
- ભારતના મુસ્લિમોની સામાજિક-આર્થિક રીતે ક્યાં ઉભા છે? શું છે નવો રિપોર્ટ?
દેશમાં મુસ્લિમોની સામાજિક-આર્થિક સ્થિતિ પર ચર્ચા ગાયબ થઈ ગઈ છે. નવો રિપોર્ટ “સમકાલીન ભારતમાં મુસ્લિમો માટે હકારાત્મક કાર્યવાહી પર પુનર્વિચાર” – આ ચર્ચાને એક વખત ફરીથી ઉઠાવી શકે છે. આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ અહેવાલ 10 વર્ષમાં આવી રીતનો પહેલો વિસ્તૃત પોલિસી દસ્તાવેજ છે જે મુસ્લિમો માટે હકારાત્મક પગલાંની સ્થિતિ દર્શાવે છે. તેમાં ભવિષ્ય માટે સાત-પોઇન્ટ રોડમેપ પણ રજૂ કરવામાં આવ્યા છે. આ અહેવાલ ચાર મુખ્ય વિષયો પર આધારિત છે. જેમાં સરકારી નીતિઓ, શિક્ષણ, આર્થિક સ્થિતિ અને મુસ્લિમ સમુદાયની ધારણાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
ભારતમાં મુસ્લિમ સમુદાય માટે હકારાત્મક પગલાં ભરવાનું 2006માં શરૂ થયું હતું. જ્યારે યુપીએ સરકારે તત્કાલીન વડા પ્રધાન ડો મનમોહન સિંહના 15-મુદ્દાવાળા લઘુમતી કાર્યક્રમની શરૂઆત કરી હતી. તે પહેલા રંગનાથ મિશ્રા કમિશન અને સચ્ચર સમિતિની રચના અનુક્રમે 2004 અને 2005માં કરવામાં આવી હતી, જેણે મુસ્લિમોને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાય તરીકે ઓળખાવ્યા હતા અને તેમના માટે વિવિધ પગલાં લેવાની ભલામણ કરી હતી.
સચ્ચર સમિતિએ 2006માં અને મિશ્રા કમિશને 2007માં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે ભારતના મુસ્લિમો હાંસિયામાં ધકેલાઈ ગયા છે અને તેમને તે રીતેની માન્યતા આપવા માટે તમામ રીતના પગલા ભરવા જોઈએ. તે ઉપરાંત રિપોર્ટમાં મુસ્લિમ સમુદાયના સામાજિક-આર્થિક ઉત્થાન માટે નીતિગત (પોલીસી) પહેલની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. તે પછી 2013માં સચ્ચર મૂલ્યાંકન સમિતિએ પણ આ ભલામણોના અમલીકરણની સમીક્ષા કરી હતી.
2014માં ભાજપના નેતૃત્વ હેઠળની NDA સરકાર સત્તામાં આવ્યા પછી નીતિગત માળખામાં ફેરફાર કરવામાં આવ્યા હતા. સરકારે સબકા સાથ, સબકા વિકાસનો નારા આપ્યો અને તમામ સમુદાયોની પ્રગતિ પર ભાર મૂક્યો હતો. જે હજું સુધી તો શક્ય થતો દેખાઈ રહ્યો નથી. 2014 પછી આવેલી નવી સરકારે મુસ્લિમ સશક્તિકરણને એક ચોક્કસ ચિંતા તરીકે ક્યારેય દેખી નથી. જોકે, આપણે સબકા સાથ, સબકા વિકાસ વિશે વાત કરીને તેની વાસ્તવિકતામાં ફસાઈ જવા માંગતા નથી. કારણ કે આપણે નવા રિપોર્ટ વિશે વાત કરી રહ્યા છીએ. પરંતુ આ મુદ્દાઓ જાણ્યા વિના, નવા અહેવાલને સમજવું મુશ્કેલ બનશે.
