
ગુજરાતમાં આંગણવાડીઓને લઈને કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલી માહિતી ચોંકાવનારી છે. આ માહિતી પ્રમાણે લાગે છે કે, નેતાઓ પોતાનો વિકાસ થાય તેવા જ કામ કરે છે, કેમ કે પૈસા હોવા છતાં પણ તેઓ વિકાસ પાછળ પૈસા વાપરતા નથી. પ્રશ્ન થાય છે કેમ? આજે આપણે વાત કરીશું ગુજરાતમાં ચાલતી આંગણવાડીઓ વિશે. ગુજરાતમાં વર્તમાન સમયમાં ગ્રાઉન્ડ ઉપર તો આંગણવાડીઓની શું સ્થિતિ છે તે ભગવાન જાણે પરંતુ સરકારે પોતે આપેલા આંકડાઓ જ જણાવે છે કે, હજું આંગણવાડીઓને લઈને ઘણું કામ કરવાનું બાકી છે.
ગુજરાતમાં કુલ 10,077 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે. કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલી માહિતી મુજબ 30 નવેમ્બર 2024ની સ્થિતિએ ગુજરાતમાં કુલ 53 હજાર આંગણવાડી છે અને તેમાંથી 20% ને પોતાનું મકાન નથી. ગુજરાતને કેન્દ્ર તરફથી 2021-22 અને 2022-23 દરમિયાન સક્ષમ આંગણવાડી-પોષણ 2.0 અંતર્ગત કુલ 1,752 કરોડ રૂપિયા મળ્યા હતા જેમાંથી 1310 કરોડ વપરાયા અને 442 કરોડ રૂપિયા વપરાયા વિના પડી રહ્યા છે.
પોષણ ટ્રેકરની માહિતી મુજબ ગુજરાતમાં 2,128 આંગણવાડી એવી છે જ્યાં શૌચાલયની સુવિધા નથી. જ્યારે 1,242 આંગણવાડીમાં પીવાના પાણીની સુવિધા નથી. આ યોજનાનો હેતુ બાળકોમાં પોષણ અને શિક્ષણ, ગર્ભવતી મહિલા અને ધાત્રી માતાઓને યોગ્ય પોષણ મળી રહે તે છે. આ ઉપરાંત આંગણવાડીમાં ઇન્ટરનેટ, એલઇડી સ્ક્રીન, આરઓ મશીન વગેરે સુવિધા પૂરી પાડવાનો છે.
પોષણ ટ્રેકરના ડેટા મુજબ નર્મદા, છોટાઉદેપુર, ડાંગ, દાહોદ, તાપી અને ભરૂચ જેવા આદિવાસી જિલ્લામાં 5 વર્ષથી નાના 32થી 38% બાળકો કુપોષિત છે. આ છ જિલ્લામાં 8 હજારથી વધુ આંગણવાડી છે. જેમાંથી 2,500 ભાડાના મકાનમાં છે. રાજ્યના 33 જિલ્લામાંથી એક પણ જિલ્લો એવો નથી જ્યાં તમામ આંગણવાડીઓમાં પાણી અને શૌચાલયની સુવિધા હોય અને તમામ આંગણવાડીને પોતાનું મકાન હોય.
સક્ષમ આંગણવાડી યોજના હેઠળ દેશમાં દરેક આંગણવાડીને પીવાના પાણીની સુવિધા માટે 17 હજાર અને શૌચાલય માટે 36 હજાર આપવામાં આવે છે. તેમ છતાં ગુજરાતમાં આવી આંગણવાડીની સંખ્યા વધુ છે. દેશમાં કુલ 13.96 લાખ આંગણવાડીમાંથી 3.38 લાખને પોતાનું મકાન જ નથી. બિહારમાં સૌથી વધુ 68 હજાર, પશ્ચિમ બંગાળમાં 28 હજાર, મધ્યપ્રદેશમાં 26 હજાર, આંધ્રપ્રદેશમાં 23 હજાર આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે.