
અમદાવાદ ખાતે નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પ યોજાયો હતો જેમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 56 પાકિસ્તાની લઘુમતી નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયાં છે. અમદાવાદમાં વર્ષ 2017થી 2024 દરમિયાન કુલ 1223 લોકોને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયાં છે.
આ દરમિયાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતુ કે, આ દેશોમાં વર્ષોથી લઘુમતી નાગરિકોની પરિસ્થિતિ કપરી છે તેમજ તેમની સુરક્ષા ખતરામાં છે. દેશનું દાયિત્વ સંભાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાગરિકતા નિયમોમાં બદલાવ લાવીને પાકિસ્તાનમાંથી ભારત આવીને વસેલા નાગરિકોને તેમની ઓળખ સમાન નાગરિકતા પ્રમાણપત્ર મળે તે માટે દિશાસૂચક કામગીરી કરવામાં આવી છે.આજે ભારતીય હોવાનો મને ગર્વ છે.
તે ઉપરાંત ગૃહ રાજ્યમંત્રીએ નાગરિકતા પ્રમાણપત્ર મેળવનારા નાગરિકોને સંબોધતા કહ્યું કે, તમે આજે ગર્વથી તમારી કર્મભૂમિ ભારતને બનાવી શકો છો, ભલે તમારો જન્મ પાકિસ્તાનમાં થયો હોય. આજે પાકિસ્તાનમાંથી આવેલા ઘણા લઘુમતી પરિવારો સમાજમાં વિવિધ ક્ષેત્રે વિકાસ સાધી રહ્યા છે અને સમાજના ઉત્થાનમાં યોગદાન આપી રહ્યા છે. આવા પરિવારોનાં સંતાનો પણ ઉચ્ચ અભ્યાસમાં સફળતા મેળવી રહ્યાં છે. પાકિસ્તાનમાંથી આવીને વસેલા હિન્દુ પરિવારોને નવી ઓળખ આપવાનું કામ કેન્દ્ર અને રાજ્ય સરકારે કર્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.
જણાવી દઇએ કે, શહેરના ધારાસભ્યો, ડેપ્યુટી મેયર, AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ નિવાસી અધિક કલેકટરની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં આ પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે,આ અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સૌને આવકારતા કહ્યું કે, ‘મુસ્કુરાઇએ! ક્યૂં કી અબ આપ સબ ભારત કે નાગરિક હૈ.ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે નાગરિકતા પ્રમાણપત્ર મેળવનારા લોકોના ચહેરા પર ખુશી અને વિશ્વાસની લાગણી છલકાઈ રહી છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ જેવા દેશોમાં કેટલાક ધર્મ અને જ્ઞાતિઓના લોકો લઘુમતીઓમાં આવે છે.