
ગુજરાતમાં લૂંટ, મર્ડર, હત્યાની ઘટનાઓમાં સતત વધારો થયો છે. અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ત્યારે લૂંટની વધુ એક ઘટના અમદાવાદમાં બની છે. એક્ટિવા સવાર બે શખ્સો આંગડિયા પેઢીના કર્મચારી સાથે ઝઘડો કરી 20 લાખ રુપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે.
મળતી જાણકારી અનુસાર શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી ધારા આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે. સી.જી. રોડ સુપર મોલ ખાતે આવેલા ધારા આંગડિયા પેઢીમાંથી 20 લાખ રૂપિયા લઈને આંગડિયા પેઢીનો કર્મચારી કારમાં નીકળ્યો હતો.
તમે મારા પર કાર ચઢાવી દીધી કહી કર્યો ઝઘડો
સહજાનંદ કોલેજ ચાર રસ્તા પર એક્ટિવા પર આવેલા બે ઈસમોએ આંગડિયા પેઢીના કર્મચારીને અટકાવ્યો હતો. અને તમે મારા પગ ઉપર કાર ચઢાવી દીધી છે તેમ કહીને ઝઘડો કર્યો હતો. આ વખતે એક ઈસમે એક્ટિવા પરથી ઉતરીને કારનો ડ્રાઇવર સાઇડનો દરવાજો તોડીને કારમાં રહેલી બેગ કાઢીને રફૂચક્કર થઈ ગયા હતા. લૂંટની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.