
અહેવાલ: ડૉ. જય નારાયણ વ્યાસ
Ambani and TATA: દરેક વ્યક્તિ પોતાની કલ્પનાઓના વિશ્વમાં કંઈક બનવું છે એવા શમણાં લઇને ઉછરે છે. ક્યારેક શમણાં સાચા પડે ત્યારે તે વ્યક્તિનો મહિમાગાન કરતા હજાર દીવડે આરતી ઉતારાય છે. છેવટે તો સફળ થાય તે જ ગુણવાન અને એના જીવનમાંથી શીખ લેવી જેવી વાત ધીરે ધીરે જગતમાં ચર્ચાવા માંડે છે. સવાલ એ છે કે આ જ માણસ જો નિષ્ફળ જાય તો એના માથે માછલા ધોવામાંથી કોઈ ભાગ્યે જ બાકાત રહે છે.
અનિલ અંબાણી કરતા મુકેશ અંબાણી કેવી રીતે આગળ વધી ગયા?
અનિલ અંબાણી અને મુકેશ અંબાણી બે ભાઈઓમાંથી મહિમામંડન હંમેશા મુકેશ અંબાણીનું જ થાય છે કારણકે અનિલ અંબાણી પોતાના શમણાં સાકાર કરવામાં સફળ નથી થયા અને મુકેશ અંબાણીએ ડાબા હાથે પથરો માર્યો તો પણ નિશાન પર વાગ્યો છે. એક સમય હતો જ્યારે મારા જેવા ઘણા બધા અનિલ અંબાણીને રેસનો ઘોડો અને ધીરુભાઈ અંબાણીના ભાવિ વારસદાર તરીકે જોતા હતા. સમયે આ રેસમાં અનિલને પાછળ રાખી દીધા અને મુકેશ અંબાણી આગળ વધી ગયા. આજે રિલાયન્સ સામ્રાજ્યના શિલ્પી અને ધીરુભાઈની કલ્પનાઓને સાકાર કરનાર તરીકે મુકેશ અંબાણી સ્વીકૃતિ પ્રાપ્ત છે. આ સફળતા છે જેનો એક સ્પર્શ થાય અને ‘પંઘુમ્ લંઘયતે ગિરીમ્’ની માફક વ્યક્તિને પાંખો આવે છે.
નેલ્કો કંપની અને ટાટા ગ્રુપ
આવો જ એક બીજો દાખલો એક જ વ્યક્તિના બે પાસાં વિશે રતન ટાટાનો છે. રતન ટાટાની ગુજરાત સાથેની પહેલી મહોબ્બત ગાંધીનગર ઇલેક્ટ્રોનિક્સ એસ્ટેટમાં નેલ્કો કંપનીને સ્થિર કરીને આગળ વધવાની જહેમત હતી. એ જમાનો જે.આર.ડી.ના દબદબાનો હતો. એ જમાનો મૂળગાંવકર જેવા કે પછી ઈરાની જેવા ટાટા ગ્રુપના સફળ અને ખ્યાતિપ્રાપ્ય મેનેજરોનો હતો. રતન ટાટા હજુ ઉદય પામી રહ્યા હતા પણ નેલ્કો ઉદય ન પામ્યું. ગુજરાત રાજ્યની બહુ મોટી અપેક્ષા હતી કારણ કે એ જમાનામાં ઇલેક્ટ્રોનિક્સ સનરાઈઝ એટલે કે ક્ષિતિજે ઉદિત થતો ઉદ્યોગ હતો પણ નેલ્કોનો ગાંધીનગરમાં ઉદય ન થયો. બીજો દાખલો નેનોનો છે. ખૂબ ધૂમધડાકા સાથે ગુજરાતમાં આવેલ રતન ટાટાના નેતૃત્વ હેઠળની ટાટા મોટર્સ કંપની નેનોને સફળતાપૂર્વક પ્રસ્થાપિત ન કરી શકી અને રતન ટાટા ખૂબ તામઝામ સાથે ગુજરાત આવ્યા હતા તેમને હિમાલય જેવડી મોટી નિષ્ફળતાનો સામનો કરવાનો આવ્યો. પણ જીઆરડી પછી ટાટા ગ્રુપના સર્વેસર્વા એટલે કે ચેરમેન રતન ટાટા ગ્રુપની સહિયારી સફળતામાં પોતાનો ભાગ સુનિશ્ચિત કરી સફળ સુકાની તરીકે પ્રસિદ્ધ થયા. એમની નાનામાં નાની વાતો પણ મોટા સમાચાર બનવા લાગી પણ કોણ જાણે ‘ન’થી શરૂ થતા શબ્દો સાથે એમને ગુજરાતમાં લેણું નહોતું. એ જે પ્રોજેક્ટ ગુજરાતમાં પહેલાં લઈ આવ્યા તે ‘નેલ્કો’, એ વખતે આવી તામઝામ નહોતી થઈ. ત્યારબાદ ‘નેનો’, એમનું લાયઝન સંભાળ્યું તે નીરા અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી નવલ ટાટાના આ સુપુત્રને સફળતા સુધી ન દોરી જઈ શક્યા. નેનો નિષ્ફળ ગઈ. આ રતન ટાટાના જીવનમાંથી શીખ લઈને મહાન બનવું હોય તો ખાસ ત્રણ વાતો યાદ રાખવી જોઈએ. પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ જેવા નાગરિક સન્માનોથી વિભુષિત રતન ટાટા આજે પોતાનો વિકાસ કરવા ઇચ્છનાર દરેકને માટે દાખલારૂપ કહેવાય છે.
રતન ટાટાના ત્રણ મંત્ર
રતન ટાટા જે પહેલી વાત કહે છે તે છે કે ‘સફળ લોકોથી પ્રેરણા લેવી જોઈએ કે જ્યારે તે વ્યક્તિ સફળ થઈ શકે છે તો હું કેમ નહીં? જોકે આંખો બંધ કરીને પ્રેરણા ન લો.’ બીજી મહત્વની વાત જે રતન ટાટા કહે છે કે એ છે કે ‘લોકો તમારા પર ફેંકે છે તે બધા પથ્થરો એકઠા કરો અને તે પથ્થરોનો ઉપયોગ મજબૂત ઇમારત બનાવવા માટે કરો.’ ત્રીજી મહત્વની વાત રતન ટાટા કહે છે, ‘દુનિયામાં કરોડો લોકો સખત મહેનત કરે છે, છતાં દરેકને અલગ-અલગ પરિણામ મળે છે. આ માટે મહેનત કરવાની પદ્ધતિ જવાબદાર છે. તેથી વ્યક્તિએ મહેનત કરવાની રીતમાં સુધારો કરવો જોઈએ.’આમ તો એવું પણ કહેવાય છે કે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય! અને સામે એ પણ કહેવાય છે કે પ્રારબ્ધ વગર પુરુષાર્થ પાંગળો છે. એટલે પુરુષાર્થ કરો અને પ્રારબ્ધ હશે તો સફળ થશો. પોતાનું ધ્યેય પામવા માટે મન મૂકીને પરિશ્રમ કરો પણ પરિશ્રમ કર્યા બાદ પણ ધ્યેય દૂર જ રહે તો?
કવિશ્રી દિવ્યકાંત ઓઝાની પંક્તિઓ –
લક્ષ્ય હો કદી ન આટલા મહી
દૂર એ
દૂર હો ક્ષિતિજ એ
કે હજો ક્ષિતિજની એ પાર એ
પરંતુ ચેતના બધી
એક કેન્દ્રમાં ધરી
છલાંગ મારતા જશું
તો કદી લક્ષ્ય દૂર ના રહે,
હાથમાં રમે !
આ પણ વાંચો:
Mumbai: અનિલ અંબાણી ફરી મુશ્કેલીમાં ઘેરાયાં, છેતરપિંડીના કેસમાં ED બાદ CBIના દરોડા
Uttarakhand: ચમોલીમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ,ઘરોમાં ઘૂસી ગયો કાટમાળ
Amit shah on SIR : શું અમિત શાહ પાસે ટાઈમ મશીન છે? લોકો કેમ ઉડાવી રહ્યા છે મજાક?
Rajasthan: હોસ્ટેલની ડરાવની હકીકત, પથારી ભીની કરનારા બાળકો સાથે આવો વ્યવહાર
UP: આજના યુગમાં પણ વૃદ્ધ દંપતીનો અનોખો પ્રેમ, 72 વર્ષની પત્ની પતિને બચાવવા માટે નહેરમાં કૂદી પડી