રિપોર્ટના મુખ્ય મુદ્દાઓ:
રાજ્ય અને કલ્યાણ નીતિઓમાં પરિવર્તન: રિપોર્ટમાં વર્તમાન સરકારની કલ્યાણકારી નીતિઓને ‘ચેરિટેબલ સ્ટેટ’ (પરોપકારી રાજ્ય) તરીકે વર્ણવવામાં આવી છે. આનો અર્થ એ થયો કે નીતિઓ હવે ચોક્કસ સમુદાયો પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે વ્યાપક સામાજિક સમાવેશ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પરિવર્તન નીતિ સરકારની પ્રાથમિકતાઓને પ્રતિબિંબિત કરે છે. તેમને લઘુમતી સમુદાય માટે કોઈ સોફ્ટ કોર્નર નથી.
વર્તમાન પોલિસી માળખું
રિપોર્ટમાં નીતિ આયોગના દસ્તાવેજોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને જાણવા મળ્યું હતું કે મુસ્લિમ સમુદાય માટે ખાસ યોજનાઓમાં ઘટાડો થયો છે. તેના બદલે સામાન્ય કલ્યાણ યોજનાઓ દ્વારા તમામ સમુદાયોને લાભ આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
શિક્ષણ અને આર્થિક સ્થિતિ: અહેવાલ મુજબ ઉચ્ચ શિક્ષણ અને શાળા શિક્ષણમાં મુસ્લિમ બાળકોની ભાગીદારી સૌથી ઓછી છે, જોકે તાજેતરના વર્ષોમાં તેમાં સુધારો થયો છે. સ્નાતક સ્તરે મુસ્લિમ યુવાનોનું પ્રમાણ અન્ય સામાજિક-ધાર્મિક જૂથો (SRGs)ની તુલનામાં સૌથી ઓછું છે. ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવાની બાબતમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) કરતાં થોડા સારા છે, પરંતુ હિન્દુ ઉચ્ચ જાતિ (HFC) અને અન્ય પછાત વર્ગ (HOBC) કરતાં ઘણા પાછળ છે.
મુસ્લિમ સમુદાય અન્ય સમાજની સરખામણીમાં આર્થિક રીતે પણ ખુબ જ પાછળ છે, જે તેમની સામાજિક ગતિશીલતાને અસર કરે છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે મુસ્લિમોની સરેરાશ આવક અન્ય ધાર્મિક સમાજો કરતા ઓછી છે. આ ઉપરાંત, તેમને રોજગારની તકોમાં પણ ઓછી પ્રાથમિકતા આપવામાં આવે છે. મોટાભાગના મુસ્લિમો નાના અને મધ્યમ વ્યવસાયોમાં કાર્યરત છે, જેનાથી તેમની આર્થિક સ્થિતિમાં કોઈ સુધારો થતો નથી.
રિપોર્ટમાં CSDS-લોકનીતીના ડેટાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જે દર્શાવે છે કે મુસ્લિમ સમુદાય તેના સામાજિક-આર્થિક પછાતપણું અને હાંસિયામાં ધકેલાઈ જવાથી ચિંતિત છે. તેમની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ સરકાર તરફથી સમાન તકો અને સમાવેશી નીતિઓ પર કેન્દ્રિત છે.
સાત-મુદ્દાનો રોડમેપ શું છે: રિપોર્ટમાં ભવિષ્ય માટે સાત સૂચનો આપવામાં આવી છે, જે નીચે મુજબ છે:
શિક્ષણમાં સમાન પહોંચ સુનિશ્ચિત કરવી: આર્થિક સશક્તિકરણ માટે ખાસ કાર્યક્રમો શરૂ કરવા જોઈએ. સરકારી નીતિઓમાં ભાગીદારી વધારવી જોઈએ. સામાજિક જાગૃતિ અને સંવાદને પ્રોત્સાહન આપવું. ડેટા સંગ્રહ અને દેખરેખને મજબૂત બનાવવી. રોજગારની તકોમાં સુધારો. સમુદાયની ભાગીદારીને પ્રોત્સાહન આપવો.
