
- તેલંગાણામાં SLBC સુરંગ બચાવ અભિયાન યથાવત; નથી મળી રહ્યા 8 લોકો
નવી દિલ્હી: તેલંગાણામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) સુરંગમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે રવિવાર સવારથી બચાવ કામગીરી ચાલી રહી છે.
સોમવાર સવારની તસવીરોમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) સુરંગની અંદર ઝડપથી આગળ વધી રહી હોવાનું દર્શાવવામાં આવ્યું છે, જ્યાં આઠ કામદારો ફસાયેલા હોવાની આશંકા છે. બચાવ ટીમ હાલમાં ટનલની અંદર જમા થયેલા પાણીને દૂર કરવામાં વ્યસ્ત છે.
જોકે, કાટમાળ રસ્તા પર જામ થઈ ગયો હોવાથી ટીમે હજુ સુધી તેમની ચોક્કસ “સ્થિતિ” ની પુષ્ટિ કરી નથી, એમ NDRF અધિકારીઓએ જણાવ્યું હતું.
ANI સાથે વાત કરતા NDRFના ડેપ્યુટી કમાન્ડન્ટ સુકેન્દુ દત્તાએ જણાવ્યું હતું કે બચાવ ટીમ અત્યાર સુધીમાં ટનલની અંદર લગભગ 13.5 કિમી સુધી પહોંચી છે, જેમાં મુખ્યત્વે લોકોમોટિવ અને કન્વેયર બેલ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો-પાકિસ્તાનીઓ માટે ‘વિશ્વની સૌથી મોટી મેચ’ ખત્મ; હવે તે ‘વાર્ષિક અપમાન’ જેવું
તેમણે કહ્યું, “ગઈકાલે રાત્રે લગભગ 10 વાગ્યે, અમે અંદર ગયા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. અમે ટનલના પ્રવેશદ્વારથી કુલ 13.5 કિમીનું અંતર કાપ્યું. આમાંથી, 11 કિમી ટ્રેન દ્વારા અને બાકીના 2 કિમી કન્વેયર બેલ્ટ દ્વારા અને પગપાળા કાપવામાં આવ્યા હતા.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ટનલનો જે ભાગ 200 મીટર તૂટી પડ્યો છે તે સંપૂર્ણપણે કાટમાળથી ભરેલો છે, જેના કારણે અંદર ફસાયેલા કામદારોની ચોક્કસ સ્થિતિની પુષ્ટિ કરવી મુશ્કેલ બની ગઈ છે.
NDRFના ડેપ્યુટી કમાન્ડન્ટે જણાવ્યું કે, “અમે ટનલ બોરિંગ મશીન (TBM)ના અંત સુધી પહોંચી ગયા હતા. અમે ફસાયેલા કામદારોનો સંપર્ક કરવા માટે ફોન પણ કર્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. લગભગ 200 મીટરનો વિસ્તાર કાટમાળથી ભરેલો છે. જ્યાં સુધી તે સાફ ન થાય ત્યાં સુધી અમે પીડિતોનું ચોક્કસ સ્થાન જાણી શકતા નથી.”
અધિકારીએ ઉમેર્યું હતુ કે, “11થી 13 કિમી વચ્ચેનો વિસ્તાર પાણીથી ભરેલો છે, તેથી હાલમાં અમે તેને બહાર કાઢવાની પ્રક્રિયામાં છીએ. સ્પષ્ટ થતાં જ અમે બચાવ કામગીરી શરૂ કરીશું.”
આજે વહેલી સવારે NDRF અને SDRF ટીમોને તૂટી પડેલા ભાગ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
SDRFના એક અધિકારીએ જણાવ્યું છે કે“સુરંગની અંદર અકસ્માત સ્થળ સુધી પહોંચવાની કોઈ શક્યતા નથી. તે સંપૂર્ણપણે પડી ભાગી છે અને ત્યાં ઘૂંટણ સુધીનો કાદવ છે. આપણે કોઈ બીજી પદ્ધતિ અપનાવવી પડશે.”
શનિવારે સવારે નાગરકુર્નૂલ જિલ્લાના ડોમાલાપેન્ટા નજીક SLBC ટનલના 14 કિલોમીટરના બિંદુ પર બાંધકામ હેઠળના ભાગનો ત્રણ મીટર લાંબો ભાગ તૂટી પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે બાંધકામ ફરી શરૂ થયાના ચાર દિવસ પછી જ આ અકસ્માત થયો હતો. અકસ્માત સમયે કેટલાક કામદારો સુરક્ષિત રીતે ભાગી જવામાં સફળ રહ્યા હતા પરંતુ આઠ કામદારો સુરંગમાં ફસાઈ ગયા.
આ પણ વાંચો- ખ્યાતિકાંડ-PMJAY યોજના અંગે વિધાનસભામાં ઋષિકેશ પટેલે આપ્યો વિસ્તારપૂર્વક જવાબ