
- ચલો ફરીથી ધંધે લાગો..! આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડને કરાવો લિંક
સરકાર એક વખત ફરીથી તમને ધંધે લગાવવાનું વિચારી રહી છે. એટલે કે તમે આધાર કાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરાવી લીધું હોય તો પછી હવે તમારે આધાર કાર્ડ સાથે તમારો ચૂંટણી કાર્ડ પણ લિંક કરાવવો પડશે. આ માટે હાલમાં વિચારણા ચાલી રહી છે. આ અંગે નિષ્ણાતોની સલાહ પણ લેવામાં આવશે. પરંતુ એક વાત નક્કી છે કે, હવે સરકારે વિચારી જ લીધું છે તો પછી નિર્ણય તો થવાનો જ છે. તેથી આજે નહીં તો કાલે તમારે તમારા આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ લિંક કરાવવાની કામગીરી કરવી પડશે.
કેમ કે કેન્દ્ર સરકાર મતદાર ID (ચૂંટણી કાર્ડ) અને આધાર કાર્ડને લિંક કરવાની તૈયારી કરી રહી છે. આ અંગે મંગળવારે એટલે 18 માર્ચે ચૂંટણીપંચ અને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)ના અધિકારીઓની બેઠક મળી હતી. કમિશનનું કહેવું છે કે મતદાર કાર્ડને આધાર સાથે લિંક કરવાનું કામ હાલના કાયદા અને સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર કરવામાં આવશે.
આમ નક્કી તો છે જ કે આપણે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક તો કરવાના જ છે. પરંતુ તેના માટે નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે. તો બીજી તરફ ચૂંટણીપંચે કહ્યું હતું કે બંધારણના અનુચ્છેદ 326 મુજબ, મતદાનનો અધિકાર ફક્ત ભારતના નાગરિકને જ આપી શકાય છે, પરંતુ આધાર ફક્ત વ્યક્તિની ઓળખ છે, તેથી એવો નિર્ણય લેવામાં આવ્યો કે મતદાર ફોટો આઈડી કાર્ડને આધાર સાથે લિંક કરવા માટે તમામ કાયદાઓનું પાલન કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, સરકારે તો સંસદમાં પહેલા જ એટલા સુધી જણાવી દીધું છે કે, આધાર-મતદાર કાર્ડને લિંક કરવાની પ્રક્રિયા પહેલાંથી જ ચાલી રહી છે. પ્રસ્તાવિત લિંકિંગ માટે કોઈ લક્ષ્ય કે સમયરેખા નક્કી કરવામાં આવી ન હતી. સરકારે એમ પણ કહ્યું છે કે જે લોકો પોતાના આધાર કાર્ડને મતદારયાદી સાથે લિંક નહીં કરે તેમના નામ મતદારયાદીમાંથી કાઢી નાખવામાં આવશે નહીં.
આ પણ વાંચો- અંધભક્તિની બધી હદ્દો પાર; નરેન્દ્ર મોદી પાછલા જન્મમાં છત્રપતિ શિવાજી મહારાજ હતા
આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ લિંક કરવામાં આવે તો શું ફાયદા થશે અને તેના નુકશાન શું છે?
શું છે ફાયદા
ડુપ્લિકેટ અને નકલી મતદારોનું નિવારણ:
આધાર કાર્ડ સાથે લિંક કરવાથી મતદાર યાદીમાં બેવડી નોંધણી અથવા નકલી ઓળખ દૂર કરવામાં મદદ મળી શકે છે, કારણ કે આધાર એક અનન્ય ID નંબર પ્રદાન કરે છે.
વહીવટી કાર્યક્ષમતા:
મતદાર યાદીઓ સ્વચ્છ અને અપડેટ રાખવાનું સરળ બનશે, જેનાથી ચૂંટણી પ્રક્રિયા વધુ પારદર્શક અને કાર્યક્ષમ બનશે.
ઓળખ ચકાસણીની સરળતા:
મતદાન દરમિયાન આધાર લિંકિંગ ઓળખ ચકાસણીને ઝડપી બનાવી શકે છે, ખાસ કરીને એવા કિસ્સાઓમાં જ્યાં મતદાર ઓળખ કાર્ડ ઉપલબ્ધ ન હોય.
આધુનિકીકરણ:
આ પગલું ડિજિટલ ઇન્ડિયા પહેલ હેઠળ ટેકનોલોજીકલ પ્રગતિ તરફ એક પગલું હોઈ શકે છે, જે સરકારી સેવાઓને એકીકૃત કરવામાં મદદ કરે છે.
