
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હીમાં લીકર કૌભાંડ સાથે જોડાયેલા કથિત મની લોન્ડ્રિંગ મામલે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા પર કેસ ચલાવવા માટે ઈડીને મંજૂરી આપી દીધી છે. આ પહેલાં દિલ્હી એલજી વિનય કુમાર સક્સેનાએ અરવિંદ કેજરીવાલ પર કેસ ચલાવવાની મંજૂરી આપી હતી. ગત વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, ઈડીને સરકારી કર્મચારીઓ પર કેસ ચલાવતા પહેલાં મંજૂરી લેવાની રહેશે.
અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે, મારી અને અન્યની સામે ઈડીની ચાર્જશીટ ગેરકાયદેસર છે. કારણકે, ફરિયાદ નોંધતા પહેલા અધિકારીઓએ પૂર્વ પરવાનગી નહતી લીધી. ડિસેમ્બર 2024માં ઈડીએ એલજીને પત્ર લખીને કેસ ચલાવવા માટે મંજૂરીની માંગ કરી હતી. જેમાં લીકર કૌભાંડ મામલે કેજરીવાલ ‘કિંગપિન અને પ્રમુખ ષડયંત્રકાર’ જણાવવામાં આવ્યું હતું.
તાજેતરમાં, દિલ્હી હાઈકોર્ટે વિધાનસભામાં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) રિપોર્ટ પર ચર્ચામાં મોડું થતા આમ આદમી પાર્ટીના નેતૃત્વવાળી દિલ્હી સરકારને ઠપકો આપ્યો હતો. જસ્ટિસ સચિન દત્તાની સિંગલ-જજ બેન્ચે કહ્યું કે, CAG રિપોર્ટ ગૃહમાં રજૂ ન કરવો પડે, તેથી દિલ્હી સરકારે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાનું બંધ કરી દીધું છે.
ભાજપે CAG રિપોર્ટને ટાંકીને દાવો કર્યો કે, લીકર કૌભાંડથી દિલ્હીને 2026 કરોડ રૂપિયા મહેસૂલનું નુકસાન થયું હતું. ભાજપે દાવો કર્યો કે, દિલ્હી લીકર કૌભાંડમાં આમ આદમી પાર્ટીના નેતાઓને લાંચ મળી છે. દિલ્હી હાઈકોર્ટે આમ આદમી પાર્ટી સરકારને ફટકાર લગાવતા કહ્યું કે, CAG રિપોર્ટ પર જે પ્રકારે તમે તમારા પગ પાછા ખેંચી લીધા છે, તેનાથી તમારી પ્રામાણિકતા પર શંકા ઊભી થાય છે. હાઈકોર્ટે આગળ ભાર આપતા કહ્યું કે, રિપોર્ટ તુરંત સ્પીકરને મોકલવો જોઈતો હતો અને તેના પર ગૃહમાં ચર્ચા શરૂ થવી જોઈતી હતી.
આ પણ વાંચો- કર્ણાટકની કોંગ્રેસ સરકારના અઢી વર્ષ પુરા થતાં મળી શકે છે નવા દલિત મુખ્યમંત્રી