આ રિપોર્ટ ભારતમાં મુસ્લિમ સમુદાયની વર્તમાન પરિસ્થિતિને સમજવા અને નીતિ નિર્માતાઓને માર્ગદર્શન આપવા માટે મહત્વપૂર્ણ છે. તે દર્શાવે છે કે વર્ષોથી શિક્ષણ અને ભાગીદારીમાં સુધારો થયો હોવા છતાં મુસ્લિમ સમુદાય હજુ પણ અન્ય જૂથો કરતા ઘણો પાછળ છે. સરકારી નીતિઓ અને સમાવેશી અભિગમમાં ફેરફાર હોવા છતાં સમુદાયની ચિંતાઓને દૂર કરવા માટે વધુ લક્ષ્યાંકિત પ્રયાસોની જરૂર છે. રિપોર્ટમાં ભારતમાં સમાનતા અને સામાજિક ન્યાયને કેવી રીતે મજબૂત બનાવવો તે અંગે નીતિ નિર્માતાઓને સલાહ આપવામાં આવી છે. જોકે, મોદી સરકાર આ રિપોર્ટ સ્વીકારવા માટે બંધાયેલી નથી.
આ રિપોર્ટ તૈયાર કરનારા હિલાલ અહેમદ અને મોહમ્મદ સંજીર આલમ દિલ્હી સ્થિત સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝમાં એસોસિયેટ પ્રોફેસર છે. નાઝીમા પરવીન નવી દિલ્હી સ્થિત પોલિસી પર્સપેક્ટિવ્સ ફાઉન્ડેશન (PPF) ખાતે એસોસિયેટ ફેલો છે. આ અભ્યાસ વોશિંગ્ટન ડીસી સ્થિત યુએસ-ઇન્ડિયા પોલિસી ઇન્સ્ટિટ્યૂટ (યુએસઆઈપીઆઈ) દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો અને હૈદરાબાદ સ્થિત સેન્ટર ફોર ડેવલપમેન્ટ પોલિસી એન્ડ પ્રેક્ટિસ (સીડીપીપી) દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
સચ્ચર સમિતિ વિશે વાત કરવી જરૂરી છે
મુસ્લિમોની સ્થિતિ પર ગમે તેટલા અહેવાલો આવે પરંતુ આજે પણ સચ્ચર સમિતિની ભલામણો એક સીમાચિહ્નરૂપ બની રહે છે. આ એક સરકારી દસ્તાવેજ છે જે કેન્દ્ર સરકાર પાસે હંમેશા ઉપલબ્ધ રહે છે. સચ્ચર સમિતિએ 30 નવેમ્બર 2006ના રોજ સંસદમાં પોતાનો અહેવાલ રજૂ કર્યો. આ અહેવાલ 403 પાના લાંબો હતો અને તેમાં વ્યાપક ડેટા, ઇન્ટરવ્યુ અને વિશ્લેષણનો સમાવેશ થતો હતો. ભારતમાં મુસ્લિમ સમુદાયની સ્થિતિ પર આ પહેલો આટલો વિગતવાર અને અધિકૃત દસ્તાવેજ હતો. યુપીએ સરકાર આના પર પગલા ભરે તે પહેલાં જ તે સત્તામાંથી જતી રહી અને કેન્દ્રમાં ભાજપ સરકાર સત્તા પર આવી ગઈ. જેમની નીતિઓ બધાની સામે છે.
સચ્ચર સમિતિએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતુ કે મુસ્લિમ બાળકોનો શાળા પ્રવેશ દર અન્ય સમુદાયો કરતા ઓછો છે. ઉચ્ચ શિક્ષણમાં તેમની ભાગીદારી ખૂબ જ મર્યાદિત છે. અહેવાલમાં જાણવા મળ્યું છે કે માત્ર 4% મુસ્લિમ યુવાનો જ સ્નાતક સ્તરનું શિક્ષણ સુધી પહોંચતા હતા. સાક્ષરતા દર પણ રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછો હતો.
