
Amul Milk Quality: એશિયાની સૌથી મોટી આણંદ સ્થિત અમૂલ ડેરીના દૂધની ગુણવત્તા સામે ડોક્ટરે સવાલ ઉઠવતાં ફરિયાદ નોંધાઈ છે. રાજકોટના એક ડોક્ટર દ્વાર અમૂલ સામે સોશિયલ મિડિયામાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારે અમૂલે આક્ષેપનો જવાબ આપવાને બદલે સીધી ડોક્ટર પર ફરિયાદ કરી દીધી છે.
રાજકોટના ડોક્ટર ડો. હિતેશ જાની સોશિયલ મિડિયામાં અમૂલ સામે ગંભીર આક્ષેપ કરતાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. કંપનીએ આ આક્ષેપોને તદ્દન ખોટા ગણાવીને વીડિયો બનાવનાર ડોક્ટર સામે અમદાવાદના ચાંદખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરના ભાટ વિસ્તારમાં આવેલી અમૂલ સંલગ્ન ડેરીના ક્વોલિટી એશ્યોરન્સ આસિસ્ટન્ટ મેનેજર આકાશ પુરોહિતએ ચાર દિવસ પહેલા યુ-ટ્યુબ પર એક વીડિયો જોયો હતો. આ વીડિયો રાજકોટના ડો. હિતેશ જાની દ્વારા તેમની ચેનલ પર ‘તમારા ઘરે કેવું દૂધ આવે છે?’ ટાઇટલ સાથે અપલોડ કરાયો હતો. વીડિયોમાં ડોક્ટરે અમૂલ દૂધમાં 22 પ્રકારના અલગ-અલગ કેમિકલ ઉમેરવામાં આવે છે અને ડીડીટી (DDT) જેવા પ્રતિબંધિત જંતુનાશક દવાઓનો ઉપયોગ થાય છે.
‘અમૂલનું દૂધ 7 દિવસ જૂનુ હોય છે’
સાથે જ એવા આક્ષેપ પણ કર્યા હતા કે ગ્રાહકોને મળતું દૂધ 7 દિવસ જૂનુ હોય છે. 500 મિલીના પાઉચમાં 480થી 490 મિલી દૂધ ભરીને નફાખોરી અને છેતરપિંડી કરવામાં આવે છે. વીડિયોમાં એમ પણ કહેવાયું કે ISI-FSSAI સ્ટેમ્પ હોવા છતાં ઉત્પાદનો અસુરક્ષિત છે અને અધિકારીઓ કોઈ પગલાં લેતા નથી.
અમૂલે કરી ફરિયાદ
આ વીડિયોમાં કરવામાં આવેલી ભ્રમિત વાતો અને ‘ષડયંત્ર બહાર લાવવા માટે વીડિયો વાયરલ કરો’ વગેરે જેવી અપીલને પગલે અમૂલે ગંભીરતાથી લીધી અને અમૂલ કંપની વતી આકાશ પુરોહિતે આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ડૉ. હિતેશ જાની વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે. જોકે અમૂલે આક્ષેપનો વ્યવસ્થિત જવાબ ના આપ્યો.
ફરિયાદમાં જણાવ્યું છે કે ડૉ. જાની દ્વારા અમૂલ બ્રાન્ડને બદનામ કરવાના ઇરાદે આ ખોટી અને ભ્રમિત વાતો ફેલાવવામાં આવી રહી છે. કંપનીએ વીડિયોમાં કરાયેલા તમામ દાવાઓને ખોટા ગણાવ્યા. હાલમાં ચાંદખેડા પોલીસે આ મામલે IPCની કલમો 499 (માનહાનિ), 500 (દંડનીય માનહાનિ) અને 66A (ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ વર્જનીય કન્ટેન્ટ) હેઠળ ગુનો નોંધ્યો છે. તપાસમાં વીડિયોના કન્ટેન્ટ, તેના વ્યાપક અસર અને ડો. જાનીના ઇરાદાની ઊંડી તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો:
Dudhsagar Dairy : દૂધસાગર ડેરીને અમૂલના ચેરમેને ડૂબાડી, આ રહયા અશોક ચૌધરીના સૌથી મોટા કૌભાંડો







