
કડી: વ્યાપારી શો-રૂમને તાળું મારવા રહ્યાં’ને બેગની થઈ ચીલ ઝડપ; 9 લાખ રૂપિયા છૂમંતર
કડી તાલુકાના પોલીસ સ્ટેશન હદમાં આવેલ થોળ ચોકડી ઉપર શોરૂમના વેપારી 9 લાખ રૂપિયા ભરેલી બેગ ગાડીમાં મૂકી શોરૂમનું શટર બંધ કરવા ગયા હતા. જે દરમિયાન તસ્કર મોકાનો લાભ ઉઠાઈ પૈસા ભરેલી બેગની ઉઠાંતરી કરી રફુચક્કર થઈ જતાં વેપારી બાવલુ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
કડી તાલુકાના થોળ ગામના વતની અને અત્યારે અમદાવાદ ખાતે રહેતા કૌશિકભાઈ પટેલ કે જેઓ થોળ ચોકડી ઉપર દુર્ગા ઓટોમોબાઇલ નામનો ટુ-વ્હીલર નો શોરૂમ ધરાવે છે. મંગળવારે ઉત્તરાયણનો તહેવાર હોવાથી શોરૂમની અંદર કામ કરતા અન્ય કર્મચારીઓને નોકરી ઉપરથી વહેલા પોતાના ઘરે જવા દીધા હતા. જ્યારે સોમવારે સાંજના સમયે કૌશિકભાઇ પટેલ પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા તેમજ શોરૂમની અંદર રહેલ સિલક બેગમાં ભરી ગાડીની અંદર મુકેલી હતી.
કૌશિકભાઈ પોતાના શોરૂમ માં થયેલ વકરો તેમજ સામાજિક મંડળના કુલ રૂપિયા 9,12,974/- ભરેલી બેગ પોતાની ગાડીમાં મૂકી દરવાજો બંધ કરેલ હતો, પરંતુ ગાડીનું લોક મારેલું ન હતું ને કૌશિકભાઇ શો રૂમનું શટર બંધ કરવા ગયા હતા. જ્યાં પાંચ મિનિટ બાદ પરત આવતા બે ગુમ થઈ ગઈ હતી. ગાડીમાંથી, અચાનક જ તહેવારના ટાણે લાખો રૂપિયા ભરેલી બે ગુમ થઈ જતાં વેપારીના પગ નીચેથી જમીન સરખી પડી હતી.
જ્યારે કૌશિક ભાઈએ આજુબાજુ તેમજ શોરૂમની અંદર તપાસ કરી હતી, પરંતુ કંઈ પણ ભાળ ન મળતાં તેઓએ સીસીટીવી ચેક કરતા ગઢિયો કાળા કલરની રૂપિયા ભરેલી બેગ લઈ ભાગતો નજરે ચડ્યો હતો. જે બાદ વેપારી તુરંત જ કડી તાલુકાના પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને ગુનો દાખલ કરાવ્યો હતો.
આ પણ વાંચો- જમ્મુ-કાશ્મીરમાં લેન્ડમાઈન્ડ વિસ્ફોટ; સેનાના 6 જવાન ઘાયલ