
- પર્વત પાટીયા વિસ્તારની રુદ્રમણી સોસાયટીમાં બનેલી ઘટનાને પગલે ચકચાર.
- પાલતુ શ્વાને બચકાં ભરી લેતાં 7 વર્ષનું બાળક ગંભીર રીતે ઘવાયું.
- બાળક પર હુમલો કરવા શ્વાન માલિકે જ કૂતરાંને ઉશ્કેર્યું હોવાનો આક્ષેપ.
- કૂતરો આ રીતે જ ફરશે, તમે અમારું કંઈ નહિં ઉખેડી શકો તેવી શ્વાન માલિકોની ધમકી.

Surat News । ઘરે કૂતરું પાળવું એ કંઈ ખોટું નથી, પરંતુ, તમારું પાળેલું જનાવર બીજાને રંજાડે નહીં એ જોવાની તકેદારી અને કાળજી રાખવી તો માલિકની જ બનતી હોય છે. પરંતુ, છાશવારે એવી ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં આ કહેવાતા જનાવર પ્રેમીઓ પોતે જ જાનવર જેવું વર્તન કરતાં હોય તેવું લાગી આવે. આવી જ એક ઘટના સુરતના પર્વત પાટીયા વિસ્તારમાં બની છે.
સુરતના પર્વત પાટીયા વિસ્તારની રુદ્રમણી સોસાયટીમાં રહેતાં સુનિતા મનોજ ગોદારાનો 7 વર્ષનો પુત્ર ગત તા. 19 સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે સોસાયટીમાં સાયકલ ચલાવી રહ્યો હતો. આ સોસાયટીમાં જ રહેતાં અરવિંદભાઈ ગોસ્વામીની પત્ની શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે જ્યારે તેમનો ભાઈ વ્યવસાયે વકીલ છે.
સુનિતા ગોદારાનો પુત્ર સોસાયટીમાં રમી રહ્યો હતો તે વખતે લગભગ સાંજે 6 વાગ્યાના સુમારે અરવિંદ ગોસ્વામીની પત્ની પોતાના પાળેલાં જર્મન શેફર્ડ કૂતરાં સાથે બગીચામાં આવી હતી. અને બાદમાં સોસાયટીની ઓફિસની પાછળ સાયકલ ચલાવતાં પહોંચેલાં 7 વર્ષના બાળક પર અચાનક જર્મન શેફર્ડ કૂતરાંએ હુમલો કરી દીધો હતો. કૂતરાંના હુમલાથી બાળકે બૂમાબૂમ કરતાં ત્યાં નજીક બાકડાં પર બેઠેલાં સુમિત્રા રાજપુરોહિત સહિતના લોકો દોડી આવ્યા હતાં.
#Surat | પર્વત પાટિયા વિસ્તારની રુદમણિ સોસાયટીમાં પાલતુ શ્વાનના હુમલાનો બનાવ,
7 વર્ષના બાળક પર જર્મન શેફર્ડ શ્વાને હુમલો કરતા બાળકને ગંભીર ઈજાઓ થઈ છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો,
પીડિત પરિવારે પુણા પોલીસ, પાલિકા કમિશનર અને આરોગ્ય અધિકારીને અરજી કરીને શ્વાનના માલિક… pic.twitter.com/BUitizUigZ
— Benefit News 24 (@BenefitNews24) September 25, 2025
બૂમાબૂમ સાંભળી દોડી આવેલાં લોકોએ જોયું તો શિક્ષિકા કૂતરાંને ખેંચીને દૂર કરવાનો પ્રયાસ કરી રહી હતી. જ્યારે જર્મન શેફર્ડ જમીન પર ફસડાઈ ગયેલાં બાળકને બચકાં ભરી રહ્યું હતું. થોડીવારમાં શિક્ષિકાએ પોતાના કૂતરાંને ખેંચી લીધું અને બાળક દોડીને લોકો પાસે પહોંચી ગયો હતો. બાદમાં લોકો તાત્કાલિક બાળકને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતાં.
ઘટનાના દિવસના સીસીટીવી ફૂટેજ હાલ સામે આવ્યાં છે. આ મામલે બાળકના પરિવારે પુણા પોલીસ મથક પાલિકાના આરોગ્ય અધિકારી અને મ્યુનિ. કમિશનરને લેખિતમાં ફરિયાદ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે. જોકે, બીજી તરફ એવી વિગતો સામે આવે છે કે, હુમલાની ઘટના બાદ છેલ્લાં પાંચેક દિવસથી કૂતરાંની માલકણ શિક્ષિકા સોસાયટીમાંથી ગાયબ થઈ ગઈ છે.
બાળકની માતા સુનિતા ગોદારાએ આક્ષેપ કર્યો છે કે, મારા પુત્ર પર થયેલા હુમલાની ઘટનાનો સોસાયટીના લોકોએ વિરોધ કર્યો ત્યારે શ્વાન માલિકોએ કહ્યું હતું કે, જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો, કોઈ અમને કશું નુકસાન પહોંચાડી શકશે નહીં. અમારો કૂતરો આ રીતે જ સોસાયટીમાં ફરશે. જ્યારે વકીલ વિજય ગોસ્વામીએ સોસાયટીના અન્ય લોકોની સામે ધમકી આપી હતી કે, તમે મારું કંઈ ઉખેડી શકશો નહીં, હું કોર્ટમાં તમને બધાંને જોઈ લઈશ.
સુનિતા ગોદરાએ વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષિકાને ઘણીવાર કહ્યું કે, કૂતરા અહીંથી હટાવી દો પરંતુ, એમણે જીદ કરીને કૂતરાંને હટાવ્યો નહીં. જેને પગલે આજે અમારે નુકસાન ભોગવવાનું આવ્યું છે. મારા દીકરાને બહુ ખરાબ રીતે કૂતરું કરડ્યું છે. 14 ઇન્જેક્શન લેવા પડ્યાં છે.
અત્રે નોંધનિય છે કે, પોલીસ, પાલિકામાં અરજી કર્યા બાદ આજે આટલાં દિવસો થઈ ગયાં છે છતાં તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી.
આ પણ વાંચો:
Kolkata Gangrape: કોલકાતામાં ફરી ગેંગરેપ, યુવતીના જન્મદિવસે જ બે મિત્રોએ બનાવી હવશનો શિકાર
Ahmedabad: પોતાના જ શ્વાનના નખથી પોલીસકર્મીને હડકવા થયો, સારવાર દરમિયાન મોત







