
34 lakh Aadhaar holders have died in West Bengal | હાલમાં દેશભરમાં મતદાર ચકાસણી ઝુંબેશ ચાલુ છે ત્યારે આ બધા વચ્ચે UIDAI દ્વારા ચૂંટણી પંચને જાણકારી આપી છે કે પશ્ચિમ બંગાળમાં આશરે 3.4 મિલિયન આધાર કાર્ડ ધારકોના મૃત્યુ થઈ ચુક્યા છે.
જ્યારે 1.3 મિલિયન મૃત વ્યક્તિઓ એવા હતા કે જેમની પાસે આધાર કાર્ડ જ નહોતું. હવે આ ડેટા ચકાસણી પછી તેમના નામ મતદાર યાદીમાંથી દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
ચૂંટણી પંચ માને છે કે આ કાર્યવાહી સચોટ અને અદ્યતન મતદાર યાદીઓ સુનિશ્ચિત કરવા માટે એક ખાસ સુધારણા ઝુંબેશનો એક ભાગ છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચને નકલી મતદારો, મૃત મતદારો, ગેરહાજર મતદારો અને મતદાર યાદીમાં ડુપ્લિકેટ નામો અંગે અસંખ્ય ફરિયાદો મળી છે જેના ભાગરૂપે તપાસ કરવામાં આવી રહી છે.
મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે મૃત નાગરિકો સંબંધિત UIDAI ડેટા મતદાર યાદીમાંથી આવી એન્ટ્રીઓ શોધવા અને દૂર કરવામાં મદદ કરશે તેવી અપેક્ષા છે.
ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ બેંકો પાસેથી પણ માહિતી એકત્રિત કરી રહ્યા છે, કારણ કે મોટાભાગના ખાતા આધાર સાથે જોડાયેલા છે. અધિકારીએ જણાવ્યું હતું કે બેંકોએ એવા ખાતાઓનો ડેટા પ્રદાન કર્યો છે જેમણે વર્ષોથી KYC અપડેટ કરાવ્યું નથી. આનાથી મૃત વ્યક્તિઓને ઓળખવામાં મદદ મળશે જેમના નામ હજુ પણ મતદાર યાદીમાં ચાલુ રહયા છે.
બીજી તરફ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ ચૂંટણીપંચે હાથ ધરેલા આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમનેે વોટબંધી સમાન ગણાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે ભાજપ મતદારયાદી સુધારણા સામે બોલવા બદલ તેમને જેલમાં પણ મોકલી શકે છે અને ગળું પણ કાપી શકે છે. મમતા બેનરજીએ સિલીગુડીમાં મીડિયાને જણાવ્યું હતું કે આ એક સુપર ઇમરજન્સીના સ્વરૂપમાં છે. સીએમએ આરોપ લગાવ્યો છે કે બરોબર ચૂંટણી પહેલાં જ મતદાર યાદી સુધારણા હાથ ધરવાની કવાયત મને સમજમાં આવી રહી નથી. ચૂંટણીપંચે આ પ્રક્રિયા તરત જ બંધ કરી દેવી જોઈએ.






