
કોલકાતાની કોર્ટ આજે આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની તાલીમાર્થી મહિલા ડોક્ટર પર બળાત્કાર-હત્યા કેસમાં દોષિત સંજય રોયને સજા સંભળાવશે. ઓગસ્ટ 2024 માં કોલકાતાના હોસ્પિટલમાંથી તાલીમાર્થી મહિલા ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો.
અંતિમ નિવેદન લેવાશે
સ્પેશિયલ કોર્ટના જજ અનિર્બાન દાસે 18 જાન્યુઆરીએ રોયને દોષિત ઠેરવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિશેષ કોર્ટની કાર્યવાહી બપોરે 12 વાગ્યે શરૂ થઈ છે. શરૂઆતમાં, સંજય રોય અને પીડિતાના માતા-પિતાના અંતિમ નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ પછી ખાસ કોર્ટના ન્યાયાધીશ કેસમાં સજા સંભળાવશે.
આરોપીને થઈ શકે છે મૃત્યુદંડની સજા
ન્યાયાધીશે 18 જાન્યુઆરીએ જ સ્પષ્ટ કરી દીધું હતું કે આ કેસમાં મહત્તમ સજા ‘મૃત્યુદંડ’ હશે, જ્યારે લઘુત્તમ સજા આજીવન કેદ હોઈ શકે છે. જોકે, બળાત્કાર અને હત્યાના ગુનાઓ માટે રોય સામે સજા ફટકારવાની પ્રક્રિયા આજે પૂર્ણ થશે. પરંતુ કેસમાં પુરાવા સાથે કથિત “છેડછાડ” અને “બદલાવ” અંગે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની તપાસ હજુ પણ ચાલુ રહેશે.
શું છે સમગ્ર ઘટના?
તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે 9 ઓગસ્ટના રોજ સવારે આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના કેમ્પસના સેમિનાર હોલમાંથી તાલીમાર્થી મહિલા ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસની શરૂઆતમાં કોલકાતા પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેણે રોયની ધરપકડ કરી હતી. જોકે, ગુનાની તારીખના પાંચ દિવસ પછી સીબીઆઈએ તપાસ હાથ ધરી હતી અને ત્યારબાદ શહેર પોલીસે રોયને કેન્દ્રીય એજન્સીના અધિકારીઓને સોંપી દીધો હતો.
આ કેસમાં સુનાવણી પ્રક્રિયા ગયા વર્ષે 11 નવેમ્બરે શરૂ થઈ હતી. આ કેસમાં ચુકાદો ટ્રાયલ શરૂ થયાના 59 દિવસ પછી જાહેર કરવામાં આવશે. ગુનાની તારીખથી162 દિવસ પછી દોષિત ઠેરવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. હવે, ગુનાની તારીખથી બરાબર 164 દિવસ પછી આજે સજા સંભળાવવામાં આવશે.
આ પણ વાંચોઃ Chhattisgarh: શિક્ષિકાઓ પોતાની માગને લઈ આક્રમક, ઘણી શિક્ષિકાઓ બેભાન, રોજગારી છીનવી રહેલી સરકાર