રિપોર્ટમાં મુસ્લિમોને “સામાજિક રીતે હાંસિયામાં ધકેલાઈ ગયેલા” ગણાવ્યા હતા. તેમની સામે ભેદભાવ અને પૂર્વગ્રહના અહેવાલો હતા. શહેરી વિસ્તારોમાં મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં રસ્તા, પાણી, વીજળી અને સ્વચ્છતા સેવાઓ જેવી મૂળભૂત સુવિધાઓ અપૂરતી હતી. આરોગ્ય સેવાઓની પહોંચનો અભાવ હતો, જેના કારણે મુસ્લિમ મહિલાઓ અને બાળકોમાં કુપોષણ અને મૃત્યુદરમાં વધારો થયો હતો. અન્ય સમુદાયો કરતાં જન્મ દર વધારે હતો, પરંતુ તે શિક્ષણ અને આર્થિક સ્થિતિ સાથે જોડાયેલું છે.
સચ્ચર સમિતિની મુખ્ય ભલામણો
સચ્ચર સમિતિએ તેના અહેવાલમાં અનેક સૂચનો કર્યા હતા, જેમાંથી કેટલાક મુખ્ય સૂચનો નીચે મુજબ દર્શાવામાં આવ્યા છે.
શિક્ષણ પર ભાર: મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં શાળાઓ અને કોલેજોની સ્થાપના. શિષ્યવૃત્તિ અને મફત શિક્ષણ યોજનાઓનો વિસ્તરણ. મદરેસાઓને આધુનિક શિક્ષણ સાથે જોડવાની પહેલ.
આર્થિક સશક્તિકરણ: માઇક્રોફાઇનાન્સ અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમો દ્વારા રોજગારની તકોમાં વધારો કરવો. સરકારી નોકરીઓ અને યોજનાઓમાં મુસ્લિમોની ભાગીદારી વધારવા માટે નીતિઓ અમલમાં મૂકવી.
સંસ્થાકીય સુધારા: ભેદભાવની ફરિયાદોના નિવારણ માટે સમાન તક આયોગની સ્થાપના. મુસ્લિમ સમુદાયની પરિસ્થિતિનું નિયમિત નિરીક્ષણ કરી શકાય તે માટે ડેટા સંગ્રહમાં સુધારો કરવો જોઈએ.
સામાજિક સમાવેશ: સમુદાય વિકાસ માટે ખાસ વિસ્તાર યોજનાઓ શરૂ કરવી. જેમાં પોલીસ અને વહીવટમાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ વધારવાનો સમાવેશ થાય છે જેથી વિશ્વાસ પુનઃસ્થાપિત થાય. (સામાજિક સમાવેશ (Social Inclusion) એટલે દરેક વ્યક્તિને, ભલે તે તેમની જાતિ, ધર્મ, આર્થિક સ્થિતિ, લિંગ, શારીરિક ક્ષમતાઓ અથવા કોઈપણ અન્ય પરિબળના આધારે અલગ હોય, સમાજના તમામ ક્ષેત્રોમાં ભાગ લેવાની અને વિકાસ કરવાની સમાન તકો મળે.)
સંસ્થાકીય સુધારા: ભેદભાવની ફરિયાદોના નિવારણ માટે સમાન તક આયોગની સ્થાપના કરવી. મુસ્લિમ સમુદાયની પરિસ્થિતિનું નિયમિત નિરીક્ષણ કરી શકાય તે માટે ડેટા સંગ્રહમાં સુધારો કરવો જોઈએ.
