
દિલ્હી હાઈકોર્ટે એક કેસમાં મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. બળાત્કાર, એસિડ એટેક અને જાતીય હુમલાનો ભોગ બનેલી મહિલાઓને તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમમાં મફત સારવાર પૂરી પાડવામાં આવે તેવો કોર્ટે આદેશ આપ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમ તબીબી સારવાર આપવાનો ઇનકાર કરી શકે નહીં. જસ્ટિસ પ્રતિભા એમ સિંહ અને અમિત શર્માની ખંડપીઠે સોમવારે એક કેસમાં શ્રેણીબદ્ધ નિર્દેશો જારી કર્યા હતા.
તાજેતરમાં હાઈકોર્ટે એક 16 વર્ષની છોકરી પર તેના પિતા દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હતો. તેની કાર્યવાહી દરમિયાન આ ચૂકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું, “બળાત્કાર પીડિતો, POCSO કેસ પીડિતો અને સમાન જાતીય હુમલાના પીડિતોને મફત તબીબી સંભાળ અને સારવાર પૂરી પાડવાની તમામ હોસ્પિટલો, નર્સિંગ હોમ્સ, ક્લિનિક્સ, તબીબી કેન્દ્રોની ફરજ છે,” કોર્ટે એમ પણ કહ્યું હતું કે જાતીય શોષણનો ભોગ બનેલી પીડિતોને સારવાર આપવાનો ઇનકાર કરવો એ ગુનો છે જેના માટે હોસ્પિટલના ડૉક્ટરો, સ્ટાફ અને મેનેજમેન્ટને સજા થઈ શકે છે.
હોસ્પિટલે તમામ સેવા મફતમાં પૂરી પાડવી પડશે
જાતીય હિંસાનો ભોગ બનેલા લોકોને મફત તબીબી સારવાર મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેની નોંધ લેતા ખંડપીઠે કહ્યું હતું કે, “મફત સારવારમાં આવા પીડિતો દ્વારા જરૂરી કોઈપણ પરીક્ષણો, નિદાન અને લાંબા ગાળાની સંભાળ પણ કરવી પડશે. જરૂરી હોય તે તમામ સેવાઓ મફત આપવા કોર્ટે કહ્યું છે.”
પિતાએ જ 16 વર્ષિય પુત્રી પર ગુજાર્યો હતો બળાત્કાર
પુત્રી પર બળાત્કારના આરોપમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા પિતાની અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે આ ચૂકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે કોર્ટ અને દિલ્હી સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી (DLSA) દ્વારા વારંવાર દરમિયાનગીરી કરવા છતાં, પીડિતાને ખાનગી હોસ્પિટલમાં તબીબી સારવાર માટે રાહ જોવી પડી હતી.