
Sabar Dairy Protest: છેલ્લા 4 દિવસથી સાબર ડેરીના પશુપાલકો ભાવ ફેરને લઈને આંદોલન કરી રહ્યા છે. આ આંદોલન દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે. બે દિવસ પહેલા પશુપાલકોએ જ્યારે સાબર ડેરી ખાતે વિરોધ કરી રહ્યા હતા ત્યારે પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું આ મામલે પશુપાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઘણા બધા પશુપાલકો સામે કેસ નોંધવામાં આવ્યો છે જેથી પશુપાલકોનો રોષ વધુ ફાટી નિકળયો છે. જેથી પશુપાલકોએ જ્યાં સુધી તેમની માંગ ન સંતોષાય ત્યાં સુધી દૂધ ડેરીમાં નહીં ભરવાનું નક્કી કર્યું છે અને પશુપાલકો દ્વારા ડેરીમાં દૂધ ભરવાને બદલે તેને ઢોળીને વિરોધ નોંધાવવામા આવી રહ્યો છે ત્યારે પશુપાલકોના આ આંદોલનની અસર સાબરડેરીની આવક પર પડી છે. આ આંદોલનને કારણે ડેરી અને પશુપાલકોને આર્થિક નુકસાન થયું છે.
4.50 લાખ લિટર દૂધની આવક ઘટી
મળતી માહિતી મુજબ સાબર ડેરી સામે પશુપાલકોના આંદોલનની સીધી અસર દૂધની આવક ઉપર પડી છે. આજે 4.50 લાખ લિટર દૂધ સાબરડેરીમાં ઓછુ આવ્યું છે જેથી 2. 25 કરોડનું નુકશાન દૂધ ઉત્પાદકોને થયુ છે. કારણ કે જે દૂધ સાબરડેરીમાં ભરાશે નહીં તેના પૈસા સાબરડેરીને ચુકવવાના રહેતા નથી.
દૂધના ભાવફેરના મુદ્દે હજારો દૂધ ઉત્પાદકોએ રોષે ભરાઈને સાબરડેરી વિરૂધ્ધ સોમવારે આંદોલન કર્યું હતુ, ત્યારે બે દિવસ સુધી સ્થાનિક ડેરીઓમાં દૂધ ઉત્પાદકો પાસેથી ખરીદવામાં આવેલ દૂધનો પુરવઠો ટેન્કરો મારફતે સાબરડેરીમાં પહોંચાડવામાં પડી રહેલા વિક્ષેપને કારણે બંને જિલ્લાની સ્થાનિક ડેરીઓ દ્વારા દૂધ ઉત્પાદકો પાસેથી દૂધની ખરીદી મુલત્વી રખાઈ હતી. આમ તો સાબરડેરી દ્વારા રોજબરોજ બંને જિલ્લામાંથી અંદાજે 27 લાખથી વધુ લીટર દૂધ સંપાદન કરવામાં આવે છે, પરંતુ સ્થાનિક ડેરીઓમાં રખાયેલ દૂધનો પુરવઠો બે દિવસથી સાબરડેરી સુધી પહોંચ્યો ન હતો, જેના માટે જવાબદાર લોકોએ રસ્તામાં આવી ટેન્કરો રોકીને દૂધ રોડ પર વહાવી દીધુ પણ હતુ. જેની સીધી અસર સાબરડેરીએ પહોંચતા દૂધની આવક ઉપર પડી હતી, અને બુધવારે સામે આવેલા આંકડા મુજબ 22. 50 લાખ લિટર દૂધ પહોંચતા 4.50 લાખ લિટરની દૂધનું નુકશાન થયુ છે. જેના કારણે દૂધ ઉત્પાદકોને રૂ.2.25 કરોડની નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે.
સમાધાન માટે બેઠકોનો દોર શરૂ
પશુપાલકોના આ આંદોલનને આજે ચોથો દિવસ થયો છે. તેમ છતા ગ્રામ્ય વિસ્તારોમાં દૂધ ઉત્પાદકોનો ગુસ્સો હજુ પણ યથાવત રહેતાં સાબરડેરીના નિયામક મંડળ અને આગેવાનો વચ્ચે સમાધાન માટે બેઠકોનો દોર શરૂ થયો છે. પરંતુ કેટલાક તત્વોએ રાજકીય લાભ ખાટવાના આશયથી દૂધ ઉત્પાદકોને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જેથી હજુ પણ આગામી દિવસોમાં દૂધની આવક ઉપર અસર થઈ શકે છે.
