
31 ડિસેમ્બરની રાત્રે યુવક યુવતીનું અપહરણ કરવાના મામલે પોલીસે 4 ઈસમોની અટકાયત કરી છે. પોલીસ તરીકેની ઓળખ આપનારા વ્યક્તિઓએ યુવતી સાથે બળજબરી છેડતી કરી હતી. યુવક યુવતીનું અપહરણ કર્યા બાદ ગેરકાયદેસર રીતે અટકાયત કરી 1700 રૂપિયાની લૂંટ ચલાવી હતી.
હોટલ સિઝન્સથી પાર્ટી પૂર્ણ કરી પરત આવતી વખતે બની ઘટના
રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા અવધ રોડ નજીક આ બનાવ થર્ટી ફર્સ્ટની રાત્રે બન્યો હતો. જેમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે મુસ્તાક તેમજ ત્રણ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. હોટલ સિઝન્સ ખાતે યોજાયેલી પાર્ટીમાંથી યુવક અને યુવતી પોતાના કાર લઈ ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે ચાર જેટલા શખ્સો તેમની જ કારમાં અપહરણ કર્યું હતુ. પોલીસ ફરિયાદમાં યુવકને માર મારવામાં આવ્યો હોવાનો પણ ઉલ્લેખ છે. ત્યારે આ મામલે યુનિવર્સિટી પોલીસે વિપુલ મેતા, અલપેશ ઉર્ફે અપુ મકવાણા, પરિમલ સોલંકી , વિજય ઉર્ફે કાળિયો મકવાણા નામના આરોપીઓનીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. DCP ઝોન જગદીશ બાંગરવાએ આ ઘટના અંગે પત્રકાર પરિષદ પણ કરી હતી.
શખ્સોએ પોલીસની ઓળખ આપી યુગલને ડરાવ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર એક યુવક 31મીની રાત્રે તેની મહિલા મિત્ર સાથે અવધ રોડ પરની હોટલમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીના ભાગરૂપે જમવા ગયો હતો. આ યુગલ રાત્રે હોટલમાંથી જમીને પોતાની કારમાં ઘર તરફ જઈ રહ્યું હતું ત્યારે હોટલેથી જ કારમાં પીછો કરીને આવેલા ચારેક શખ્સોએ આંતરી લીધા હતા. આ શખ્સોએ પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી યુગલને ડરાવીને ધમકાવ્યું હતું. સાથો-સાથ તેમનું અપહરણ પણ કરી લીધું હતું. એટલું જ નહીં યુવક પાસેથી રૂ.1700 ઝૂંટવી લીધા હતા. આટલેથી નહીં અટકતાં યુવકના પરિવારને કોલ કરી ફરીથી પોલીસ તરીકેની ઓળખ આપી ખંડણીની પણ માંગણી કરી હતી. યુવક સાથે રહેલી તેની મહિલા મિત્રનો હાથ પકડી તેની છેડતી પણ કરી હતી.