
MP: ICC ચેમ્પિયન્સ ટ્રોફીના ટાઇટલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે મોટી જીત મેળવી છે. જોકે જીતના જશ્નમાં મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લાના મહુમાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ સમય દરમિયાન વિજયની ઉજવણી માટે રેલી કાઢી રહેલા લોકોના એક જૂથ પર બીજા લોકોના જૂથે કથિત રીતે પથ્થરમારો કર્યો હતો. હાલની સ્થિતિ નિયંત્રણમાં છે અને વિસ્તારમાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. અહીં અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી છે.
13 લોકોની ધરપકડ, અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ
હાલની સ્થિતિની વાતકરવામાં આવે તો મહુમાં થયેલી હિંસા પછી, પરિસ્થિતિ હવે સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. ગઈકાલે મોડી રાત્રે આ વિસ્તારમાં તંગભરી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. સવારથી પરિસ્થિતિ સામાન્ય છે. પોલીસે 13 લોકોની ધરપકડ કરી છે. વીડિયો ફૂટેજના આધારે, વધુ બદમાશોની શોધ ચાલુ છે. પથ્થરમારો અને પેટ્રોલ બોમ્બ ફેંકનારા માસ્ક પહેરેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.
મહુમાં થયેલી હિંસા દરમિયાન વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. મંદિર પર પથ્થરમારાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે હિંસા જામા મસ્જિદથી શરૂ થઈ હતી. આ પથ્થમારો ત્યારે થયો છે જ્યારે યુવાનો ભારતની જીત બદલ બહાર નીકળ્યા હતા અને રેલી યોજી હતી. આ રેલી મસ્જિદ નજીક પહોંચતાં સામા જૂથે પથ્થરમારો કર્યો હતો.
પોલીસે શું કહ્યું?
ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીઆઈજી) નિમિષ અગ્રવાલે જણાવ્યું હતું કે, ન્યુઝીલેન્ડને હરાવી ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતતા ઉજવણી કરવા મહુમાં એક રેલી કાઢવામાં આવી રહી હતી. આ દરમિયાન કેટલાક લોકો વચ્ચે બોલાચાલી થઈ, જેના પછી વિવાદ વધ્યો અને બે પક્ષોએ એકબીજા પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
ડીઆઈજીએ વધુમાં કહ્યું રમખાણો દરમિયાન આગચંપીની કેટલીક ઘટનાઓ પણ બની હતી અને પ્રારંભિક માહિતી અનુસાર, આ ઘટનાઓમાં કેટલાક વાહનોને નુકસાન થયું હતું. અશાંતિ અંગે માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ શાંત પાડી હતી.
તેમણે કહ્યું, “મહૂમાં પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે અને ત્યાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. આ વિવાદ દરમિયાન કોઈ જાનહાનિના અહેવાલ નથી.” સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ ઘટનાથી શહેરના ઘણા વિસ્તારોમાં ભય ફેલાયો હતો અને અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. લારીઓમાં પણ આગમાં સળગી ગઈ છે. જેથી લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અહીં પોલીસ ટીમો સાથે સેનાની મદદ લેવાની પણ જરુર પડી છે. સેનાના જવાનો પણ અહીં પરિસ્થિતિને સામાન્ય બનાવવાની કોશિશ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ Balesh Dhankhar: ઓસ્ટ્રેલિયામાં 5 બળાત્કારના દોષિતને 40 વર્ષની સજા, ભાજપ સાથે તાર?
આ પણ વાંચોઃ આખા દેશમાં સર્કસ ચાલી રહ્યું છે! કોણ છે જોકર?| VANTARA
આ પણ વાંચોઃ Gujarat heatwave: આજે તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચશે, હીટવેવની આગાહી