
ગુજરાત સુરક્ષિત હોવાના દાવા પોકળ નિવડ્યા છે. રાજ્યમાં અપરાધિક ગુનાઓમાં સતત વધારો થયો છે. ત્યારે હવે રાજકોટમાં રાત્રે ચાની હોટલ પર પેટ્રોલ બોમ્બથી હુમલો થતાં ભયનો માહોલ ફેલાયો છે. રાજકોટમાં ઉતરાયણની રાત્રે એક ભયાનક હુમલો થયો છે. ફક્ત 100 રૂપિયા જેવડી નજીવી બાબતમાં માથાકૂટ થતાં અજાણ્યા ઈસમોએ પેટ્રોલ બોમ્બથી ચાની હોટલ પર હુમલો કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે.
14 જાન્યુઆરીની રાત્રે રાજકોટના યુનિવર્સિટી રોડ ખાતે નકળંગ ચાની હોટલ પર અજાણ્યા શખ્સોએ 100 રૂપિયાની લેતીદેતી બાબતે માથાકૂટ કરી હતી. જોકે, માથાકૂટ બાદ થોડા સમય માટે તેઓ ત્યાંથી નીકળી ગયા. બાદમાં કાચની બોટલમાં પેટ્રોલ ભરી આ પેટ્રોલ બોમ્બ બનાવ્યો અને સ્ટોલ પર હુમલો કરી ફરાર થઈ ગયા હતાં. હોટેલમાં પેટ્રોલ બોમ્બના હુમલાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.
150 ફૂટ રિંગ રોડ પરના ખોડિયારનગરમાં રહેતા અને યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોક પાસે નકળંગ ટી સ્ટોલ નામે હોટલ ધરાવતાં જીલાભાઇ ઉર્ફે મુન્નાભાઇ સિરોડિયા (ઉં.વ.40) મકરસંક્રાંતિની રાત્રે પોતાની હોટલે હતા. ત્યારે એ વિસ્તારના આવાસ ક્વાર્ટર્સમાં રહેતો જયદીપ રામાવત હોટલે ગયો હતો અને ચાની હોટલની સાથેની પાનની દુકાનેથી ફાકી ખરીદી હતી. ત્યારબાદ પાનની દુકાન સંભાળી રહેલા સાહિલ નામના યુવક સાથે પૈસાના મુદ્દે માથાકૂટ શરૂ કરી હતી.
સાહિલે રૂ.50 આપ્યાનું કહ્યું હતું, જ્યારે જયદીપે રૂ. 100ની નોટ આપ્યાનું રટણ રહ્યું હતું. બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને તે સાંભળી નકળંગ હોટલના સંચાલક જીલાભાઈ ઉર્ફે મુન્નાભાઈએ રૂ.100ની નોટ પરત આપી દેવા સાહિલને કહેતા જયદીપ રામાવત ઉશ્કેરાયો હતો અને હોટલના સીસીટીવી ફૂટેજ ચેક કરીને પછી વાત કરો તેમ કહી ધમાલ શરૂ કરી હતી.
ત્યારબાદ જયદીપે થોડે દૂર જઈ ફોન કરતા અન્ય એક શખ્સ ધસી આવ્યો હતો અને મામલો વધુ ઉગ્ર બનાવ્યો હતો. જયદીપ અને તેનો સાથીદાર બંને નશાની હાલતમાં હતા અને તેઓ ધમાલ કરવા લાગતા લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. લોકો ધોલાઈ કરશે તેવો ભય લાગતાં બંને નાસી ગયા હતા. લોકોનો આક્રોશ જોતાં જયદીપ પોતાનું સ્કૂટર પણ લઇ શક્યો ન હતો.
બાદમાં એક ઇસમ આવ્યો હતો અને જીલાભાઈ સાથે સમાધાનની વાત કરી હતી. જીલાભાઈએ પણ પોતાને કોઈ વાંધો નથી. ભવિષ્યમાં જયદીપ નશો કરીને દુકાને ન આવે તેવું કહી દેજો તેમ કહી તે ઈસમને રવાના કર્યો હતો. તે ઇસમ ગયાના અડધો કલાક બાદ રાત્રિના સવા એક વાગ્યે હોટેલ પર પેટ્રોલ બોમ્બથી હુમલો થયો હતો. જેથી લોકોમાં નાસભાગ મચી ગઈ છે.
ઘટનાની જાણ કરાતા યુનિવર્સિટી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને જ્યાંથી ધા કરાયા હતા તે સ્થળેથી વધુ બે પેટ્રોલ બોમ્બ મળી આવ્યા હતા. હુમલાખારોએ ચાર પેટ્રોલ બોમ્બ ઝીંકવાનું કાવતરું રચ્યું હતું. જેથી રુ. 100ની બબાલમાં થયેલા હુમલામાં પોલીસે આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ કડીના થોળમાં શો રૂમ માલિકની 9.12 લાખ ભરેલી બેગ ગાડીમાંથી લઈ ફરાર