
ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા સફાઈકામદારોના પડતર પ્રાણ પ્રશ્નોને લઈ સંગઠનના પ્રમુખ લાલજી ભગત અરવલ્લીના માલપુરથી દિલ્લી સુધીની દંડવત પ્રણામ યાત્રાનો પ્રારંભ કર્યો છે. આ દંડવત યાત્રામાં સમાજના અગ્રણીઓ જોડાયા હતા. સંગઠનના પ્રમુખ 870 કીમીની દંડવત યાત્રા યોજી વડાપ્રધાનને આવેદનપત્ર આપશે. આ યાત્રા માલપુર નગરમાંથી નીકળતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
ગુજરાતમાં વાલ્મિકી સમાજના પ્રશ્નો અને સફાઈ કામદારોના પડતર પ્રશ્નોને લઈ સંગઠનના પ્રમુખ લાલજી ભગત દ્વારા અગાઉ પણ માલપુરથી દિલ્હી સુધીની પદયાત્રા યોજી દેશના વડાપ્રધાનને આવેદનપત્ર અપાયું હતું. પરંતુ આ પડતર પ્રશ્નોને લઈ નિર્ણય નહીં કરાતાં હાલ પણ સફાઈકામદારો મુશ્કેલીઓ વેઠી રહયા છે.
સફાઈકામદારોની માંગણીઓ જેવી કે લઘુત્તમ વેતન ચૂકવવા, પ્રોવીડ ફંડ ચૂકવવા, મહેકમ પ્રમાણે સફાઈકામદારોની તમામ જગ્યા કાયમી ધોરણે ભરવા, રદ કરાયેલ શિક્ષણ ક્ષેત્રની 2 ટકા અનામત લાગુ પાડવા, છુટા કરાયેલા સફાઈકર્મીઓને ફરજ પર પરત લેવા, સમાજ માટે સોસાયટી બનાવવા અને વર્ગ-4 ની ભરતી પ્રક્રિયા પુનઃ ચાલુ કરવા સહિતની પડતર માંગને લઈ સમાજના અગ્રણી લાલજી ભગત માલપુરથી દિલ્લી સુધીના આશરે 870 કીમીના અંતરની દંડવત યાત્રા યોજી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર આપશે.