
કુપોષણ, ગરીબી અને શિક્ષણની દ્રષ્ટિએ તમિલનાડૂથી દૂર તો બિહારની નજીક છે ગુજરાત મોડલ: રિપોર્ટ
નવી દિલ્હી: ગુજરાતના વિકાસ મોડલે ઝડપી ઔદ્યોગિત વિસ્તારના માધ્યમથી ખુબ જ આર્થિક સમૃદ્ધિ મેળવી લીધી છે, પરંતુ સાથે જ સામાજિક-આર્થિક અસમાનતાઓને પણ વધારી દીધી છે. સ્વાસ્થ્ય, શિક્ષા અને ગરીબી મેનેજમેન્ટ જેવા અન્ય માપદંડો પર ગુજરાત બિહારથી વધારે નજીક છે. આ તારણ એક નવા સંશોધન પત્ર થકી સામે આવ્યું છે.
‘ઈન્ડિયા: ધ ચેલેન્જ ઓફ કોન્ટ્રાસ્ટેડ રિઝનલ ડાયનામિક્સ’ શીર્ષકવાળા આ સંશોધન પત્રમાં ક્રિસ્ટોફ જેફ્રેલો, વિગ્નેશ રાજામણિ અને નીલ ભારદ્વાજે ત્રણ રાજ્યો – બિહાર, ગુજરાત અને તમિલનાડુનું વિશ્લેષણ કર્યું છે. તેમણે આ રાજ્યોની સામાજિક-આર્થિક અને વહીવટી નીતિઓની તુલના ‘ભારતની અંદર અલગ અલગ ભારત’ ની વિભાવનાને સમજવા માટે કરી જે તેમના વિકાસને નિર્ધારિત કરે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બિહાર પછાતપણાનું ઉદાહરણ બની રહ્યું છે, પરંતુ માથાદીઠ આવકની દ્રષ્ટિએ ગુજરાત દેશનું સૌથી સમૃદ્ધ રાજ્ય છે. ગુજરાતના વિકાસનો માર્ગ મૂડી-સઘન ઉદ્યોગો, માળખાગત સુવિધાઓમાં રોકાણ અને વ્યવસાય-મૈત્રીપૂર્ણ નીતિઓ પર આધારિત રહ્યો છે. જોકે, શિક્ષણમાં ઓછા રોકાણને કારણે રાજ્યમાં અસમાનતાઓ યથાવત છે.
રિપોર્ટમાં ત્રણેય રાજ્યોમાં સામાજિક કલ્યાણ પર ખર્ચ કરવાની પદ્ધતિનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને તેને તેમની પ્રાથમિકતાઓના સૂચક તરીકે ગણવામાં આવે છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે મર્યાદિત સંસાધનો હોવા છતાં બિહાર આ ક્ષેત્રમાં ભારે રોકાણ કરે છે, જેમાં તમિલનાડુ વધુ ભંડોળ ફાળવે છે. તેનાથી વિપરીત ગુજરાત આ બાબતમાં પાછળ છે, જ્યાં શિક્ષણ, આરોગ્ય અને આવાસ સહિતના વિવિધ ક્ષેત્રો માટેનું બજેટ માત્ર તમિલનાડુ કરતાં જ નહીં પરંતુ બિહાર કરતાં પણ પાછળ છે.
જાહેર આરોગ્ય નીતિની દ્રષ્ટિએ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સમૃદ્ધ હોવા છતાં ગુજરાત સામાજિક કલ્યાણ પર ખર્ચ વધારવામાં પાછળ રહી ગયું છે. ભલે તે બિહાર કરતા વધુ ખર્ચ કરે છે, પણ 2012-13 અને 2019-20 વચ્ચે તેના આરોગ્યસંભાળ ખર્ચમાં માત્ર 10.5%નો વધારો થયો, જ્યારે બિહારમાં તે 29.5% વધારો કરવામાં આવ્યો છે. તમિલનાડુમાં આ વૃદ્ધિ 20.5% હતી, જે ગુજરાત કરતા બમણી હતી.
આ પણ વાંચો-ગયા વર્ષે પીએમ નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસોમાં લગભગ 20 કરોડ રૂપિયાનો ખર્ચ થયો: RTI
બિહારમાં સામાજિક કલ્યાણ પર થતા ઊંચા ખર્ચ પર પ્રકાશ પાડતા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય મર્યાદાઓ હોવા છતાં સામાજિક રોકાણને પ્રાથમિકતા આપવાને કારણે બિહાર હિન્દી પટ્ટાના રાજ્યોમાં એક અનોખું સ્થાન ધરાવે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બિહારે તેના કુલ રાજ્ય સ્થાનિક ઉત્પાદનનો મોટો હિસ્સો સામાજિક કલ્યાણ પર સતત ખર્ચ કર્યો છે, જે 2021-22માં 22.25% સુધી પહોંચ્યો છે. આ દર્શાવે છે કે મર્યાદિત સંસાધનો હોવા છતાં રાજ્ય વિકાસલક્ષી અંતરને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
તેનાથી વિપરીત ગુજરાત જે તેના માળખાગત વિકાસ માટે જાણીતું છે, તે સામાજિક કલ્યાણ પર પ્રમાણમાં ઓછો ખર્ચ કરી રહ્યુ છે, જે 2021-22 માં લગભગ 4.46% પર સ્થિર રહ્યો હતો. બીજી તરફ તમિલનાડુ જેનું વિકાસ મોડેલ માનવ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તેણે સામાજિક ક્ષેત્રમાં રોકાણ પ્રત્યે સતત પ્રતિબદ્ધતા દર્શાવી છે અને તે જ સમયગાળા દરમિયાન તેનો ખર્ચ 4.90% થી 6.01% ની વચ્ચે રહ્યો છે.
રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે આ વલણો દર્શાવે છે કે જ્યારે તમિલનાડુએ તેના અન્ય દક્ષિણ રાજ્યોની જેમ સામાજિક કલ્યાણને પ્રાથમિકતા આપી છે, ત્યારે ગુજરાત મોડેલ “હજુ પણ માળખાગત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યુ છે”.
ધ વાયર સાથે વાત કરતા જેફરલોએ કહ્યું કે ગુજરાત મોડેલ એવા ભારતનું પ્રતિનિધિત્વ કરે છે જ્યાં વિકાસ થયો છે પરંતુ નોકરીઓ વગર થયો છે.
જેફરલો કહે છે કે-
‘જ્યારે તમે ગુજરાત અને તમિલનાડૂની સરખામણી કરો છો, તો તમે જાણશો કે પ્રાથમિક માળખો અને ઉદ્યોગ બાબતે ગુજરાત તમિલનાડૂથી ખુબ જ નજીક છે. વિજળી ઉત્પાદન અને રસ્તાઓ બાબતે ગુજરાત તમિલનાડૂથી ખુબ જ સારૂ પ્રદર્શન કરી રહ્યુ છે. રસ્તાઓ ઉપર નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી રહેતા જ સૌથી વધારે રોકાણ કર્યું. પરંતુ ઘણા બધા માપદંડોમાં જોઈએ તો ગુજરાત બિહારથી પણ ખુબ જ નજીક છે, જેમ કે કુપોષણ, ગરીબીની ખાણ- એટલે ગરીબી રેખાથી નીચે રહેનારાઓનો દર. શિક્ષા દર પણ કંઈ ખાસ સારૂં નથી, ખાસ કરીને અંગ્રેજી માધ્યમની શિક્ષા ખુબ જ નબળી છે. તે જોવું ખુબ જ આશ્ચર્યજનક રહેશે કે જો ભારતમાં આજે કોઈ મોડલ છે, તો તે તમિલનાડૂ છે. આ એક એવું રાજ્ય છે, જેને લગભગ ગરીબી મિટાવી દીધી છે. ખુબ જ ઝડપી ઔદ્યોગિકરણ કર્યું છે અને જ્યાં સેવાઓ હવે ઉદ્યોગોની જગ્યા લઈ રહી છે. આ ચીજ ગુજરાતમાં જોવા મળતી નથી’
તેમણે વધુમાં તે પણ કહ્યું કે, ભાજપાને માત્ર એક હિન્દુ રાષ્ટ્રવાદી પાર્ટીના રૂપમાં જોવાની જગ્યાએ એક અભિજાત્યવાદી (ઉચ્ચ વર્ગનો વ્યક્તિત્વ ધરાવતો) પાર્ટીના રૂપમાં પણ જોવી જોઈએ.
ચીન પર ભારતની નિર્ભરતા
એક અન્ય સંશોધન પત્રમાં ‘India’s Industrial Ambitions: Will They Materialize with the Help of China or with That of the West? Ten-Year Scenarios’માં જેફરલો જણાવે છે કે, મેક ઈન ઈન્ડિયા પહેલ 2014માં ઓદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી હતી. પરંતુ એક દશકા પછી ચીન પર આની નિર્ભરતા ભારતની ઔદ્યોગિક દિશા અને વૈશ્વિક આપૂર્તિ શ્રેણીઓ (ગ્લોબલ સપ્લાઈ ચેન) પર પડનારા પ્રભાવોને લઈને મહત્વપૂર્ણ પ્રશ્ન ઉભા કરે છે, ખાસ કરીને જ્યારે ભારત આત્મનિર્ભર બનવાની કોશિશ કરી રહ્યુ છે.
જેફરલોએ ધ વાયર સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, મેક ઈન ઈન્ડિયાએ ભારતને ચીન સાથે સ્પર્ધા કરવાની સ્થિતિમાં રાખ્યું જ નથી. પરંતુ તેની સરખામણીમાં આને ચીન પર વધારે નિર્ભર બનાવી દીધું છે. ભારત જેટલો વધારે નિકાસ કરે છે, તેટલું વધારે આયાત પણ કરે છે. પછી ભલે તે દવાઓ હો કે ઈલેક્ટ્રોનિક્સ. ભારતને દુનિયામાં નિકાસ કરવા માટે ચીનથી આયાત કરવું પડે છે અને આજ સૌથી મોટો પ્રશ્ન છે. શું ભારત પોતાને ચીનની નિર્ભરતાથી મુક્ત કરી શકે છે?
તેમણે આગળ જણાવતા કહ્યું કે, આત્મનિર્ભર શબ્દનો ઉપયોગ દરેક સમય કરવામાં આવે છે, પરંતુ આત્મનિર્ભર બનવા માટે ભારતને ઓદ્યોગિક ગૃહ તરફથી રોકાણની જરૂરત છે અને લોકોની ખરીદ શક્તિ વધારવાની આવશ્યકતા છે.
જેફરલોએ આગામી દશકા માટે બે સંભવિત દ્રષ્ટિકોણ રજૂ કર્યા- એક, જેમાં ભારતની ચીન પર નિર્ભરતા વધારે વધશે, અને બીજો, જેમાં ભારત આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધશે.