો તેમને X વર્ગના શહેરમાં દૈનિક 1000 રૂપિયા, Y કેટેગરીના શહેરમાં 800 રૂપિયા અને Z કેટેગરીના શહેરમાં 500 રૂપિયા દૈનિક ભથ્થું ચૂકવવાશે.
જ્યારે ખાનપાન સહિતની સુવિધા આપતી હોટલ અથવા લોજમાં કે કોઈ અન્ય જગ્યાએ મંત્રી રોકાણ કરે તો, તેમને X કેટેગરી પ્રમાણે દૈનિક 2600 રૂપિયા, Y કેટેગરીના શહેરમાં 2100 રૂપિયા અને Z કેટેગરીના શહેરમાં 1300 રૂપિયા દૈનિક ભથ્થું ચૂકવવાશે.
આ પણ વાંચો-સુદાનમાં લશ્કરી વિમાન થયું ક્રેશ; 49 લોકોના મોત
ઉલ્લેખનિય છે કે, ગુજરાત સરકારે થોડા દિવસ અગાઉ જ સરકારી અધિકારીઓ માટે આકરો નિર્ણય લીધો હતો. તે નિર્ણય અનુસાર, પ્રાંત અધિકારી અને મામલતદારને સરકારી કામકાજ અર્થે ફાળવેલ સરકારી પેટ્રોલ અને ડીઝલના વાહનો માટે કાયમી ભથ્થું ચૂકવાતું હતું. જોકે આ કાયમી ભથ્થું ચૂકવવાનો 2022નો પરિપત્ર મહેસુલ વિભાગે રદ કર્યો છે. હવે આ અધિકારીઓએ પણ લોગબુક અને તે માટેના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે. કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા પ્રાંત અધિકારી અને મામલતદારનું કાયમી મુસાફરી ભથ્થુ રદ કરાયું છે.
કોંગ્રેસે વિરોધ દર્શાવતા શું કહ્યું?
રાજ્યના મંત્રીઓના ભથ્થાના વધારાને લઈને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ‘ગુજરાતની ભાજપ સરકારે બહુમતીના જોરે મંત્રીના ભથ્થામાં વધારો કર્યો છે. સરકારની આ જાહેરાત ગુજરાતીઓ માટે ચિંતાનો વિષય છે. એક તરફ, ગુજરાતમાં 89,000ના દેવા સાથે બાળક જન્મે છે, ત્યારે બીજી તરફ મંત્રીઓને સર્કીટ હાઉસ અને બીજી સુવિધાઓ નજીવા દરે મળે છે.
સરકારના આંકડા મુજબ, ગુજરાતના 3.54 કરોડ ગુજરાતીઓ સસ્તા અનાજ પર આધારીત છે. રાજ્યમાં 78 લાખથી વધુ પરિવાર ગરીબી રેખાની નીચે જીવી છે. એક તરફ સામાન્ય જનતાની આવક ઘટતી જાય છે, ત્યારે બીજી તરફ મંત્રીઓની સુવિધામાં સતત વધારો થતો જાય છે.’