
- રાજકુમાર જાટના શંકાસ્પદ મોતનો મામલો ગુજરાતથી લઈને દિલ્હી સુધી ગુંજ્યો
રાજકોટના ગોંડલમાં રહેતા અને મૂળ રાજસ્થાનના રાજકુમાર જાટના શંકાસ્પદ મોતનો મામલો હવે ગુજરાત, રાજસ્થાન અને દિલ્હી સુધી પહોંચી ગયો છે. UPSCની પરીક્ષાની તૈયારી કરી રહેલા રાજકુમારના પિતા રતનભાઈ ચૌધરીએ આક્ષેપ કર્યો છે કે તેમના પુત્રને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરે માર મારવામાં આવ્યો હતો.
રાજકુમાર 3 માર્ચે ગુમ થયો હતો અને તેનો મૃતદેહ રાજકોટ જિલ્લામાંથી મળી આવ્યો હતો. પોલીસે દાવો કર્યો કે રાજકુમારનું મોત બસની ટક્કરથી થયું છે, પરંતુ પરિવારજનો આ વાત સ્વીકારવા તૈયાર નથી અને તેઓ સીબીઆઈ તપાસની માગ કરી રહ્યા છે.
રાજસ્થાનમાં જાટ સમાજમાં રોષ અને સીબીઆઈ તપાસની માગ
રાજસ્થાનમાં જાટ સમાજે આ મામલે ભારે રોષ વ્યક્ત કર્યો છે અને સીબીઆઈ તપાસની માગણી કરી છે. રાજસ્થાનના ત્રણ સાંસદોએ પણ આ ઘટનાની નિષ્પક્ષ તપાસ માટે અવાજ ઉઠાવ્યો છે. બાડમેરના સાંસદ ઉમેદારામ બેનિવાલે લોકસભામાં આ મુદ્દો ઉઠાવીને સીબીઆઈ તપાસની માગ કરી છે. તેમણે જણાવ્યું કે ગોંડલના પૂર્વ ધારાસભ્ય, તેમના પરિવારજનો અને સાથીઓ પર હત્યાનો આરોપ છે, જેમનો ગુનાહિત ઈતિહાસ રહ્યો છે.
ગુજરાત પોલીસ પર દબાણ હોવાને કારણે નિષ્પક્ષ તપાસ થઈ રહી નથી. તેમણે આરોપ લગાવ્યો કે પોલીસે પીડિત પરિવારને ન્યાય આપવાને બદલે આરોપીઓને બચાવવાનો પ્રયાસ કર્યો છે અને પુરાવાઓ નષ્ટ કરવાની કોશિશ કરી છે. ઘટનાને માર્ગ અકસ્માત તરીકે દર્શાવવામાં આવી રહી છે, પરંતુ મૃતદેહ પર 48 ઈજાના નિશાન મળ્યા છે. ઘટનાના 16 દિવસ બાદ પણ પોલીસે FIR નોંધી નથી. બેનિવાલે વડાપ્રધાન અને ગૃહમંત્રીને આ મામલે સીબીઆઈ તપાસનો આદેશ આપવા અપીલ કરી, જેથી દોષિતોને સજા થાય અને પીડિત પરિવારને ન્યાય મળે.
आज लोकसभा सदन में शून्यकाल के दौरान भीलवाड़ा निवासी राजकुमार जाट के गुजरात के गोंडल(राजकोट) में हुए हत्याकांड मामले की सीबीआई जांच कराने की मांग उठाई।
राजस्थान के भीलवाड़ा जिले के सहाड़ा विधानसभा क्षेत्र के झबरकिया गांव निवासी राजकुमार जाट की गुजरात के राजकोट (गोंडल) में 04 मार्च… pic.twitter.com/hMyW524q7Z— Ummeda Ram Beniwal (@UmmedaRamBaytu) March 19, 2025
શું હતી આખી ઘટના?
રાજકુમાર જાટના પિતા રતનભાઈ ચૌધરી મૂળ રાજસ્થાનના છે અને છેલ્લા 30 વર્ષથી ગોંડલમાં રહે છે, જ્યાં તેઓ ત્રણ ખૂણિયા નજીક શ્રીજી પાંઉભાજી નામની દુકાન ચલાવે છે. 3 માર્ચે રાજકુમાર ઘરેથી રહસ્યમય રીતે ગુમ થયો હતો. બે દિવસ સુધી તે ઘરે ન પહોંચતા, 5 માર્ચે રતનભાઈએ ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ અને રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી.
શહેરના બસ સ્ટેન્ડ સહિત જાહેર સ્થળોએ રાજકુમારના ગુમ થયાના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. રાજકુમાર UPSCની તૈયારી કરી રહ્યો હતો. 4 માર્ચે રાત્રે 3 વાગ્યે કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મોત થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. 9 માર્ચે પરિવારજનોએ મૃતદેહની ઓળખ કરી, અને પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વીકાર્યો હતો.
પરિવારનો હત્યાનો આરોપ
રાજકુમારના મોત બાદ પરિવારે આક્ષેપ કર્યો કે તેનું મોત અકસ્માતથી નહીં, પરંતુ હત્યા કરવામાં આવી છે. તેમણે દાવો કર્યો કે 2 માર્ચે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલા નજીક રાજકુમાર અને તેના પિતાને માર મારવામાં આવ્યો હતો. પરિવારે જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ પર હત્યાનો આરોપ લગાવીને નિષ્પક્ષ તપાસની માગ કરી છે.
આ પણ વાંચો- સોનિયા ગાંધીની મનરેગા યોજના અંગેની ચિંતાઓ શું દર્શાવે છે?