
Rajkot: વારંવાર રાજકોટ અપરાધિક ઘટનાઓને લઈ ચર્ચાઓમાં આવી રહ્યું છે. ત્યારે હવે વધુ એક ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. શહેરના કોઠારીયા વિસ્તારમાં આવેલા ધનલક્ષ્મી પેટ્રોલપંપ ખાતે 9 ઓગસ્ટ, 2025ની રાત્રે એક ચોંકાવનારી ઘટના બની, જેમાં ફિલરમેન અમનભાઈ ફિરોજભાઈ પઢીયાર પર બે અજાણ્યા શખ્સોએ સિગરેટ પીવાની ના પાડવા બદલ છરી વડે હુમલો કર્યો હતો. જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જે પોલીસ તપાસમાં મહત્વના પુરાવા તરીકે ઉપયોગી બનશે.
આજીડેમ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ અમનભાઈ((ઉંમર 22, રહે. હુસેની ચોકવાળી શેરી, કોઠારીયા સોલવંટ) ધનલક્ષ્મી પેટ્રોલ પંપ ખાતે CNG રિફિલિંગનું કામ કરે છે. 9 ઓગસ્ટની રાત્રે આશરે 8:30 વાગ્યે, એક બ્લુ કલરની સ્વિફ્ટ કાર (રજી. નં. GJ-11-CL-2946) પંપ પર આવી. કારમાંથી બે શખ્સો બહાર નીકળ્યા અને સિગરેટ પીવા લાગ્યા. પેટ્રોલ પંપના નિયમો અનુસાર, અમનભાઈએ તેમને સિગરેટ પીવાની ના પાડી, કારણ કે આવી જગ્યાએ ધુમ્રપાન ખતરનાક હોય છે.
જો કે સિગારેટ પીવાની ના પાડતાં બંને રોષે ભરાયા ગયા. અમનભાઈની ફરિયાદ મુજબ, તેમણે અચાનક ગાળો આપવાનું શરૂ કર્યું. જ્યારે અમનભાઈએ ગાળો બોલવાની ના પાડી, ત્યારે એક શખ્સે કારમાંથી છરી કાઢી અને તેમના માથા, ડાબા હાથ, પીઠ અને શરીરના અન્ય ભાગો પર હુમલો કર્યો. બીજો શખ્સ પણ બહાર આવ્યો અને અમનભાઈને ઢીકાપાટુનો માર મારવા લાગ્યો. હુમલામાં અમનભાઈને માથે ગંભીર ઈજા થઈ, જેના કારણે ટાંકા લેવા પડ્યા, અને શરીરે નાના-મોટા છરકા પડ્યા.
સાથી કર્મચારીઓની મદદ
અમનભાઈની બૂમો સાંભળીને તેમના સુપરવાઈઝર રમેશભાઈ વ્રજલાલભાઈ રાઠોડ, સાથી કર્મચારીઓ પ્રકાશભાઈ, ભીખુભાઈ અને અન્ય સ્ટાફ વચ્ચે પડ્યા અને હુમલાખોરોના હાથમાંથી અમનભાઈને છોડાવવાનો પ્રયાસ કર્યો. જોકે, હુમલાખોરો આક્રમક રીતે હુમલો કરતા રહ્યા. આખરે સ્ટાફે અમનભાઈને બચાવીને પંપની ઓફિસમાં લઈ જઈને સુરક્ષિત કર્યા.
હુમલાખોરોની ધમકી
બહાર લોકોનું ટોળું ભેગું થતાં બંને હુમલાખોરો તેમની સ્વિફ્ટ કારમાં બેસીને નાસી છૂટ્યા. જતાં જતાં તેમણે ધમકી આપી કે, “તમે બધા માપમાં રહેજો, અને તું (અમનભાઈ) છાનોમાનો ઘરે જતો રહેજે. જો ફરિયાદ કરી, તો જાનથી મારી નાખીશું અને ટાંટિયા ભાંગી નાખીશું.” આ ધમકીઓ આપીને તેઓ ભુંડી ગાળો બોલીને નાસી ગયા.
પોલીસ કાર્યવાહી
હુમલા બાદ અમનભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમના માથાના ડાબા કાનની ઉપરના ભાગે ટાંકા લેવા પડ્યા, ડાબા હાથના બાવળા, પીઠ અને શરીરના અન્ય ભાગો પર છરીના ઘા લાગ્યા હતા. સાથી કર્મચારીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવી, અને અમનભાઈને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેમની ઈજાઓની સારવાર કરી.
સારવાર બાદ અમનભાઈએ પેટ્રોલ પંપના માલિક મંથનભાઈ ભરાડ સાથે આજીડેમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. પોલીસે ફરિયાદ અને CCTV ફૂટેજના આધારે બંને આરોપીઓને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે. CCTV ફૂટેજમાં હુમલાની સમગ્ર ઘટના કેદ થઈ હોવાથી, પોલીસને આરોપીઓની ઓળખ કરવામાં મદદ મળશે.
આ પણ વાંચો:
Surat: ભૂવાએ મહિલા પર ચાલુ બસમાં દુષ્કર્મ આચર્યું, પિતૃદોષ દૂર કરાવવા જવું મોંઘુ પડ્યુ, જાણો
Ahmedabad: પેકિંગ થેપલાં ખાતા હોય તો ચેતજો, એક્સપાયરી ડેટ વાળા થેપલા પધરાતાં BAPSની ‘પ્રેમવતી’ને દંડ
sabarkantha: ‘ભાજપ ધારાસભ્ય રમણલાલ વોરા ખોટા પુરાવા રજૂ કરી ખેડૂત બન્યા’, જાણો સમગ્ર મામલો
Delhi: હાઇ સ્પીડ થારે બે રાહદારીઓને કચડ્યા, લાશ કલાકો સુધી પડી રહી
Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત