
ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં નવા વર્ષની શરૂઆતમાં જ ચકચારી ઘટના બની છે. પુત્રએ પોતાની ઘરડી માતા અને ચાર બહેન પર ધારદાર હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા છે. આ હત્યાકાંડમાં એક પછી એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. જોકે, હાલમાં હત્યારાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેણે પોતાની બહેનોની હત્યા પાછળનો કારણ જણાવ્યું છે તો કેટલાક લોકો ઉપર પોતાનું ઘર પડાવી લેવાના આરોપ પણ લગાવ્યા છે.
પોતાના વીડિયોમાં અરશદે યુપીના સીએમ યોગીના કામના વખાણ કર્યા હતા. તો બે નંબરના ધંધામાં રહેલા મુસ્લિમ યુવકોની ટીકા કરી હતી. આવા બેનંબરના ધંધા સાથે જોડાયેલા લોકોના કારણે જ તેણે હત્યા કરવાની વાત કરતો વીડિયોમાં જોવા મળ્યો હતો.
જોકે, અરશદ ક્રિમિનલ માઇન્ડનો હોવાનું સામે આવ્યું છે. કેમ કે મૂળ આગ્રાના કુબેરપુરમાં રહેતા અરશદે માતા અને બહેનોની હત્યા પહેલાં પોતાની જ દીકરીની પણ હત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે. તેમજ તેની પત્ની પણ ગુમ છે. અને માતા-બહેનોની હત્યા બાદ તેના પિતા પણ ગુમ છે. આ સિવાય થોડા દિવસ પહેલાં અરશદે એક દુકાનદાર પર પણ ઘાતકી પથ્થરમારા વડે હુમલો કર્યો હતો.
અરશદના પાડોશીઓના જણાવ્યા અનુસાર, તે ખૂબ અજીબ પ્રકારનો વ્યક્તિ હતો. તે આસપાસના લોકો સાથે અવારનવાર વાતવાતમાં ઝઘડો કરતો હતો. તેનો પરિવાર પણ ખૂબ ઓછા લોકો સાથે વાતચીત કરતો હતો. આખો પરિવાર ઘણીવાર બે-બે મહિના સુધી ગુમ થઈ જતો હતો.