સાબરડેરીના ચેરમેનનું નિવેદન
આ મામલે સાબરડેરીના ચેરમેન શામળ પટેલ અને ડિરેકટર ર્ડા.વિપુલ પટેલના જણાવ્યા મુજબ, બંને જિલ્લામાં થઈને અંદાજે 1187 બીએમસી યુનીટ(બલ્કમિલ્ક ટાંકા)માં સ્થાનિક ડેરીઓ જે દૂધ ગ્રાહકો પાસેથી સવાર સાંજ ખરીદે છે તેને આ બીએમસી યુનીટમાં ઠંડુ કરીને તેની ગુણવત્તા જાળવી રાખે છે ત્યારબાદ સાબરડેરી સંચાલિત દૂધની ટેન્કરો મારફતે તે દૂધ સાબરડેરીમાં લવાય છે. પરંતુ ભાવફેરના મુદ્દે ગેરમાર્ગે દોરવાયેલા હોવાથી તેની સીધી અસર દૂધના પરિવહન પર પડી રહી છે. જેથી સાબરડેરીમાં આવતા દૂધના પુરવઠામાં બુધવારે 4. 50 હજાર લીટરનો ઘટાડો થયો છે.
દૂધ પરિવહન કરતા ટેન્કર ચાલકોને મળશે પોલીસ બંદોબસ્ત
વધુમાં શામળ પટેલે જણાવ્યુ કે, ગામડાઓમાંથી ટેન્કરો મારફતે દૂધ સાબરડેરીમાં લવાઈ રહયું છે, ત્યારે કેટલાક ચોક્કસ તત્વો તેમનો રાજકીય રોટલો શેકવા માટે દૂધ ઉત્પાદકોને હથિયાર બનાવી રસ્તામાં ટેન્કરના વાલ્વ ખોલીને જે નુકશાન પહોંચાડી રહયા છે ત્યારે સાબરડેરીના સત્તાવાળાઓએ દૂધ પરિવહન કરતા ટેન્કર ચાલકોની સલામતી માટે જિલ્લા પોલીસવડાએ જરૂરી બંદોબસ્ત આપવાની પણ તૈયારી બતાવી છે.
ચાલુ વર્ષે પણ ગત વર્ષ જેટલો ભાવફેર ચુકવવામાં આવશે: ચેરમેન
ભાવફેર મામલે સ્પષ્ટતા કરતાં સાબરડેરીના ચેરમેન શામળ પટેલે જણાવ્યુ હતુ કે, સાબરકાંઠા અને અરવલ્લીના 3.50 લાખ કરતાં પણ વધુ પશુપાલકોને અત્યારે ઓડિટ ચાલતુ હોવાથી 11 જુલાઈના રોજ ઉચ્ચક પ્રતિ કિલો ફેટના રૂ 960 મુજબ રકમ ચુકવી દેવામાં આવી છે. આગામી દિવસોમાં ઓડિટ પુર્ણ થયા બાદ તફાવતની બાકી રકમ આગામી સાધારણ સભામાં નિર્ણય કરીને જાહેર કરીને ચુકવાશે. જેથી ગત વર્ષ જેટલો ભાવફેર મળી શકે છે.
ડિરેકટરોએ બેઠકો યોજી જાણકારી આપી
ડિરેકટરોનું કહેવું છે કે, સાબરડેરી વિરૂધ્ધ કેટલાક લોકો ગેરસમજ ફેલાવીને દૂધ ઉત્પાદકોને અવળે માર્ગે દોરી રહયા છે ત્યારે નિયામક મંડળની બેઠકમાં ચર્ચા કરાયા બાદ તમામ ચુંટાયેલા ડિરેકટરોએ મંગળવારથી તેમના મત વિસ્તારમાં આવતી સ્થાનિક દૂધ મંડળીઓના ચેરમેન અને સેક્રેટરીને બોલાવી સાચી હકિકતથી વાકેફ કરવાનું શરૂ કરી દીધુ છે.
જેલમાંથી પશુપાલકો બહાર નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે
ઈડર દિવેલા સંઘમાં ભેગા થયેલા સાબરડેરીના વા.ચેરમેન ઋતુરાજ પટેલ, ડિરેકટર અશોકભાઈ પટેલ, સહકારી અગ્રણી સતિષભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, દલજીભાઈ પટેલ, ચેતનભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ અને હરિભાઈ પટેલની હાજરીમાં દૂધ ઉત્પાદકોએ એવી લાગણી વ્યક્ત કરી હતી કે દૂધ સ્થાનિક ડેરીઓમાં મોકલીશું પરંતુ જયાં સુધી જેલમાં ગયેલા 70 થી વધુ પશુપાલકો તથા 1000 ના ટોળા વિરૂધ્ધ જે ફરીયાદ થઈ છે તેનો નિકાલ ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. દિવેલા સંઘમાં યોજાયેલ બેઠકમાં ચિત્રોડા, કાનપુર, લાલપુર, વસઈ, ચોરીવાડ, કડિયાદરા, ભાણપુર, ગોરલ, મેસણ સહિત અન્ય ગામોના દૂધ ઉત્પાદકો હાજર રહયા હતા. આ બેઠકમાં દૂધ ઉત્પાદકોએ માગણી કરી હતી કે ભાવફેરની રકમ ચુકવવા માટે નક્કર આયોજન થવું જોઈએ, મૃતકને યોગ્ય વળતર મળવું જોઈએ. જોકે વા.ચેરમેન અને ડિરેકટરે દૂધ ઉત્પાદકોને દૂધનો બગાડ ન કરવા માટે અપીલ કરી હતી.
