
બગસરામાં પ્રેરણાક વિસ્તારમાંથી પ્રેમી પંખીડાના મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. મળી રહેલી જાણકારી અનુસાર, દેવીપૂજક યુવક-યુવતીએ લગ્ન થઈ શકતા ન હોવાના કારણે મોતને વ્હાલું કરી લીધું છે. બે દિવસ પહેલા બગસરા ઘરેથી યુવતી ગુમ થઇ હોવાનું જાણવા મળ્યું હતું. તો આજે યુવતી સાથે યુવકે ગળે ફાસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે મૃતદેહને હોસ્પિટલ ખસેડીને આત્મહત્યા અંગેની નોંધ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બગસરામા બે દિવસ અગાઉ એક યુવક અને યુવતી ઘરેથી ભાગી ગયા હતા. પરિવાર લગ્ન માટે સંમત ન હોય આ યુવક યુવતીએ આજે એક નવા બની રહેલા મકાનમા સજોડે ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ. યુવક અને યુવતીના આપઘાતની આ ઘટના આજે બગસરામા નિલકંઠ નગર સોસાયટીમા ડાંગીયાપીર તરફ જવાના રસ્તા પર અધુરા બાંધકામવાળા મકાનમા બની હતી.
જીતેશભાઇ કનુભાઇ ઝાલાના મકાનનુ કામ ચાલી રહ્યું છે. આ મકાનમા બગસરાના નટવરનગરમા રહેતી મીરલ ભાદાભાઇ વાઘેલા (ઉ.વ.21) તથા કુંકાવાવના કિશન બાવકુભાઇ ચારોલીયા (ઉ.વ.25) નામના યુવાને છતની હુક સાથે દોરી બાંધી સજોડે ગળાફાંસો ખાઇ લીધો હતો. નટવરનગરમા રહેતા ભાદાભાઇ વાઘેલાએ બે દિવસ પહેલા પોતાની પુત્રીને કોઇ અજાણ્યો યુવક ભગાડી ગયો હોવાની પોલીસને ફરિયાદ આપી હતી. આ અંગે પોલીસ તપાસ કરી બંનેની ભાળ મેળવે તે પહેલા બંનેએ આ અંતિમ પગલુ ભર્યુ હતુ. બગસરાના પીઆઇ સાલુંકેએ જણાવ્યું હતુ કે યુવક યુવતીના પરિવાર લગ્ન માટે સંમત ન થતા બંનેએ આત્મહત્યા કરી લીધી હોવાનુ પરિવારે જણાવ્યું છે. બનાવ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
આ પણ વાંચો-સૈફ અલી ખાન પર જીવલેણ હુમલો; લીલાવતી હોસ્પિટલમાં કરાયો દાખલ