
નવી દિલ્હી: કોંગ્રેસે આજે તેના નવા હેડક્વાર્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. સોનિયા ગાંધીના હસ્તે તેનું ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા. એટલે કે હવે કોંગ્રેસના નવા હેડક્વાર્ટરનું સરનામું ‘ઇન્દિરા ગાંધી ભવન’ 9A, કોટલા રોડ થઈ ગયો છે.
ઈન્દિરા ભવન નામ રખાયું
આ નવા હેડક્વાર્ટરનું નામ ‘ઇન્દિરા ભવન’ રાખવામાં આવ્યું છે, પરંતુ આ પહેલા કેટલાક કાર્યકરોએ ત્યાં ‘સરદાર મનમોહન સિંહ ભવન’ના પોસ્ટર લગાવી દીધા હતા. જેના કારણે નવા હેડક્વાર્ટરના નામ અંગે નવો વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસના નેતા અનિલ શાસ્ત્રીએ કહ્યું કે 2009 માં જ્યારે મનમોહન સિંહ પીએમ હતા ત્યારે આ ઇમારતનું નામ ઇન્દિરા ભવન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ભાજપના પ્રચારનું બીજું એક ઉદાહરણ છે.
આ ઉપરાંત, નવા કોંગ્રેસ હેડક્વાર્ટરમાં પ્રિયંકા ગાંધીની ભૂમિકા અંગે રાજીવ શુક્લાએ કહ્યું કે બધું પ્રિયંકા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે, આ સાચું છે. તેમણે આ ઓફિસમાં બધું જ ફાઇનલ કરી દીધું છે. ગાંધી પરિવારના વિરોધી અને કોંગ્રેસ છોડી ગયેલા ગુલામ નબી આઝાદ જેવા નેતાઓની તસવીર પર તેમણે કહ્યું કે હા, આ સાચું છે. અમે ઈમારતમાં ફોટોગ્રાફ્સ દ્વારા કોંગ્રેસનો ઇતિહાસ દર્શાવ્યો છે. અમે નાના હૃદયથી કામ કરતા નથી.
ભાજપના હેડક્વાર્ટરથી ફક્ત 500 મીટર દૂર
કોંગ્રેસનું નવું હેડક્વાર્ટર દિલ્હીમાં ભાજપના હેડક્વાર્ટરથી લગભગ 500 મીટર દૂર છે. તેનો શિલાન્યાસ ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ અને સોનિયા ગાંધીએ 2009 માં કર્યો હતો. આજે 15 વર્ષ પછી આ ઇમારત તૈયાર છે.
1977 પછી 2025માં કોંગ્રેસને મળ્યું નવું ઠેકાણું
ખરેખર તો 1977ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીની હાર પછી લુટિયન્સ દિલ્હીના 24, અકબર રોડ પરના બંગલાને AICC હેડક્વાર્ટરમાં ફેરવી દેવામાં આવ્યો હતો. અકબર રોડ બંગલા પર એક સમયે સર રેજિનાલ્ડ મેક્સવેલનો કબજો હતો, જેઓ લોર્ડ લિનલિથગોની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય (હોમ) હતા. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટી 24, અકબર રોડ સ્થિત વર્તમાન મુખ્ય કાર્યાલય ખાલી નહીં કરે. 1978 માં તેની રચના થઈ ત્યારથી તે કોંગ્રેસ (I) નું મુખ્યાલય છે. એવી ચર્ચા છે કે જૂના હેડક્વાર્ટરમાં અમુક વિભાગો જળવાઈ રહેશે.
આ પણ વાંચો- અમરેલી લેટરકાંડ: આરોપી અશોક માંગરોળીયાને કરાયો સરપંચ પદેથી ફરજ મોકૂફ