
નવા વર્ષની ઉજવણી દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ-સુરત સહિત ગુજરાત પોલીસે રાજ્યનો મોટા શહેરોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. નવા વર્ષની ઉજવણી માટે યુવાધન હિલોળે ચઢ્યું છે, ત્યારે મોટા ઘરના નબીરાઓ અને અસામાજિક તત્ત્વો નશામાં છાકટા બનીને નવા વર્ષની ઉજવણી કરે છે. ત્યારે પોલીસ દ્વારા આવા નબીરાઓને મીઠો સંદેશ આપ્યો છે અને એક અનોખી ઑફર મૂકી છે. આ સાથે કહેવામાં આવ્યું છે કે, ‘અમારી આ ઑફરનો લાભ ન લેવા વિનંતી.’
ગુજરાત પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને ખાસ ઑફર જાહેર કરી છે. જેમાં લખ્યું છે કે, ‘ગુજરાત પોલીસની અભૂતપૂર્વ ઑફર, આતિથ્ય અને સરભરા સાથે મફત પિકઅપની વ્યવસ્થા કરાઈ છે. આ ઑફર રેસ ડ્રાઇવર, નશાખોર ડ્રઇવર, સમાજ વિરોધી તત્ત્વો માટે છે.’ આ ઉપરાંત પોલીસે આ ઑફરનો લાભ ન લેવા માટે વિનંતી કરી છે.
બીજી તરફ 31મી ડિસેમ્બરને લઈને સુરત પોલીસે સોશિયલ મીડિયામાં ‘X’ પર પોસ્ટ કરી છે. જેમાં ગુજરાતી અને હિન્દી ફિલ્મના નામોનો ઉપયોગ કરીને મેસેજ વાયરલ કર્યો છે. આ પોસ્ટમાં લખ્યું છે કે, ‘આજે 31મી ડિસેમ્બર છે વર્ષનો છેલ્લો દિવસ છે. તમને થશે જ કે, ચાલ જીવી લઈએ અને તમે ગ્રાન્ડ મસ્તી ભલે કરો પરંતુ એનિમલ બનીને કમઠાણ મચાવ્યું તો અમે જરૂરથી કહીશું કે ભલે પધાર્યા. તમારી સુરત શહેર પોલીસ’. ઉલ્લેખનિય છે કે, શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે 4000 જેટલો સ્ટાફ તહેનાત કર્યો છે.
