
Tribal Rights Protection Rally in Surat: સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે 30 જૂન, 2025ના રોજ આદિવાસી સમાજ દ્વારા ‘આદિવાસી અધિકાર બચાવ’ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ઉમરપાડા, નેત્રંગ, અને સોનગઢ સહિતના વિસ્તારોના હજારો આદિવાસીઓએ ભાગ લીધો હતો. જેમાં ભાજપ સરકાર સામે રોષ ઠાલવ્યો છે.
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા બેઠકના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાવનીમાં આ રેલી યોજાઈ હતી, જેમાં આદિવાસી સમાજે પોતાના અધિકારોની રક્ષા માટે અને વન વિભાગની નીતિઓના વિરોધમાં 5 મુખ્ય માંગણીઓ રજૂ કરી હતી. ભારે વરસાદ પડતો હોવા છતાં સમાજનો ઉત્સાહ અને લડતનો મૂડ અડગ રહ્યો, જે આ રેલીની મજબૂત અસર દર્શાવે છે.
વિકાસના નામે આદિવાસીઓની જમીન છીનવાઈ: ચૈતર વસાવા
આ રેલીનું મુખ્ય કારણ આદિવાસી સમાજની જમીન અને અધિકારો પર વન વિભાગ અને સરકારની નીતિઓ દ્વારા થઈ રહેલા હસ્તક્ષેપનો વિરોધ છે. ચૈતર વસાવાએ આ રેલી દ્વારા આદિવાસીઓની જમીન, સંસ્કૃતિ, અને જીવનશૈલીને બચાવવાનો ઉદ્દેશ રજૂ કર્યો. તેમણે આક્ષેપ કર્યો કે વન વિભાગ અને સરકાર દ્વારા વિકાસના નામે આદિવાસીઓની જમીન છીનવાઈ રહી છે, અને તેમના ઘરો-ખેતરો પર બુલડોઝર ફેરવવામાં આવે છે.
આ રેલીનો હેતુ સરકાર અને વન વિભાગનું ધ્યાન આદિવાસીઓની સમસ્યાઓ તરફ દોરવાનો હતો, જેમાં ખાસ કરીને અભયારણ્ય યોજના, ઉકાઈ સોલાર પ્રોજેક્ટ, અને સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાપુતારા કોરિડોર જેવા પ્રોજેક્ટ્સનો વિરોધ કરવામાં આવ્યો.
આદિવાસી સમાજના બે કલાક સુધી ધરણાં
રેલી ઉમરપાડા બસ સ્ટેન્ડથી શરૂ થઈ અને મામલતદાર કચેરી સુધી પહોંચી, જ્યાં આદિવાસી સમાજે બે કલાક સુધી ધરણાં કર્યા. ધરણા દરમિયાન આદિવાસી મહિલાઓએ પોતાની ભાષામાં ગીતો ગાઈને વિરોધ વ્યક્ત કર્યો, જે આદિવાસી સંસ્કૃતિ અને એકતાનું પ્રતીક હતું. ચૈતર વસાવાએ વન વિભાગના અધિકારીઓને ચીમકી આપી કે જ્યાં સુધી અધિકારીઓ સ્થળ પર નહીં આવે, ત્યાં સુધી તેઓ જગ્યા છોડશે નહીં, ભલે રાતવાસો કરવો પડે.
આદિવાસી સમાજની પાંચ મુખ્ય માંગણીઓ છે. જે માટે આવેદનપત્ર મામલતદારને આપવામાં આવ્યું.
70 હજાર હેક્ટર જમીનમાં બનનાર અભયારણ્ય યોજના રદ્દ કરો
ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો કે અભયારણ્ય યોજનાના નામે વન વિભાગ પોલીસની મદદથી આદિવાસીઓની જમીનો પર ખાડા ખોદી રહ્યું છે અને તેમના ઝૂપડાં તોડી રહ્યું છે. આ યોજનાનો હેતુ જમીનને ખાનગી ક્ષેત્રને આપવાનો હોવાનો દાવો કરવામાં આવ્યો, જેનો આદિવાસી સમાજ સખત વિરોધ કરે છે.
ઉકાઈ સોલાર પ્રોજેક્ટ રદ્દ કરો
ઉકાઈ સોલાર પ્રોજેક્ટ હેઠળ આદિવાસીઓની જમીનો પર કબજો કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ છે. આ પ્રોજેક્ટ આદિવાસીઓની ખેતી અને આજીવિકાને અસર કરે છે, જેના કારણે તેનો વિરોધ થઈ રહ્યો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાપુતારા કોરિડોર રદ્દ કરો
આ કોરિડોરના નિર્માણ માટે આદિવાસી વિસ્તારોમાં જમીનોનું બળજબરીથી સંપાદન થઈ રહ્યું હોવાનો આક્ષેપ છે. આ પ્રોજેક્ટથી આદિવાસીઓના ઘરો અને ખેતરોને નુકસાન થઈ રહ્યું છે, જેના વિરોધમાં આ માંગ રજૂ કરવામાં આવી.