શું છે નુકસાન
ગોપનીયતાનું ઉલ્લંઘન:
આધાર અને મતદાર ID ને લિંક કરવાથી નાગરિકોની વ્યક્તિગત માહિતીના દુરુપયોગનું જોખમ વધી શકે છે. ડેટા લીક થવાનો કે સરકારી દેખરેખનો ભય પણ એક મોટી ચિંતાનો વિષય છે.
ટેકનિકલ સમસ્યાઓ:
આધારમાં બાયોમેટ્રિક ડેટા અથવા અન્ય ભૂલોને કારણે ઘણા લોકોનો ડેટા ખોટો હોઈ શકે છે, જેના કારણે સાચા મતદારો મતદાનથી વંચિત રહી શકે છે.
સામાજિક બાકાત:
જેમની પાસે આધાર કાર્ડ નથી (જેમ કે ગરીબ, ગ્રામીણ અથવા અભણ લોકો) તેમને મતદાર યાદીમાંથી બાકાત રાખવામાં આવી શકે છે, જેના કારણે તેઓ મતદાનના અધિકારથી વંચિત રહી શકે છે.
કાનૂની અને નૈતિક પ્રશ્નો:
ભારતમાં સુપ્રીમ કોર્ટે વિવિધ સેવાઓ સાથે આધારને લિંક કરવા પર કેટલાક નિયંત્રણો લાદ્યા છે. તેને મતદાર ID સાથે લિંક કરવું સ્વૈચ્છિક હોવું જોઈએ કે નહીં તે વિવાદનો વિષય છે. ફરજિયાત લિંકિંગને બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન ગણી શકાય.
આ પગલાથી તકનીકી અને વહીવટી સુધારાઓ થઈ શકે છે, પરંતુ તેમાં ગોપનીયતા, સમાવેશકતા અને કાનૂની પાસાઓનો પણ કાળજીપૂર્વક વિચાર કરવાની જરૂર છે. સરકારે ખાતરી કરવી જોઈએ કે આ પ્રક્રિયા સ્વૈચ્છિક હોય અને કોઈપણ નાગરિકના મતદાન અધિકારોને અસર ન થાય.
જણાવી દઈએ કે ચૂંટણીપંચ પહેલાંથી જ મતદાર IDને આધાર સાથે લિંક કરવાનો પ્રયાસ કરી ચૂક્યું છે. 2015માં ચૂંટણીપંચે માર્ચ 2015થી ઓગસ્ટ 2015 દરમિયાન રાષ્ટ્રીય મતદાર યાદી શુદ્ધીકરણ કાર્યક્રમ (NERPAP) હાથ ધર્યો હતો. એ સમયે ચૂંટણીપંચે 30 કરોડથી વધુ ચૂંટણી કાર્ડને આધાર સાથે લિંક કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. સુપ્રીમ કોર્ટે મતદાર IDને આધાર સાથે લિંક કરવા પર પ્રતિબંધ લગાવ્યા બાદ આ પ્રક્રિયા અટકી ગઈ હતી.
તે સમયે બન્યું એવું હતુ કે, જ્યારે આ શુદ્ધીકરણ કાર્યક્રમના નામે જે કામગીરી ચાલી રહી હતી તેમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણાના લગભગ 55 લાખ લોકોનાં નામ મતદાર ડેટાબેઝમાંથી દૂર કરી દેવામાં આવ્યા હતા. આ અંગે આધારની બંધારણીયતા અંગેનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચને મતદાર ID અને આધારને લિંક કરવા પર પ્રતિબંધ લગાવી દીધો.
તે ઉપરાંત 26 સપ્ટેમ્બર 2018ના રોજ આધાર અંગેના પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે રાજ્ય સબસિડી અને કલ્યાણ યોજનાઓ સિવાય કોઈપણ સેવા માટે આધાર ફરજિયાત બનાવી શકાય નહીં. પરંતુ હવે એક વખત ફરીથી સરકાર આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડને જોડવાની કામગીરી શરૂ કરી છે. તેથી આગામી થોડા સમયમાં દેશ આખાને ધંધે લાગવું પડી શકે છે.
આ પણ વાંચો- છેલ્લા 10 વર્ષમાં બેંકોએ 16.35 લાખ કરોડ રૂપિયાના બેડ લોન માફ કરી દીધા: સરકાર