
Pahalgam Attack In NIA Investigation: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ શરૂ કરી દીધી છે. ફોરેન્સિક અને અન્ય નિષ્ણાતોની મદદથી NIA ટીમો પહેલગામના બાઈસરણ વિસ્તારમાં પુરાવા એકત્રિત કરી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ પર સત્તાવાર રીતે તપાસ કરનાર NIA એ રવિવારે જમ્મુમાં આ હુમલામાં કેસ નોંધ્યો છે. ગત બુધવારે NIA ઇન્સ્પેક્ટર જનરલ (IG) ની આગેવાની હેઠળની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર પોલીસ મહાનિરીક્ષક, નાયબ પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષકની દેખરેખ હેઠળ રચાયેલી NIA ટીમોએ હુમલાના પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરી રહી છે. આતંકવાદીઓનું પગેરુ મેળવવા સ્થાનિક ટીમો પણ તપાસ કરી રહી છે. ઉપરાંત, ફોરેન્સિક્સ અને અન્ય નિષ્ણાતોની મદદથી, તેઓ સમગ્ર વિસ્તારની તપાસ ચાલી રહી છે.
પીડિત પરિવારોના નિવેદનો નોંધાયા
આતંકવાદી હુમલામાં બચી ગયેલા લોકો પાસેથી માહિતી એકત્રિત કરવા માટે NIA અધિકારીઓની ટીમો દેશભરના પ્રવાસીઓના નિવેદન લઈ રહી છે. ટીમોએ મહારાષ્ટ્ર, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોમાં પીડિત પરિવારોના નિવેદનો નોંધ્યા છે.
આતંકવાદીઓની સંખ્યા 7 હોઈ શકે છે
NIAની પ્રાથમિક તપાસ મુજબ, હુમલામાં સામેલ આતંકવાદીઓની સંખ્યા 5 થી 7 હોઈ શકે છે. હુમલાખોરોને પાકિસ્તાનમાં તાલીમ પામેલા બે સ્થાનિક આતંકવાદીઓ તરફથી પણ મદદ મળી હતી.
પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો, 26 લોકોની નિર્દયતાથી હત્યા
મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરીને 26 લોકોની ક્રૂરતાથી હત્યા કરી દીધી હતી. જો કે ઘણા અહેવાલો અનુસાર 30 લોકોના મોત થયા છે. પોલીસ યુનિફોર્મમાં સજ્જ આતંકવાદીઓએ પહેલા પહેલગામની બાઈસરણ ખીણમાં પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછ્યું, તેમના ઓળખપત્રો તપાસ્યા અને પછી તેમને ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
TRF એ હુમલાની જવાબદારી લીધી
આ હુમલામાં લગભગ 14 લોકો ઘાયલ થયા છે. આ કાયરતાપૂર્ણ હુમલાની જવાબદારી અગાઉ પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા જૂથ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) દ્વારા લેવામાં આવી હતી. જોકે, પાછળથી TRF એ સ્પષ્ટતા કરી કે અમારો આ હુમલા સાથે કોઈ સંબંધ નથી. આ હુમલો કરવામાં આવ્યો ન હતો. ફેબ્રુઆરી 2019 માં પુલવામા હુમલા પછી જમ્મુ અને કાશ્મીરમાં આ સૌથી મોટો આતંકવાદી હુમલો છે. તે હુમલામાં 47 CRPF જવાનો શહીદ થયા હતા.
જમ્મુ-કાશ્મીર સરકાર દરેક મૃતકના પરિવારને 10 લાખ રૂપિયા આપશે
જમ્મુ અને કાશ્મીર સરકારે પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા દરેક વ્યક્તિના પરિવારને 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ સાથે, રાજ્ય સરકાર ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 2 લાખ રૂપિયા અને નાના ઘાયલ થયેલા લોકોને 1 લાખ રૂપિયાની સહાય આપશે.
આ પણ વાંચોઃ
MP Accident: મધ્યપ્રદેશના મંદસૌરમાં ઇકો વાન કુવામાં ખાબકતાં 10ના મોત
UP: સપા સાંસદ રામજીલાલ સુમનના કાફલા પર હુમલો, વાહનો પર ટાયરો ફેંક્યા, શું છે મામલો?