
Banas Dairy Fake Ghee: બનાસ ડેરી (બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ), એશિયાની સૌથી મોટી ડેરીઓમાંની એક છે. નકલી ઘીના મામલે વિવાદમાં ફસાઈ છે. દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં આ કેસમાં ચુકાદો આપ્યો છે, જેમાં ડેરીની અપીલ ફગાવી દેવામાં આવી છે અને જવાબદાર વ્યક્તિઓ તેમજ દુકાનદારો સામે કડક કાર્યવાહીનો હુકમ કરવામાં આવ્યો છે.
મામલો શું છે?
વર્ષ 2019-20માં ઉત્તર પ્રદેશના વારાણસીથી બનાસ ડેરીનું ઘી દિલ્હી મોકલવામાં આવ્યું હતું. આ ઘીના ચાર ડબ્બામાં ભેળસેળ હોવાનું બહાર આવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ઘીમાં સોયબીન તેલ સહિતના ચીજવસ્તુઓની ભેળસેળ કરવામાં આવી હતી. આ ઘટના બાદ બનાસ ડેરીના અધિકૃત કર્મચારી અમરીશ ત્રિવેદીએ દિલ્હી હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી અને દાવો કર્યો હતો કે આ ફરિયાદ ખોટી છે. જોકે, કલકત્તાની લેબોરેટરીમાં ઘીના સેમ્પલની તપાસ કરવામાં આવી, જેમાં ભેળસેળની પુષ્ટિ થઈ હતી.
કોર્ટનો ચૂકાદો
દિલ્હી હાઈકોર્ટે ત્રણ દિવસ પહેલાં આ કેસમાં ચુકાદો આપતાં બનાસ ડેરીની અપીલને ફગાવી દીધી હતી. કોર્ટે નોંધ્યું કે ઘીમાં ભેળસેળના પુરાવા સ્પષ્ટ છે અને આવા કૃત્યથી ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થયા છે. કોર્ટે ડેરીના જવાબદાર અધિકારીઓ અને સંબંધિત દુકાનદારો સામે કાયદાકીય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
બનાસ ડેરી ગુજરાતમાં ઘી અને દૂધના ઉત્પાદનો માટે જાણીતી છે, અને રાજ્યના લાખો ગ્રાહકો તેના ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. આ ઘટનાએ ગ્રાહકોમાં રોષ ફેલાવ્યો છે, કારણ કે ડેરી પર લોકોના વિશ્વાસ સાથે છેતરપિંડી અને સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાનો આરોપ લાગ્યો છે. ખાસ કરીને, આ ઘી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસીથી દિલ્હી મોકલવામાં આવ્યું હતું, જેના કારણે આ મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.
પ્રશ્નો ઉઠ્યા
આ ઘટનાએ એક મોટો સવાલ ઉભો કર્યો છે કે જો માત્ર ચાર ડબ્બામાં ભેળસેળ જોવા મળી હોય, તો બનાસ ડેરીમાં આવી પ્રવૃત્તિ કેટલા મોટા પાયે ચાલતી હશે? ગ્રાહકો અને નિષ્ણાતો હવે ડેરીની ગુણવત્તા નિયંત્રણ પ્રક્રિયા પર સવાલ ઉઠાવી રહ્યા છે.
બનાસ ડેરી, જે 1969માં સ્થપાયેલી છે, ગુજરાતની સહકારી ડેરી ઉદ્યોગનું એક મહત્વપૂર્ણ નામ છે. તે રોજનું લગભગ 83 લાખ લિટર દૂધ એકત્ર કરે છે અને અમૂલ, સાગર અને બનાસ બ્રાન્ડ હેઠળ ઉત્પાદનો બજારમાં મૂકે છે. આવા વિવાદો ડેરીની પ્રતિષ્ઠાને અસર કરી શકે છે, જે ગુજરાતના લાખો પશુપાલકો અને ગ્રાહકો સાથે જોડાયેલી છે.
આ ચુકાદો ખાદ્ય સુરક્ષા અને ગ્રાહકોના હિતની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ગણાવી શકાય, અને તે અન્ય ડેરીઓને પણ ગુણવત્તા જાળવવા માટે ચેતવણી આપે છે.
આ પણ વાંચો:
પાલનપુરઃ દૂધમાં પાણીની ભેળસેળ, 20 લાખનું બનાસ ડેરીએ પાણી ખરીદ્યું?
Ahmedabad: ભ્રષ્ટાચારના પ્રતિકનું પતન, ખોખરા બ્રિજ તોડવાનું શરું, જુઓ
Gujarat: રાજયમાં ભારેથી અતિભારે આગાહી, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
Astrology: ભારત, મોદી, ભાજપ અને કોંગ્રેસ પર ચંદ્ર ગ્રહણની શું અસર થશે? જાણો છો સંજય ચૌધરી પાસેથી
Vadodara: ઐતિહાસિક માંડવી દરવાજાની બગડતી સ્થિતિ, પિલરનો બીજો ભાગ તૂટ્યો, પાલિકાની બેદરકારી