
- સુરત: દારૂના નશામાં ઓવરસ્પીડ પછી અકસ્માત; બે સગા ભાઈઓના મોત
સુરતના આઉટર રિંગ રોડના વાલક બ્રિજ ઉપર 7 ફેબ્રુઆરીની મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડ્રાઈવરે સ્પીડમાં રહેલી ગાડી ઉપરથી કંટ્રોલ ગુમાવતા ડિવાઈડર કૂદીને સામેના રોડ ઉપર પહોંચી ગઈ હતી. આ દરમિયાન સ્પીડમાં રહેલી ગાડીએ એકસાથે 6 લોકોને ઉડાવી દીધા હતા.
આ અકસ્માતમાં છ ઈજાગ્રસ્તમાંથી એકનું ઘટનાસ્થળે, જ્યારે એકનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ગંભીર રીતે ઘવાયેલી ચાર વ્યક્તિની સારવાર ચાલી રહી છે. બન્ને મૃતકો સગા ભાઈ હોવાનું સામે આવી રહ્યું છે. તે બંને મૂળ ગીર સોમનાથના વતની છે.
મળતી માહિતી પ્રમાણે, અકસ્માત સર્જનાર કારનો માલિક મનોજકુમાર કાળુભાઈ ડાંખરા છે અને તેનો પુત્ર કિર્તન ડાંખરા કાર ચલાવતો હતો. મૃતકના પરિજનના જણાવ્યાં મુજબ, કારમાં એક યુવતી અને ત્રણ યુવકો સવાર હતાં. કારની સ્પીડ 130થી 150 હતી અને કારમાં સવાર તમામ સભ્યોએ દારૂ પીધેલો હોવાનું સામે આવી રહ્યું છે.
મળી રહેલી માહિતી અનુસાર, સુરતના આઉટર રિંગરોડ પર લસકાણા વાલક અબ્રામા બ્રિજ ઉપર મોડીરાત્રે પૂરપાટ ઝડપે દોડતી કાર નં. જીજે-05-આરએફ-0317ના ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને રોડની સામેની સાઈડ પહોંચી ગઈ હતી.
કારચાલકે સામેથી આવતા એક પછી એક કુલ પાંચ વાહનોને ઉડાવી છ વ્યક્તિને નાની મોટી અને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ અકસ્માતમાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
બે સગા ભાઈ કમલેશ બાલુભાઈ સાપોલિયા (ઉં.વ.42) અને અશ્વિનભાઈ બાલુભાઇ સાપોલિયા (ઉં.વ.48)નું સારવાર મળે તે પહેલાં મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ચાર ઈજાગ્રસ્તની હાલત ગંભીર હોવાથી તેમની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો- દિલ્હી ચૂંટણી પરિણામ: 6 રાઉન્ડની મતગણરી પછી અરવિંદ કેજરીવાલ પાછળ