સાબરડેરી દ્વારા ચુકવાયેલ ભાવફેરની રકમ
સાબરડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને ભાવફેર ચુકવવામાં આવે છે, ત્યારે પ્રતિ કિલો ફેટના વર્ષ 19 -20 માં રૂ770, 2020-21માં રૂ.812, 2021-22 માં રૂ.860, 2022-23માં રૂ 934, જયારે વર્ષ 2023-24 માં રૂ.990 મુજબ ચુકવાયા હતા. દરમ્યાન ચાલુ વર્ષે રૂ.960 પ્રતિ કિલો ભાવ ઉચ્ચક ચુક્વ્યો છે. ઓડિટ પુર્ણ થયા બાદ તફાવતની બાકી રકમ ચુકવવામાં આવશે. જે ગત વર્ષ જેટલી ભાવફેરની રકમ પશુપાલકોને મળી શકે છે.
બનાસકાંઠાની બનાસડેરી દ્વારા ચુકવાયેલ ભાવફેરની રકમ
ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ દૂધ ઉત્પાદકો ધરાવતી બનાસડેરીએ દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટના વર્ષ 2021-22 માં રૂ.862, 2023-24માં રૂ.989 મુજબ ચુકવ્યા હતા. જોકે બનાસકાંઠા જિલ્લો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા કરતાં મોટો અને વધુ દૂધ ઉત્પાદકો ધરાવે છે.
મહેસાણાની દૂધ સાગરડેરી દ્વારા ચુકવેલ ભાવ ફેરની રકમ
દૂધ સાગરડેરી દ્વારા વર્ષ 2021 -00 માં પ્રતિ કિલો ફેટના રૂ.801 ,2022 -23 માં રૂ.877 , અને 2023-24 માં 945 મુજબ ચુકવ્યા હતા. આમ, સાબરડેરીએ પોતાના પડોશી જિલ્લા મહેસાણા અને બનાસકાંઠા કરતાં પણ વધારે ભાવફેર ચુક્વ્યો છે.
બીએમસી યુનિટ અંગે સ્થાનિક ડેરીઓની સમસ્યા દૂર થઈ
બુધવારથી સ્થાનિક ડેરીઓમાં બીએમસી યુનીટમાં જે દૂધ એકત્ર કરાયું છે તેને સાબરડેરીમાં ટેન્કરો મારફતે લાવવાનું શરૂ કરી દેવાયું છે જેથી જે સ્થાનિક ડેરી પાસેનું બલ્કમિલ્ક યુનીટ ખાલી થઈ ગયું હશે જેથી તેઓ ગ્રાહકો પાસેથી દૂધ ખરીદી શકશે અત્યાર સુધી ડેરીઓમાં પરિવહનના અભાવે બલ્કમિલ્ક યુનીટમાં પડી રહેલા દૂધનો નિકાલ ન થાય ત્યાં સુધી સમસ્યા હતી જે હવે સમાપ્ત થઈ રહી છે, જેના કારણે હવે બીએમસી યુનિટમાં દૂધનો સંગ્રહ થઈ શકશે.
શહેર અને ગામડાઓમાં દૂધ ઉત્પાદકો દૂધ બગડે પહેલાં વેચવા નીકળ્યા
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આવેલી સ્થાનિક દૂધ મંડળીઓમાં દૂધ ઉત્પાદકોએ દૂધ ભરાવવાનું બંધ કર્યા બાદ તેમને દૂધનો નિકાલ કરવા માટે મુશ્કેલી પડી રહી છે, ત્યારે કેટલાક દૂધ ઉત્પાદકો આર્થિક નુકશાન ઓછું થાય અને દૂધનો નિકાલ જલ્દી કરવો પડે તે આશયથી મંગળવારે અને બુધવારે કેટલાક દૂધ ઉત્પાદકો ખાનગી વાહનમાં દૂધ લઈને શહેરી વિસ્તારમાં વેચવા માટે આવ્યા હતા. જયારે ગામડાઓમાં રહેતા દૂધ ઉત્પાદકો પણ દૂધના નિકાલ માટે અડોશ પડોશમાં વિનામૂલ્યે દૂધ આપી રહ્યા છે.
અહેવાલ : દિલીપ પટેલ