સચ્ચર સમિતિના રિપોર્ટે ભારતમાં નીતિ નિર્માતાઓ અને સમાજમાં વ્યાપક ચર્ચા ઉભી કરી દીધી હતી. આ પછી ઘણા પગલાં લેવામાં આવ્યા હતા. જેમાં પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહનો 15-મુદ્દાનો કાર્યક્રમ 2006 માં શરૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ મુસ્લિમ સમુદાય સહિત લઘુમતીઓના કલ્યાણ પર કેન્દ્રિત હતો. મુસ્લિમ બહુમતી ધરાવતા જિલ્લાઓમાં માળખાગત સુવિધાઓ અને સેવાઓ સુધારવા માટે બહુ-ક્ષેત્રીય વિકાસ કાર્યક્રમ (MSDP) પણ શરૂ કરવામાં આવ્યો હતો. શિષ્યવૃત્તિ યોજનાઓ મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે પ્રી-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક સ્તરે શિષ્યવૃત્તિ શરૂ કરવામાં આવી. પરંતુ વર્તમાન સરકારે તેને બંધ કરી દીધી છે.
વચ્ચે સરકાર બદલાઈ ગઈ. મનમોહન સિંહની સરકાર રિપોર્ટની બધી ભલામણોનો સંપૂર્ણ રીતે લાગું કરી શકી નહતી. 2013માં સ્થપાયેલી સચ્ચર મૂલ્યાંકન સમિતિ (કુંડુ સમિતિ) એ શોધી કાઢ્યું કે ઘણી ભલામણોનો અમલ ધીમો હતો અને તેની અસર મર્યાદિત હતી. ત્યારબાદ જ્યારે 2014માં NDA સરકાર સત્તામાં આવી ત્યારે નીતિઓમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા અને સમુદાય-વિશિષ્ટ યોજનાઓને બદલે સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ થયું.
જો કેન્દ્ર સરકારના ઇરાદા સ્પષ્ટ હોય તો સચ્ચર સમિતિનો અહેવાલ ભારતમાં મુસ્લિમ સમુદાયની સ્થિતિને સમજવા માટે એક ઐતિહાસિક દસ્તાવેજ છે. તેમાં માત્ર તેમના પડકારોને જ પ્રકાશિત કરવામાં આવ્યા નથી, પરંતુ નીતિ નિર્માતાઓને સમાવિષ્ટ વિકાસ તરફ વિચારવા માટે પણ પ્રેરણા આપી. જોકે તેના કેટલાક સૂચનોનો અમલ કરવામાં આવ્યો હતો, તેમ છતાં સંપૂર્ણ અમલીકરણ હજુ પણ એક પડકાર છે. આ અહેવાલ આજે પણ સંશોધકો, નીતિ નિર્માતાઓ અને સામાજિક કાર્યકરો માટે એક મહત્વપૂર્ણ સંદર્ભ છે.
સમાવિષ્ટ વિકાસ એટલે શું?
સમાવિષ્ટ વિકાસ (Inclusive Development) એટલે એવો વિકાસ જે સમાજના દરેક વર્ગને સમાવે, કોઈ પણ જાતિ, વર્ગ, ધર્મ, લિંગ, આર્થિક સ્થિતિ કે ભૌગોલિક પરિસ્થિતિના આધારે ભેદભાવ ન રાખે.
સમાવિષ્ટ વિકાસના મુખ્ય લક્ષણો:
- સમાન તકો: દરેક વ્યક્તિને શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને આત્મનિર્ભરતા માટે સમાન તકો મળે.
- આર્થિક અને સામાજિક સમાનતા: ગરીબ અને સમૃદ્ધ લોકો વચ્ચેની ખાઈ ઓછી કરવામાં સહાય કરે.
- સૌ માટે ઋણ સુવિધા: નાના ઉદ્યોગો, ખેડુતો અને રોજગાર માટે સહાય મળે.
- મહિલાઓ અને પછાત વર્ગનો વિકાસ: મહિલાઓ, અપંગો, અનુસૂચિત જાતિઓ/જાતિઓ અને અન્ય પછાત સમુદાયોને સમાન તકો મળે.
- પર્યાવરણની રક્ષા: કુદરતી સંસાધનોનું યોગ્ય સંચાલન કરીને પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર વિકાસ.
- ટેકનોલોજી અને ઇનોવેશન: ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમામ વર્ગ માટે સહજ અને પરવડે તેવી સેવાઓ ઉપલબ્ધ કરવી.