
- મહાબોધિ મંદિર આંદોલન: મારું મારા બાપનું ને તારું મારું સહિયારું !
રમેશ સવાણી; પૂર્વ આઈપીએસ: બૌદ્ધ ભિક્ષુઓ, ‘બોધગયા મહાબોધિ મંદિર મુક્તિ’ આંદોલન કરી રહ્યા છે. દેશ-વિદેશમાંથી આ આંદોલનને સમર્થન મળી રહ્યું છે. આંદોલનનું નેતૃત્વ ઓલ ઈન્ડિયા બુદ્ધિસ્ટ ફોરમ કરે છે. આ ફોરમના અધ્યક્ષ નંબૂ લામા છે. આ આંદોલન શાંતિપૂર્વક ચાલી રહ્યું છે. બિહાર સરકાર આ આંદોલનને દબાવી દેવા આતુર છે. બૌદ્ધ ભિક્ષુઓ આમરણાંત ઉપવાસ પર હતાં, પરંતુ 28 ફેબ્રુઆરી 2025ની રાત્રે બાર વાગ્યે બૌદ્ધ ભિક્ષુઓને પોલીસે ડીટેન કરી લીધાં. બુદ્ધ પૂર્ણિમાના દિવસે દેશભરમાંથી બૌદ્ધો બોધગયા એકત્ર થવાના છે.
બોધગયા મહાબોધિ મંદિરનું મહત્વ એ છે કે લગભગ અઢી હજાર વરસ પહેલાં આ જગ્યાએ એક પીપળાના વૃક્ષ નીચે બુદ્ધને જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી. બૌદ્ધ ધર્મના સૌથી જૂના મંદિરો માંહેનું આ મંદિર છે. આ મંદિર પરિસરને સમ્રાટ અશોકે ઈ. સ. પૂર્વે ત્રીજી શતાબ્દીમાં બંધાવ્યું હતું. વર્તમાન મંદિર 5મી-6ઠ્ઠી શતાબ્દીમાં બન્યું હતું. 2002માં, UNESCOએ આ મંદિરને વર્લ્ડ હેરિટેજ સાઈટ ઘોષિત કરી હતી.
બોધ ગયા મહાબોધિ મંદિર આંદોલન શા માટે? આ આંદોલન બૌદ્ધોના માન સન્માન માટેનું છે. ‘બ્રાહ્મણ મુક્ત બુદ્ધ વિહાર’ની માંગણી થઈ રહી છે. અહીં હિન્દૂઓએ, પિંડદાનની વિધિ શરુ કરી તેથી વિવાદ ચાલે છે. શ્રીલંકાના બૌદ્ધ સંત ધર્મપાલે 1891માં પોતાની ભારત યાત્રા દરમિયાન પ્રથમ વખત મહાબોધિ મંદિર પર બૌદ્ધોના અધિકારની વાત કરી હતી. પરંતુ હિન્દુ મહંતોએ મંદિર પર પોતાનો અધિકાર છોડ્યો નહીં. 1922માં ગયામાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું. તે સમયે ભિક્ષુઓએ મહાબોધિ મંદિર પર બૌદ્ધોના અધિકારનો મુદ્દો ઊઠાવ્યો. ત્યારે ગાંધીજીએ કહેલ કે આઝાદી બાદ મહાબોધિ મંદિર બૌદ્ધોને સોંપવામાં આવશે. ગાંધીજીની હત્યા થઈ અને મંદિરનો મુદ્દો પાછો ઠેલાતો ગયો. 1949માં બોધગયા ટેમ્પલ એક્ટ બન્યો.
આ કાયદાથી હિન્દુઓને આ મંદિરમાં પિંડદાન કરવાની મંજૂરી મળી. આ કાયદા હેઠળ BTMC-બોધગયા ટેમ્પલ મેનેજમેન્ટ કમિટીની રચના થઈ. તેમાં 4 બૌદ્ધ ધર્મના સભ્યો અને 4 હિન્દુધર્મના સભ્યોની નિમણૂક કરવાનું ઠરાવ્યું. કમિટીના અધ્યક્ષ તરીકે સ્થાનિક કલેક્ટર-DMની જોગવાઈ કરી. આ DM હિન્દુ હોવાનું ફરજિયાત કર્યું. ટૂંકમાં બૌદ્ધો પર વર્ચસ્વ સ્થાપવામાં આવ્યું. 1992માં ‘મંદિર મુક્તિ આંદોલન’ થયું. મુંબઈ થી મહાબોધિ મંદિર સુધી ‘ધમ્મ મુક્તિ યાત્રા’નું આયોજન થયું. તેનું નેતૃત્વ મૂળ જાપાનના ભંતે નાગાર્જુન આર્ય સુરઈ સસાઈએ કર્યું હતું. 1995માં પણ મંદિર મુક્તિ આંદોલન થયું છતાં પરિણામ ન મળ્યું. 2013માં આ કાયદામાં એટલો સુધારો થયો કે DM હિન્દુ જ હોય તે જરુરી નથી.
નંબૂ લામા કહે છે : “અમારી માંગ ખૂબ જ સાધારણ છે. BMTC માં બૌદ્ધ ધર્મ સિવાય અન્ય ધર્મના લોકો શા માટે છે? શું રામમંદિરના ટ્રસ્ટમાં અન્ય કોઈ ધર્મના વ્યક્તિનો સમાવેશ થાય છે? શું મક્કા, ઈસ્લામ સિવાય અન્ય કોઈ ધર્મના લોકો દ્વારા ચલાવવામાં આવે છે? શું વેટિકન સિટીમાં ખ્રિસ્તી ધર્મને બદલે અન્ય ધર્મના ફાધર છે? આવું ન હોય તો મહાબોધિ મંદિરમાં હિન્દુઓ શા માટે? BMTCમાં માત્ર બૌદ્ધ જ હોવા જોઈએ.”
સવાલ એ છે કે વડાપ્રધાન વિદેશમાં જાય ત્યારે બુદ્ધને યાદ કરે છે, પરંતુ ઘર આંગણે બૌદ્ધ લોકોની ભાવનાઓની દરકાર કરતા નથી. શું આ બૌદ્ધો સાથે અન્યાય નથી? જે સ્થળે બૌદ્ધ ધર્મની ઉત્પત્તિ થઈ તે બીજાના નિયંત્રણ હેઠળ છે ! મહાબોધિ મંદિર દુનિયાભરમાં એક માત્ર ઉદાહરણ છે જ્યાં એક ધર્મનું સૌથી પવિત્ર સ્થળનું નિયંત્રણ બીજા ધર્મના લોકો પાસે છે ! મૂળ સવાલ એ છે કે બૌદ્ધ મંદિરમાં હિન્દુ કર્મકાંડ કેમ? પિંડદાન વિધિ કેમ? BMTC માં હિન્દુ સભ્યો કેમ? બુદ્ધ જો વિષ્ણુનો અવતાર હોય તો આ મંદિર બૌદ્ધોને આપવામાં વાંધો કેમ? વિસ્તારવાદી માનસિકતા કેમ? દરેક જગ્યાએ કબજો કરવો છે? મારું મારા બાપનું ને તારું મારું સહિયારું !
આ લડત જ્ઞાન-વિજ્ઞાન અને અંધશ્રદ્ધા વચ્ચેની છે. કેટલાક ભિક્ષુઓ RSS/BJP દલાલ છે, તેનાથી ચેતવાની જરુર છે. શરમજનક બાબત એ છે કે હાલ BMTCમાં જે 4 બૌદ્ધ સભ્યો છે, તેઓ આંદોલનને સમર્થન કરતા નથી ! માત્ર બૌદ્ધ લોકોએ જ નહીં, પણ દેશના વૈજ્ઞાનિક મિજાજ ધરાવતા લોકોએ અવાજ ઉઠાવવાની જરુર નથી?
આ પણ વાંચો- કેવડિયા ઝૂમાં બે વર્ષમાં 60 વિદેશી પ્રાણીઓ મોતને ભેટતાં હોય તો રિલાયન્સ ઝૂમાં કેટલાં પ્રાણીઓના મોત થયા હશે?