વન અધિકાર અધિનિયમનું સંપૂર્ણ અમલીકરણ અને બુલડોઝરનો ઉપયોગ બંધ કરો
આદિવાસીઓનો દાવો છે કે વન અધિકાર અધિનિયમ (Forest Rights Act, 2006)નું યોગ્ય રીતે અમલીકરણ થતું નથી, જેના કારણે તેમની જમીનો પરથી બળજબરીથી હકાલપટ્ટી થઈ રહી છે. વન વિભાગ દ્વારા આદિવાસીઓના ઘરો અને ખેતરો પર બુલડોઝર ફેરવવામાં આવે છે, જેને રોકવાની માંગ છે.
GPSC ઇન્ટરવ્યૂમાં આદિવાસી ઉમેદવારોને થયેલા અન્યાય સામે ન્યાય આપો
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ની ભરતી પ્રક્રિયામાં આદિવાસી ઉમેદવારો સાથે થયેલા અન્યાયનો મુદ્દો પણ આ રેલીમાં ઉઠાવવામાં આવ્યો. આદિવાસી યુવાનોને નોકરીઓમાં યોગ્ય પ્રતિનિધિત્વ અને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી.
ચૈતર વસાવાનું નિવેદન
आज सूरत के उमरपाड़ा में आयोजित आदिवासी अधिकार बचाओ रैली में, विशेष रूप से वन विभाग द्वारा रची जा रही साजिश के विरोध में,एवं स्टैच्यू ऑफ यूनिटी से सापुतारा कॉरिडोर को रद्द करने, उकाई सौर परियोजना को रद्द करने, 70 हजार हेक्टेयर भूमि पर बनने वाले अभ्यारण्य परियोजना को रद्द करने सहित… pic.twitter.com/ST41bRlXTj
— Chaitar Vasava AAP (@Chaitar_Vasava) June 30, 2025
ચૈતર વસાવાએ આ રેલી દરમિયાન આદિવાસી સમાજની લડતને વધુ તીવ્ર કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે વન વિભાગના અધિકારીઓને અગાઉથી જાણ કરવામાં આવી હતી કે આ મુદ્દો જંગલ ખાતા સાથે સંબંધિત છે, છતાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) ગેરહાજર રહ્યા અને બહાનાં બનાવીને ચાલ્યા ગયા. તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી વન વિભાગના અધિકારીઓ સ્થળ પર નહીં આવે, ત્યાં સુધી આદિવાસી સમાજ ધરણા ચાલુ રાખશે. વધુમાં, ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો કે અભયારણ્ય, ડેમ, અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિકાસના પ્રોજેક્ટ્સના નામે આદિવાસીઓની જમીનો અને આજીવિકા છીનવાઈ રહી છે.
તેમણે કહ્યું, “વિકાસના નામે આદિવાસીઓનો વિનાશ અમે કોઈપણ ભોગે સહન નહીં કરીએ.” તેમણે એમ પણ જણાવ્યું કે જો જરૂર પડશે તો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને મહારાષ્ટ્રના આદિવાસીઓ ભીલ પ્રદેશની લડતમાં જોડાશે, અને ગાંધીનગર કે સુરત કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવામાં આવશે.
ચૈતર વસાવા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા બેઠક પરથી 2022માં આમ આદમી પાર્ટી તરફથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ આદિવાસી સમાજના અધિકારો માટે આક્રમક રીતે લડતા નેતા તરીકે જાણીતા છે. અગાઉ પણ તેમણે વન વિભાગ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેક્ટ્સ, અને સરકારી નીતિઓ સામે વિરોધ કર્યો છે. 2023માં તેમની સામે વન અધિકારીઓને ધમકાવવા અને હવામાં ફાયરિંગ કરવાના આરોપમાં ફરિયાદ નોંધાઈ હતી, અને તેમની ધરપકડ પણ થઈ હતી. આ ઘટનાઓએ તેમને આદિવાસી યુવાનોમાં લોકપ્રિય નેતા બનાવ્યા છે, જે આ રેલીમાં તેમની આગેવાની હેઠળ ભેગા થયેલા હજારો લોકોની હાજરીથી સ્પષ્ટ થાય છે.